Rajkot: જિલ્લા પંચાયતની સંકલન બેઠકમાં પ્રમુખ સામે સભ્યોએ કાઢ્યો બળાપો, મંજૂર થયેલા કામો પણ થતા નથી!
સભ્યોની રજૂઆત હતી કે ક્યાંક સંકલન તૂટી રહ્યું છે અને વિકાસના કામોને અસર ન થાય તે માટે આજે સંકલનની બેઠક મળી હતી અને આ બેઠકમાં પ્રમુખની રૂબરૂમાં સભ્યોની ફરિયાદોનું સમાધાન કરવામાં આવ્યું હતું.
રાજકોટ (Rajkot) જિલ્લા પંચાયત (district panchayat) ના પ્રમુખ (president) ભુપત બોદર સામે અવિશ્વાસ ઉભો થયો છે. જિલ્લા પંચાયતના પ્રમુખ અન્ય સભ્યોને સાંભળતા ન હોવાની ફરિયાદ ભાજપ (BJP) કાર્યાલય સુધી પહોંચતા આજે જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખ ખાચરિયાની ઉપસ્થિતિમાં ભાજપ સંકલનની બેઠક મળી હતી જેમાં ભાજપના સિનીયર આગેવાન પી.જી ક્યાડાએ તેમના વિસ્તારમાં કામો ન થતા હોવાનો બળાપો કાઢ્યો હતો.
જિલ્લા પંચાયતની બાંધકામ સમિતીના ચેરમેન પી.જી ક્યાડાની સાથે અન્ય સભ્યોએ પણ ભુપત બોદરની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા અને સંકલનમાં થોડા સમય માટે ધબધબાટી બોલી હતી,.જો કે આ અંગે ભાજપના પ્રમુખે સબ સલામતનો દાવો કર્યો હતો અને ગેરસમજો દૂર થઇ હોવાનું કહીને સભ્યોના કામ પૂર્ણ થશે તેવું કહેવામાં આવ્યું છે.
પ્રમુખ નવા છે,ખબર પડતી નથી માટે ગેરસમજ થાય છે: પી.જી.ક્યાડા
આ અંગે જિલ્લા પંચાયતની બાંધકામ સમિતીના ચેરમેન પી.જી ક્યાડાએ કહ્યું હતું કે મારી પાસે કેટલાક ચૂંટાયેલા સભ્યો આવ્યા હતા અને તેના વિસ્તારમાં ગ્રાન્ટ મળતી ન હોવાની, ભથ્થાઓ ન મળતા હોવાની ફરિયાદ કરી હતી જેના આધારે અમે ભાજપના પ્રમુખને મળીને રજૂઆત કરી હોવાનો દાવો કર્યો હતો.ક્યાડાએ કહ્યું હતું કે ગ્રાન્ટ મળવામાં સમસ્યા સર્જાય રહી છે.પ્રમુખની મર્યાદા હોય કે પછી તેઓ સમજી ન શકતા હોવાને કારણે સભ્યોમાં એક રોષ છે જેને લઇને આ રજૂઆત કરવામાં આવી છે અને અમને આ વિશ્વાસ છે કે આ રજૂઆત સફળ થશે.
ગેરસમજો દુર કરાઇ છે-જિલ્લા ભાજપ પ્રમુખ
આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખે કહ્યું હતું કે સભ્યોની રજૂઆત હતી કે ક્યાંક સંકલન તૂટી રહ્યું છે અને વિકાસના કામોને અસર ન થાય તે માટે આજે સંકલનની બેઠક મળી હતી અને આ બેઠકમાં પ્રમુખની રૂબરૂમાં સભ્યોની ફરિયાદોનું સમાધાન કરવામાં આવ્યું હતું.આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખે કહ્યું હતું કે સભ્યોને કોઇક ગેરસમજ હતી જે દુર કરવામાં આવી છે.હવે કોઇ જુથવાદ નથી તે સ્પષ્ટ વાત છે.
1 વર્ષ શાસનના પૂર્ણ થાય છે,વ્યક્તિગત અસંતોષ હોઇ શકે-ભૂપત બોદર
આ અંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદરે કહ્યું હતું કે આજે સંકલનની બેઠક મળી હતી જેમાં એક વર્ષના કામોનો હિસાબ કરવામાં આવ્યો છે.આ સંકલનમાં કોઇ જુથવાદ નથી અને કોઇ અસંતોષ નથી.ગ્રામ્ય વિસ્તારોમાં જે કામો બાકી છે તે અંગે ચર્ચા કરવામાં આવી છે.ભૂપત બોદરે વધુમાં કહ્યું હતું કે મારી સામે કોઇ અસંતોષ નથી.ગ્રાન્ટ ન મળવાની વાત હોય તો તમામ સભ્યોને સમસ્યા હોય પરંતુ માત્ર બે સભ્યોને અસંતોષ છે જે વ્યક્તિગત હોય શકે છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ઉનાળાની શરુઆત, અમદાવાદ સહિત ગરમીનો પારો 17 શહેરમાં તાપમાન 38 ડિગ્રીને પાર