રાજકોટ-અમદાવાદ સિક્સલેનનું ગોકળ ગતિએ ચાલતું કામ, RTIમાં બ્રિજની કામગીરીને લઇને થયા ચોંકાવનારા ખુલાસા
આરટીઆઇના ખુલાસાએ કોન્ટ્રાક્ટ કંપની સદ્દભાવના એન્જિનીયરીંગ કંપની અને વરા ઇન્ફ્રા લી.ની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે.હાલના તબક્કે ધીમી ગતિની કામગીરી જોતા હજુ સિક્સલેઇન હાઇ વે નું કામ પૂર્ણ થતા એક વર્ષ લાગી શકે છે
Rajkot : ગુજરાત સરકારના અતિ મહત્વના ગણાતા પ્રોજેક્ટ રાજકોટ અમદાવાદ સિક્સ લેઇન હાઇવેનું(Six Lane Highway) કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે. રૂપિયા 3400 કરોડથી વધુની કિંમતના આ પ્રોજેકટનું કામ વર્ષ 2020માં પૂર્ણ કરવાનું હોવાનો આરટીઆઇમાં ખુલાસો થયો છે એટલું નહિ કોન્ટ્રોક્ટર કંપનીને જે પ્રોજેક્ટના રૂપિયા અપાયા હતા તે પણ અન્ય પ્રોજેકટમાં રોકાણ કરી હોવાનું સામે આવ્યું છે.ધીમી ગતિએ ચાલી રહેલા કામને કારણે વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે.
પૂર્વ CM વિજય રૂપાણીએ જાન્યુઆરી 2018માં કામગીરી શરૂ કરાવી હતી
રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાન્યુઆરી 2018માં સિક્સલેઇન હાઇવેનું કામ સોંપ્યું હતું.3488 કરોડના ખર્ચે તૈયાર થનાર આ સિક્સલેઇન હાઇવે 24 મહિનાની અંદર એટલે કે વર્ષ 2020માં પૂર્ણ કરવાની શરતો હતી પરંતુ વર્ષ 2023 અડધો વિતી ગયો છે તેમ છતા આ હાઇવેનું કામ પૂર્ણ થયું નથી.ગોકળગાયની ગતિએ ચાલી રહેલા બ્રિજડના કામને કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે.
તાજેતરમાં રાજકોટ અમદાવાદ હાઇવે પર લીમડી નજીક ડાયવર્ઝનના ખાડામાં પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.એટલુ જ નહિ ડાયવર્ઝનમાં વાહનો ફસાવાને કારણે અનેક વાહનોમાં નુકસાન થઇ રહ્યું છે.લોકો બ્રિજના કામથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
બ્રિજ 2020 માં પૂર્ણ કરવાનો હતો-RTIમાં થયો ખુલાસો
આ મુદ્દે રાજકોટના એડવોકેટ શૈલેન્દ્રસિંહ જાડેજાએ આરટીઆઇ કરી હતી જેમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે.
- આ પ્રોજેક્ટ 19 જાન્યુઆરી 2018માં શરૂ કરાયો હતો.
- રાજકોટથી અમદાવાદ 201 કિલોમીટરનો સિક્સલેઇન હાઇ વે નિર્માણ થશે.
- પ્રોજેક્ટ 24 મહિના બાદ 18 જાન્યુઆરી 2020માં પૂર્ણ કરવાનો હતો
- આરટીઆઇમાં કોન્ટ્રાક્ટર કંપનીને વધારાનો કોઇ સમય અપાયો નથી
- બ્રિજની કુલ પ્રોજેક્ટ કિંમત 3488 કરોડ છે જેમાંથી જે એડવાન્સ રકમ અપાઇ હતી તે કોન્ટ્રાક્ટર દ્રારા અન્ય પ્રોજેક્ટમાં રોકવામાં આવી હતી.
આરટીઆઇના ખુલાસાએ કોન્ટ્રાક્ટ કંપની સદ્દભાવના એન્જિનીયરીંગ કંપની અને વરા ઇન્ફ્રા લી.ની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે.હાલના તબક્કે ધીમી ગતિની કામગીરી જોતા હજુ સિક્સલેઇન હાઇ વે નું કામ પૂર્ણ થતા એક વર્ષ લાગી શકે છે જેના કારણે જે રાજકોટથી અમદાવાદ પહોંચતા સાડા ત્રણથી ચાર કલાક લાગતી હતી તે ડાયવર્ઝનને કારણે હાલમાં પાંચ થી છ કલાક લાગી રહી છે.
રાજકોટના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં પણ કરી હતી રજૂઆત
રાજકોટ અમદાવાદ હાઇવે પર દરરોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે.આ બ્રિજની ધીમી ગતિમાં ચાલતા કામને લઇને રાજકોટના ધારાસભ્યોએ પણ વિધાનસભા ગૃહમાં મુદ્દો ઉઠાવ્યો હતો.એટલું જ નહિ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ આ બ્રિજની કામગીરીની સમીક્ષા કરી હતી.
જો કે હજુ પણ આ કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે.હાઇ વે પર કુલ 30 જેટલા બ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યા છે અને તેના ડાયવર્ઝન હોવાને કારણે રસ્તો બિસ્માર થઇ ગયો છે ત્યારે આ બ્રિજનું કામ ક્યારે પુરૂ થાય છે તે જોવાનું રહેશે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો