Rajkot: આખરે ટ્રાવેલ્સ સંચાલકોની થઈ જીત, પોલીસ કમિશનરે 150 ફૂટ રીંગરોડનું જાહેરનામું 6 મહિના માટે મોકૂફ કર્યું
રાજકોટમાં ગત 15 જુલાઈના રોજ પોલીસ કમિશનર દ્વારા 150 ફૂટ રિંગરોડ પર ખાનગી લક્ઝરી બસોને પ્રવેશ પર પ્રતિબંધ જાહેર કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેને લઇને ટ્રાવેલ્સ સંચાલકો સતત વિરોધ નોંધાવી રહ્યા હતા. જોકે આખરે પોલીસ કમિશનરે 150 ફૂટ રીંગરોડનું જાહેરનામું 6 મહિના માટે મોકૂફ કર્યું છે.
Rajkot: રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પર ખાનગી લક્ઝરી બસોને પ્રવેશ પર પ્રતિબંધને લઈ લાંબી બહેસ ચાલી જેને લઈ ટ્રાવેલ્સ સંચાલકોએ સાંસદ અને ધારાસભ્યોને પણ રજૂઆત કરી હતી. જોકે આખરે તેમની રજૂઆતો સફળ થઈ છે અને પોલીસ કમિશનર દ્વારા આ જાહેરનામુ 6 મહિના માટે મોકૂફ રાખવામાં આવ્યું છે.
ટ્રાવેલ્સ સંચાલકોએ હાઈકોર્ટમાં જવાની બતાવી હતી તૈયારી
15 તારીખથી ટ્રાવેલ્સ સંચાલકોએ સતત ધારાસભ્યો અને સાંસદને રજૂઆત કરી રહ્યા હતા અને પોલીસ કમિશ્નરને પણ રજૂઆત કરી હતી. જેને લઈને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા ગઈકાલે આ જાહેરનામામાં ફેરફાર કરીને બપોરે 2થી 5 વાગ્યા દરમિયાન લક્ઝરી બસોને પ્રવેશ માટે છુટ આપી હતી. પરંતુ ટ્રાવેલ્સ સંચાલકો આ ફેરફારથી પણ સંતુષ્ટ નહોતા થયા અને જણાવ્યું હતું કે બપોરે 2થી 5માં આમ પણ બસો નથી આવતી જેથી આ ફેરફારનો કોઈ મતલબ નથી.
જેથી ટ્રાવેલ્સ સંચાલકોએ ગાંધીનગર સુધી રજૂઆત કરવાની અને જો તો પણ માગ ન સ્વીકારાય તો હાઈકોર્ટમાં જવાની પણ તૈયારી દર્શાવી હતી. આજે ફરી એકવાર ટ્રાવેલ્સ સંચાલકોએ પોલીસ કમિશનર સાથે મુલાકાત કરી હતી અને આખરે પોલીસ કમિશનરે તેમની રજૂઆત માન્ય રાખી હતી અને 150 ફૂટ રિંગરોડ પરનું જાહેરનામું 6 મહિના માટે મોકૂફ રાખ્યું હતુ. જેથી હવે પહેલાની જેમ જ ખાનગી લક્ઝરી બસો 150 ફૂટ રિંગરોડ પર 24 કલાક પ્રવેશ કરી શકશે.
ટ્રાવેલ્સ સંચાલકોની સાથે મુસાફરોને પણ રાહત
આ જાહેરનામાની મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવવાનો હતો. કારણ કે જો આ જાહેરનામાનો અમલ યથાવત રહ્યો હોત તો બસ પકડવા માટે લોકોને પુનિત નગર અથવા માધાપર ચોકડી સુધી જવું પડત અને બહારગામથી આવતા લોકોને માધાપર ચોકડી અથવા પુનિત નગરથી પોતાની રીતે રીક્ષાભાડું ખર્ચીને અથવા અન્ય કોઈ વ્યવસ્થા કરીને જવું પડતું. પરંતુ જાહેરનામું મોકૂફ રખાતા પહેલાની જેમ જ મુસાફરો 150 ફૂટ રિંગરોડ પર કોઈ પણ પિક અપ પોઇન્ટ પરથી બસ પકડી શકશે અને ઉતરી શકશે.