RAJKOT : ખાડા પુરવા શહેર કોંગ્રેસ પ્રમુખે ઉપાડયો પાવડો, મેયરે કહ્યું,આ કોંગ્રેસનો પબ્લિસિટી સ્ટંટ છે
આ અંગે મેયર પ્રદિપ ડવે કહ્યું હતુ કે શહેરમાં રસ્તાઓનું રિપેરીંગ કામ ચાલું જ છે.ભારે વરસાદને કારણે શહેરના 913 મુખ્ય માર્ગોનો સર્વે કરવામાં આવ્યો છે.
રાજકોટમાં ભારે વરસાદ બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ખાડા પડી ગયા છે. શહેરમાં પડેલા ખાડાને કારણે વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. ત્યારે આ મુદ્દે કોંગ્રેસે અનોખો વિરોધ કર્યો હતો. શહેરના કેનાલ રોડ પર શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે તેના કાર્યકર્તાઓ સાથે મળીને રસ્તા પર પડેલા ખાડા બુરવાનો પ્રયાસ કર્યો હતો.
અશોક ડાંગરે હાથમાં પાવડો લઇને મુખ્ય રસ્તા પર રેતી નાખીને તેને સમથળ કરવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શનને મેયરે પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો હતો અને શહેરમાં પડેલા ખાડાઓનું સમારકામ લગભગ થઇ ગયું હોવાનો દાવો કર્યો હતો.દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાડાને લઇને બંન્ને રાજકીય પાર્ટીઓ વચ્ચે રાજકારણ શરૂ થઇ ગયું છે.
ખરાબ રસ્તાથી અકસ્માતનો ભય,લોકોને ઇજા પહોંચે છે-કોંગ્રેસ
આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે કહ્યું હતુ કે શહેરમાં વરસાદને કારણે અનેક જાહેર માર્ગો પર ખાડા પડી ગયા છે. અને મહાનગરપાલિકા કોઇ સમારકામ ન કરતા વાહનચાલકોને ભારે હાલાકી પડે છે. તેમણે કહ્યું હતુ કે ખાડાઓને કારણે રસ્તા પર અકસ્માતનો ભય રહે છે. અનેક લોકોને પડી જવાને કારણે ઇજા પણ પહોંચે છે.
અને, મણકાના દુ:ખાવા પણ થઇ જાય છે. મનપા પોતાનું કામ ન કરતા કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે આગળ આવી છે. અને આવા બિસ્માર રસ્તાઓને રિપેરીંગ કરવાનું કામ શરૂ કર્યું છે.
કોંગ્રેસનો પબ્લિસિટી સ્ટંટ છે,રસ્તા રિપેરીંગ ચાલુ જ છે-મેયર
આ અંગે મેયર પ્રદિપ ડવે કહ્યું હતુ કે શહેરમાં રસ્તાઓનું રિપેરીંગ કામ ચાલું જ છે.ભારે વરસાદને કારણે શહેરના 913 મુખ્ય માર્ગોનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાં 18 વોર્ડમાં 11,865 ચોરસ મીટર રસ્તાઓનું ધોવાણ થયું છે. જેમાંથી 10,089 ચોરસ મીટર રસ્તામાં મેટલીંગ,મોરમ અને પેવિંગ બ્લોક વડે પેચ વર્ક કરવામાં આવ્યું છે.અને રિપેરીંગ પૂર્ણ કરવામાં આવ્યું છે. 1718 ચોરસ મીટર રસ્તાઓનું કામ હજુ ચાલુ છે.
રાજકોટ શહેરમાં 2546 ચોરસમીટર રસ્તાઓ ગેરંટીવાળા છે. જેની એજન્સીને તાત્કાલિક અસરથી રિપેરીંગ કરવાની સૂચના આપવામાં આવી છે. શહેરમાં બિસ્માર રસ્તાઓને લઇને રિપેરીંગ કામ ચાલી રહ્યું છે. પરંતુ કોંગ્રેસ પબ્લિસિટી સ્ટંટ કરી રહી છે. નવરાત્રીથી દિવાળી સુધીમાં તમામ રસ્તાઓ ફરી રિપેરીંગ થઇ જશે તેવો મેયરે દાવો કર્યો છે.