Rajkot: લગ્ન સહાયના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર રિયલ ફ્રેન્ડ ટ્રસ્ટના પ્રમુખ-ઉપપ્રમુખની ધરપકડ, 1300થી વધુ લોકોને લગાવ્યો ચુનો
Rajkot: લગ્ન સહાયના નામે રાજ્યના અનેક લોકોને ચુનો લગાડનારા અને લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર રિયલ ફ્રેન્ડ ટ્રસ્ટના પ્રમુખ-ઉપ્રમુખની ધરપકડ કરવામાં આવી છે. સંસ્થાના પ્રમુખ-ઉપપ્રમુખ પતિ-પત્ની છે. અને તેમણે રિયલ ફ્રેન્ડ ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવીને 1300થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી છે.
લગ્ન માટેની નોંધણી કરાવો અને લગ્ન કરો એટલે તમને મળશે એક લાખ રુપિયા કંઇક આવી જ સ્કીમ સાથે જુનાગઢના ટ્રસ્ટે રાજકોટ સહિત ગુજરાતના અનેક લાભાર્થીઓને ચુનો ચોપડ્યો છે. જુનાગઢની રિયલ ફ્રેન્ડ ફાઉન્ડેશન નામની સંસ્થાએ લગ્ન સહાયના નામે ગુજરાતના 1300થી વધારે લોકો સાથે છેતરપિંડી કરી હોવાની ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ હતી. જેના આધારે પોલીસે આ સંસ્થાના પ્રમુખ અને ઉપપ્રમુખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પતિ-પતિનીએ મળી 1300થી વધુ લોકો સાથે આચરી છેતરપિંડી
હરેશ ડોબરીયા અને પ્રફુલા ડોબરીયા આ બંન્ને પતિ-પત્નીએ અન્ય 6 જેટલા ટ્રસ્ટીઓની મદદથી રિયલ ફ્રેન્ડ ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવીને 1300થી વધારે લોકો સાથે છેતરપિંડી કરી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને એક ફરિયાદ મળી હતી કે આ સંસ્થા દ્રારા ચલાવવામાં આવતી લગ્ન સહાયની સ્કીમમાં તેઓએ અને તેની ભાવિ પત્નિએ 25 હજાર રૂપિયા ભર્યા હતા અને તેના બદલે આ સંસ્થાએ તેને એક-એક લાખ રૂપિયા આપવાની બાંહેધરી આપી હતી. જો કે આ સંસ્થા દ્રારા તેમને રૂપિયા પરત આપવામાં ન આવ્યા. જે ચેક રજૂ કર્યો તે પણ બાઉન્સ થયો હતો. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે આ દંપતીને પકડી પાડ્યા છે જ્યારે અન્ય 6 જેટલા ટ્રસ્ટીઓની શોધખોળ શરૂ કરી છે.
કઇ રીતે આચરતા છેતરપિંડી ?
ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત બસિયાના કહેવા પ્રમાણે રિયલ ફ્રેન્ડ ફાઉન્ડેશન દ્રારા લગ્ન સહાયના નામે એક સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી જેમાં લગ્નવાંચ્છુક યુવક-યુવતી દ્રારા 25 હજાર રૂપિયા ભરીને સભ્ય બની શકે છે અને નિયત સમયમાં તેઓના લગ્ન થાય તો આ સંસ્થા તેના બદલે 1 લાખ રૂપિયા પરત આપે છે. આ સંસ્થા લગ્ન મંડપમાં જઇને વર કન્યાને આ ચેક આપતા હતા.
ચેક બાઉન્સ થયા બાદ કૌભાંડ સામે આવ્યુ
આ સંસ્થા દ્રારા જુનાગઢ,રાજકોટ,જામનગર,સાણંદ અને સુરત ખાતે ઓફિસો ખોલવામાં આવી હતી અને 1300થી વધારે સભ્યો બનાવવામાં આવ્યા હતા. શરૂઆતના તબક્કે લોકોને વિશ્વાસ બેસે તે માટે અલગ અલગ વિસ્તારોમાં 73 જેટલા લોકોને રૂપિયા પરત આપવામાં આવ્યા હતા. જો કે ત્યારબાદ આ સંસ્થાએ રૂપિયા આપવાનું બંધ કરી દીધું હતુ. કેટલાક લોકોને ચેક આપ્યા હતા જે પણ બાઉન્સ થયા હતા. જે બાદ આ કૌંભાડ હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચો: Rajkot: બજેટ પૂર્વે ચેમ્બર ઓફ કોમર્સે વેપાર ઉદ્યોગોને બુસ્ટ મળે તે માટે નવી યોજનાઓ લાગુ કરવા માંગ
થોડા દિવસ પહેલા રાજકોટમાં આ સ્કીમનો ભોગ બનનાર લોકોએ પોલીસ કમિશનરને કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જે બાદ પોલીસ દ્રારા તપાસ કરીને આ કૌંભાડ હોવાનું સામે આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હાલમાં તેની મિલકત સહિતની માહિતી એકત્ર કરી છે અને ભોગ બનનાર લોકોના રુપિયા કોર્ટ મારફતે પરત મળે તે રીતની કાર્યવાહી શરૂ કરી છે જો કે આ કિસ્સો એવા તમામ લોકો માટે લાલબત્તી સમાન છે જેઓ આવી સ્કીમની લાલચમાં આવીને રૂપિયા ગુમાવે છે.