RAJKOT : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણી જાહેર ન કરીને પેધી ગયેલા સિન્ડિકેટ સભ્યોને ઘરભેગાં કરવાનું આયોજન ?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વોટ્સઅપ કાંડ સામે આવ્યા બાદ યુનિવર્સિટીના સિન્ડિકેટ પદમાં નો-રિપીટ થીયરી અમલમાં આવે તેવા સંકેતો મળી રહ્યા હતા.
RAJKOT : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં (Saurashtra University)સેનેટની ચૂંટણી (Senate election) અંગેનું જાહેરાનામૂ બહાર પાડવાનો સમય પૂરો થઇ રહ્યો છે. અને કુલપતિ દ્વારા હજુ સુધી સેનેટની ચૂંટણીને લઇને કોઇ જાહેરનામૂં બહાર પાડવામાં ન આવતા વિરોધનો સૂર ઉઠ્યો છે.આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે એનએસયુઆઇ અને યુથ કોંગ્રેસના હોદ્દેદારોએ સેનેટની ચૂંટણી જાહેર કરવાની માંગ સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો અને કુલસચિવની ચેમ્બરમાં રામધૂન બોલાવી હતી.જો કે યુનિવર્સિટી જાણી જોઇને આ જાહેરનામૂં બહાર ન પાડતી હોવાનું લાગી રહ્યું છે. 23 મે 2022 સેનેટ સભ્યની ટર્મ પૂરી થાય છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્યોની ટર્મ 23 મે 2022ના રોજ પૂરી થાય છે.યુનિવર્સિટીના સેનેટની ચૂંટણીના નિયમ પ્રમાણે ટર્મ પૂરી થવાના 49 દિવસ પહેલા ચૂંટણી અંગેનું જાહેરનામૂ પ્રસિદ્ધ થવું જોઇએ અને તેના પણ 21 દિવસ પહેલા મતદાર યાદી પ્રસિદ્ધ કરવી જોઇએ. પરંતુ યુનિવર્સિટીના કુલપતિએ પ્રસિદ્ધ ન કરતા વિવાદ સર્જાયો છે,
ભાજપના આંતરિક જુથવાદને કારણે જાહેરનામૂં પ્રસિદ્ધ નથી થતું-કોંગ્રેસ
આજે રજૂઆત કરવા આવેલા એનએસયુઆઇના કાર્યકર્તાઓએ કહ્યુ હતું કે યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણીને લઇને જાહેરનામૂં પ્રસિદ્ધ કરવાની સમય મર્યાદા વિતી રહી છે.જો કે ભાજપના આંતરિક જુથવાદને કારણે આ જાહેરાત થઇ રહી નથી.સિનીયર સિન્ડીકેટ મેમ્બરોને બદલવા માટે સેનેટની ચૂંટણીમાં જાણી જોઇને વિલંબ કરવામાં આવી રહ્યો છે.
તો સિનીયર સિન્ડિકેટ મેમ્બરો થશે ઘરભેગા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વોટ્સઅપ કાંડ સામે આવ્યા બાદ યુનિવર્સિટીના સિન્ડિકેટ પદમાં નો-રિપીટ થીયરી અમલમાં આવે તેવા સંકેતો મળી રહ્યા હતા. જોકે સરકારે સેનેટની ચૂંટણીનું જાહેરનામૂં બહાર ન પાડીને એક અલગ જ ખેલ પાડી દીધો છે.જો સેનેટની ચૂંટણી સમય મર્યાદામાં ન થાય તો 7 જેટલા સિનીયર સિન્ડિકેટ સભ્યોના સેનેટ પદ રદ્દ થાય અને તેના કારણે આપોઆપ તેના સિન્ડિકેટ પદ પણ રદ્દ થઇ શકે છે.જેથી ભાજપ એક કાંકરે બે પક્ષી મારી રહી હોય તેવું લાગી રહ્યું છે.