ગુજરાતમાં પોલીસે વ્યાજ ખોરોના ત્રાસની મળેલી ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરી છે. જેમાં ગૃહ વિભાગની સુચના બાદ દરેક જિલ્લામાં લોકોની ફરિયાદ લેવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આવી જ એક ઘટના સામે આવી છે. ગોંડલ તાલુકાના મૂંગા વાવડી ગામે રહેતા યુવાન દ્વારા ધંધાની જરૂરિયાત માટે જુદા જુદા સમયે પાંચ વ્યક્તિઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. જેનું તેને નિશ્ચિત કર્યા કરતા વધુ વ્યાજ ચૂકવ્યું હોવા છતા પણ વારંવાર વ્યાજખોરો ગેરવર્તન કરી ધાકધમકી આપતા હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો : Gujarati Video : લો બોલો ! હવે રાજકોટના ઉપલેટામાં ઠેર-ઠેર ડિજિટલ જુગારધામની હાટડીઓ ખુલી, Videoમાં કેદ થયા દ્રશ્યો
મળતી માહિતી મુજબ મૂંગા વાવડી ગામે રહેતા મેહુલ તુલસીભાઈ વોરા એ નિખિલ ભીમજીભાઇ કોરાટ, પંકજ સાવલિયા, ભરત દિલીપભાઈ પરમાર, કલ્પેશ લોઢા ફુલવાળા અને અનિલ લુણાગરિયા વિરુદ્ધ સીટી પોલીસ મથકમાં વ્યાજ અંગે પઠાણી ઉઘરાણી ની ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 384, 504, 114 તથા નાણા અધિનિયમ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
પોલીસ ફરિયાદમાં યુવાને જણાવ્યું હતું કે તેને જુદાં જુદાં લોકો પાસેથી જુદા જુદા સમયે આશરે 20-21 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને સવાયા દોઢા રકમ આપી દીધા બાદ પણ પઠાણી ઉઘરાણી શરૂ રાખી હતી અને છાસવારે ગેર શબ્દો બોલી ધાક ધમકી આપવામાં આવતી હતી જેના કારણે ના છૂટકે તેઓને પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડી હતી.
બનાસકાંઠાના લવાણા ગામના વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ હતી. લવાણા ગામના ગેરેજ માલિકે નવ માસ પહેલા રુ.60 હજારના એક મહિનાનું 12,500 મુજબ ઉંચા વ્યાજ સાથે રુ. 1.85 લાખ પરત કર્યા હતા. છતા 70,000 રુપિયા બાકી હોવાનું કહીને વ્યાજખોર પઠાણી ઉઘરાણી કરતો હતો.
આ અગાઉ પણ બનાસકાંઠાના વડગામમાં પોલીસે વધુ બે વ્યાજખોરોને ઝડપ્યા હતા. પરેશ સોની અને દિલીપ સોની નામના વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ મળતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને બંન્ને વ્યાજખોરો વિરુદ્ધ 39 જેટલી ફરિયાદ મળી ચૂકી હતી. પોલીસે વ્યાજખોરોના ઘરે સર્ચ કરી 100 કોરા ચેક, 48 પ્રોમિસરી નોટ, 11 નોટરી કરાર, 2 લાખ રોકડા જપ્ત કર્યા હતા.
આ સાથે પોલીસે સહી-અંગુઠા કરેલી કોરી પ્રોમિસરી નોટ તથા 10 લોકોની કોરા કાગળ પર સહીઓ પણ કબજે કરી હતી. હાલ તો પોલીસે બંન્ને વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.