Rajkot : રામેશ્વર સહકારી મંડળીના સંચાલકોની મિલકતો ટાંચમાં લેવાના ગૃહ વિભાગના આદેશ બાદ કાર્યવાહી શરૂ
રાજકોટમાં કરોડોનું કૌભાંડ આચરનાર રામેશ્વર સહકારી મંડળીના સંચાલકોની મિલકતો ટાંચમાં લેવાનો ગૃહ વિભાગે આદેશ કર્યો છે. જે બાદ પ્રાંત અધિકારીએ મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી શરૂ કરી છે.
રાજકોટમાં કરોડોનું કૌભાંડ આચરનાર રામેશ્વર સહકારી મંડળીના સંચાલકોની મિલકતો ટાંચમાં લેવાનો ગૃહ વિભાગે આદેશ કર્યો છે. જે બાદ પ્રાંત અધિકારીએ મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાંત અધિકારી આવતીકાલે નાનામૌવા ખાતેની પ્રથમ મિલકત ટાંચમાં લેશે.
ગૃહ વિભાગે મંડળીના સંચાલક સંજય દુધાગરા, ગોપાલ રૈયાણી અને વિપુલ વસોયાની રાજકોટ અને જામનગર જિલ્લાની કુલ 12 જેટલી મિલકતો ટાંચમાં લેવાનો ઓર્ડર આપ્યો છે. જે અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવશે. મિલકતો જપ્ત કર્યા બાદ કોર્ટ જે આદેશ કરશે તે મુજબ રોકાણકારોને તબક્કાવાર રૂપિયા ચૂકવવામાં આવશે.
મિલકતોની વાત કરીએ તો, હડાળામાં આવેલી 2 કરોડની ખેતીની જમીન, હડાળા ચાર રસ્તા પાસે આવેલો 115 કરોડનો પ્લોટ, કાગદડીમાં આવેલો 20 લાખનો પ્લોટ, નાનામૌવામાં આવેલો 2.50 કરોડનો પ્લોટ, વાગડીયામાં આવેલી 66 લાખની ખેતીની જમીન, વાણીયા ખાતેની 25 લાખની ખેતીની જમીન, ભલસાણમાં આવેલી 60 લાખની ખેતીની જમીન અને ભલસાણ સ્થિત અન્ય 50 લાખની ખેતીની જમીન ટાંચમાં લેવાશે.
મહત્વનું છે 2 હજાર 365 રોકાણકારોને 41.98 લાખ રૂપિયા પરત ન મળતા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે..આરોપીઓએ રોકાણકારોને ઉંચા વ્યાજે રકમ પરત આપવાની બાંહેધરી આપવામાં આવી હતી અને રૂપિયા લીધા બાદ રફુચક્કર થઇ ગયા હતા.