Rajkot: ગાંજો પીવાની ના પાડનારા યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરનારા ચાર શખ્સ ઝડપાયા
Rajkot: ગાંજો પીવાની ના પાડતા યુવકની હત્યા કરનારા ચાર શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. નશાની આડમાં છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવનાર 4 શખ્સની ધરપકડ કરી છે જ્યારે ફરાર એક શખ્સની શોધખોળ હાથ ધરી છે.
Rajkot: થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજકોટ ડેરી નજીક આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડના ક્વાટર નજીક 35 વર્ષીય વિજય બાબરીયા નામના યુવકની ધોળા દિવસે હત્યા થતાં શહેરભરમાં ચકચાર મચી જવા પામી હતી. પાનની કેબિન ચલાવતા યુવકને 5 જેટલા શખ્સોએ આવીને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો.
થોરાળા પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમે ઘટના સ્થળે પહોંચીને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. થોરાળા પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડયા છે. જ્યારે ફરાર એક શખ્સની શોધખોળ હાથ ધરી છે.
ગાંજો પીવાની ના પાડતા નશેડી શખ્સોએ કરી માથાકૂટ
સમગ્ર બનાવની વાત કરીએ તો 15મી તારીખે રાત્રે 10 વાગ્યા આસપાસ મૃતક વિજય બાબરીયાની પાનની કેબિન નજીક 4થી 5 જેટલા શખ્સો ગાંજો પી રહ્યા હતા અને ગાળો બોલી રહ્યા હતા. વિજયે આ ત્રણેય શખ્સોને ગાંજો પીવાની ના પાડતા આ શખ્સો ઉશ્કેરાયા હતા અને વિજયને અપશબ્દો કહીને ધમકી આપી હતી કે કાલે તને જોઈ લેશુ.
પેટના ભાગે છરીના ઘા ઝીંકી ઉતાર્યો મોતને ઘાટ
આ ધમકી મુજબ 16 તારીખે સવારે 11 વાગ્યા આસપાસ ત્રણથી ચાર જેટલા શખ્સો આવીને વિજય પર છરી વડે હુમલો કરી દીધો. વિજયને આ શખ્સોએ ગળા, છાતી અને પેટનાં ભાગે 7થી 8 છરીના ઘા ઝીંકી દેતા વિજય ત્યાં જ ઢળી પડ્યો હતો.બનાવની જાણ થતાં વિજયના ભાઈ અને પાડોશીઓ દોડી આવ્યા હતા અને વિજયને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
વિજયની હત્યા નીપજાવનાર આ 5 શખ્સોની પોલીસે અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ હાથ ધરી હતી.નશાની આડમાં હેવાન બનેલા શખ્સોને પોલીસે ઝડપી પાડયા છે.પોલીસે રાહિલ સાંઘ,અરમાન બલોચ, અયાન સોલંકી અને સકિલ પરમાર નામના 4 શખ્સોની ધરપકડ કરી લીધી છે અને ફરાર એક શખ્સની શોધખોળ હાથ ધરી છે.
સામાન્ય બોલાચાલીમાં મારામારી અને હત્યાના બનાવ વધ્યા
ઉલ્લેખનીય છે કે રાજકોટ અને આજુબાજુના વિસ્તારમાં 2 દિવસમાં હત્યાના ત્રણ બનાવ સામે આવ્યા છે.કુવાડવા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 2 દિવસમાં હત્યાના 2 ગુના નોંધાયા છે.જેમાં પ્રથમ ગુનામાં ધમલપર ગામ પાસે રૂપિયાની લેતીદેતીમાં યુવકની હત્યા નીપજાવવામાં આવી છે,જ્યારે અન્ય બનાવમાં કુવાડવા ગામે ગરબી ચોકમાં યુવતી મામલે વિવાદમાં યુવકને તેના જ મિત્રએ પાઇપના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો.ત્યારે રાજકોટ પોલીસે આ શખ્સો પર લગામ લગાવવા કડક કાર્યવાહી કરવી જરૂરી બન્યું છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો