Rajkot: બજેટ પૂર્વે ચેમ્બર ઓફ કોમર્સે વેપાર ઉદ્યોગોને બુસ્ટ મળે તે માટે નવી યોજનાઓ લાગુ કરવા કરી માંગ
Rajkot: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે રાજ્ય સરકારને કેટલાક સૂચનો મોકલ્યા છે. જેમા પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરવાની માગ કરી છે સાથે વેપાર ઉદ્યોગોને બુસ્ટ આપવા નવી યોજનાઓ લાગુ કરવાની માગ કરી છે.
ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત થઇ ગઇ છે.રાજ્ય સરકાર પોતાની નવી સરકારનું બજેટ રજૂ કરશે.આ બજેટ રજૂ થાય તે પહેલા ચેમ્બર ઓફ કોમર્સ દ્રારા રાજ્ય સરકારને કેટલાક મહત્વના સૂચનો મોકલ્યા છે. આ સૂચનોમાં મુખ્યત્વે ટોલટેક્સ અને પ્રોફેશનલ ટેક્સ નાબુદ કરવાની માંગ કરી છે. સાથે-સાથે વેપાર ઉદ્યોગોને બુસ્ટ મળે તે માટેની કેટલીક નવી યોજનાઓ લાગુ કરવાની માંગ કરી છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી વૈષ્ણવે સરકારને મોકલેલા સૂચનો પર નજર કરીએ તો..
- રાજકોટને કોન્વોકેશન સેન્ટર અને કન્ટેઇનર ડેપો આપવા માગ કરાઈ છે. જેથી વેપાર ઉઘોગના વિકાસ માટેના કાર્યક્રમોના આયોજન થઇ શકે, બહારના દેશો અને રાજ્યોમાંથી લોકોને બોલાવી વિચારોનું આદાનપ્રદાન થઈ શકે.
- ઉદ્યોગોને જીઆઇડીસીમાં જમીન 50 ટકા રાહત દરે આપો. રાજકોટના ખીરસરા અને છાપરા ખાતે જીઆઇડીસીનું નિર્માણ થયું છે અહીં વધુમાં વધુ ઉદ્યોગો આવે તે માટે સરકાર આ લાગુ કરે તેવી માંગ છે.
- કટારિયા ચોકડી પર ઓવરબ્રિજ બનાવવો, કાલાવડ રોડ પર આવેલા ઓદ્યોગિક વિસ્તારનું પ્રવેશ દ્રાર કટારિયા ચોક બન્યું છે. અહીં ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વકરી રહી છે. ત્યારે આ માગ કરવામાં આવી છે.
- વન નેશન વન ટેક્સ અંતર્ગત જીએસટી લાગુ કરવામાં આવ્યો હોવાથી પ્રોફેશનલ ટેક્સ નાબુદ કરો.
- વેપાર ઉદ્યોગમાંથી પ્રોફેશનલ ટેક્સ નાબુદ કરવા અને 15 હજાર સુધીના પગારદારને પ્રોફેશનલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ
- રાજકોટમાં ડિફેન્સ એરોસ્પેશ ઇન્ડસ્ટ્રીઝ સ્થાપવાની માંગ,રાજકોટ ઓટો મોબાઇલ સેક્ટરનું હબ છે અને હાલના તબક્કે અહીંના પાર્ટસ ડિફેન્સમાં પણ જાય છે ત્યારે આ ઇન્ડસ્ટ્રીઝ સ્થાપવામાં આવે તો ફાયદો મળી શકે છે.
- સ્ટેટ હાઇ વે, ટોલટેક્સ નાબુદ કરવાની માંગ, વેપાર ઉઘોગને ફાયદો થાય તે હેતુથી સ્ટેટ ટોલટેક્ષ નાબુદ કરવો જોઇએ.
- સંકલન સમિતિની રચના કરવાની માગ-રાજ્ય સરકાર દ્રારા વેપાર ઉદ્યોગને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે એક સંલકન સમિતીની રચના કરે જેમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધી, કલેક્ટર, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, પીજીવીસીએલ એમડી અને રૂડાના ચેરમેન સહિતના લોકોની એક સંકલન સમિતી બનવી જોઇએ જે સમયાંતરે મળવાથી નાના મોટા પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ થઇ શકે.
- MSME ભવન બનાવવાની માંગ-રાજકોટ એ MSMEનું હબ છે. અહીંના ઉદ્યોગકારો એશિયામાં પોતાની પ્રોડક્ટ સપ્લાઇ કરે છે ત્યારે જો અહીં ભવન તૈયાર થાય તો તેનો વ્યાપ પણ વધશે અને નવા ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે.
- સ્ટેમ્પ ડ્યુટી 5 ટકાના બદલે 2 ટકા કરવાની માગ-જંત્રીની કિંમત વધવાથી સામાન્ય માણસ અને નાના વેપારીઓને વધુ બોજો ન પડે તે માટે સ્ટેમ્પ ડ્યુટીમાં રાહતની માગ કરવામાં આવી છે જેમાં 5 ટકાના બદલે 2 ટકા જ કરવાની સરકાર પાસે માગ કરાઇ છે.
આ પણ વાંચો: Rajkot : ગુજરાતમાં સૌપ્રથમ HIV પોઝિટિવ દર્દીઓને વિનામૂલ્યે કાયદાકીય સહાય માટેના સેન્ટરનો કરાયો પ્રારંભ