સૌરાષ્ટ્રના પાટનગરના રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય ! ભ્રષ્ટાચારના કારણે રોડ પરથી ડામર જ ગાયબ, છતાં તંત્ર ઘોર નિંદ્રામાં
રાજકોટ (Rajkot) શહેરના મવડી વિસ્તારના ખીજડાવાળા રોડ હોય કે ગોંડલ રોડ (Gondal road) પર માલધારી ફાટક સહિતના રોડ તમામ રોડ પર માત્રને માત્ર ભ્રષ્ટાચારની ચાડી ખાતા ખાડા જોવા મળે છે.
સૌરાષ્ટ્રના (Saurashtra) પાટનગર રાજકોટના (Rajkot) રસ્તાઓ પર જાણે ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ ગયું હોય તેવુ લાગી રહ્યુ છે. શહેરના કોઈપણ રોડ પર તમે ફરી લો, તમારે ડામર રોડ શોધવા માટે બિલોરી કાચની જરૂર પડે. રાજકોટ શહેરના મવડી વિસ્તારના (mavdi area) ખીજડાવાળા રોડ હોય કે ગોંડલ રોડ (Gondal road) પર માલધારી ફાટક સહિતના રોડ તમામ રોડ પર માત્રને માત્ર ભ્રષ્ટાચારની ચાડી ખાતા ખાડા જોવા મળે છે. રાજકોટ શહેરના રોડ પર ખાડાનું કેટલું રાજ છે તે ચકાસવા માટે TV9 ની ટીમ શહેરના 150 ફૂટ રીંગ રોડ પરના મવડી વિસ્તારના ખીજડાવાળા વિસ્તારમાં પહોંચી હતી. તો અહીં રસ્તાઓની બદસૂરત તસવીર જોવા મળી.
ભ્રષ્ટાચારના કારણે રોડ પરથી ડામર જ ગાયબ
ભારે વરસાદ (Heavy rain) અને રોડના કામમાં ભ્રષ્ટાચારના કારણે રોડ પરથી ડામર તો ગાયબ જ થઈ ગયો છે. સાથે જ એવા મહાકાયા ખાડા કે તમારે વાહન ચલાવવા માટે રોડ શોધવો પડે.30 ફૂટના રોડમાં 2થી 3 ફૂટ ઉંડા ખાડા પડી ગયા છે. રોડ પર વાહનોનું તો જેવું થવું હોય તે થાય, પણ લોકોની કમર જરૂર તૂટી રહી છે.
બિસ્માર રસ્તાને લઇને ચક્કાજામ કર્યો હતો
આ રોડ પરથી નીકળવું એટલે જોખમથી ઓછું નથી.ખાડાઓને કારણે ખસ્તાહાલ છે.એટલા મોટા ખાડાઓ પડ્યા છે કે જાણે આ રોડ અંતરિયાળ ગામડાનો હોય તેવી અનુભૂતિ અહીંથી પસાર થતાં નાગરિકોને થઇ રહી છે. અહીંથી વાહન લઇને તો ઠીક, ચાલતા જવાય તેવી પણ હાલત નથી.આવી નર્કાગાર જેવી સ્થિતિમાં આ વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. લોકોનો આક્ષેપ છે કે ટીપીનો રોડ નીકળી ગયો હોવા છતા તંત્ર રસ્તાનું સમારકામ કરતી નથી.લોકોના વાહનોને નુકસાન પહોંચી રહ્યું છે,અનેક લોકો દરરોજ પડી રહ્યા છે સ્થિતિ ખૂબ જ ગંભીર છે.અહીંના લોકોએ બિસ્માર રસ્તાને લઇને ચક્કાજામ કર્યો હતો પરંતુ તંત્રએ (RMC) કેટલાક વિસ્તારોમાં કપચી નાખીને સંતોષ માની લીધો પરિણામે સ્થિતિ તેવીને તેવી જ જોવા મળી છે.