રાજકોટ: પિતા-પુ્ત્રની જોડીએ બનાવી વિન્ટેજ કારને પણ ટક્કર મારે તેવી કાર, તેને જોઈ સહુ કોઈની આંખો થઈ જાય છે ચાર
Rajkot: કારના શોખીન એવા પિતા-પુત્રએ રાજાશાહી વખતની વિન્ટેજ કારને પણ ટક્કર મારે તેવી ઈલેક્ટ્રીક કાર બનાવી છે, આ કારના ફિચર જોઈ સહુ તેના પ્રત્યે આકર્ષિત થાય છે. રસ્તા પરથી જ્યારે આ કાર પસાર થાય છે, ત્યારે તેને જોઈને લોકોની આંખો ચાર થઈ જાય છે.
આજકાલ રાજકોટના રસ્તાઓ પર એક એવી કાર નીકળી રહી છે જેને જોઇને લોકોની આંખો ચાર થઇ જાય છે. રાજાશાહી વખતની વિન્ટેજ કારને પણ ટક્કર મારે તેવી ઇલેકટ્રીક કાર રાજકોટના એક પિતા પુત્રની જોડીએ બનાવી છે. આ કારની વિશેષતા અને તેના ફિચર જોઇને સૌ કોઇ આકર્ષિત થઇ જાય છે. રાજકોટમાં જ રહેતા ભાવિક ચૌહાણ અને તેના પિતાએ સાથે મળીને આ કાર બનાવી છે.
કાર બનાવતા ૩ મહિના જેટલો સમય લાગ્યો
આ કાર તૈયાર કરનાર ભાવિક ચૌહાણે TV9 સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે આ કાર તૈયાર કરવામાં 3 મહિનાનો સમય લાગ્યો છે. ત્રણ મહિના સુધી એકપણ દિવસની રજા લીધા વિના અમે આ કાર તૈયાર કરી છે. મારા પિતાનું કાર બનાવવાનું સ્વપ્ન હતું જેથી કારની ડિઝાઇનથી લઇને એન્જિન અને પૈડા સુધી તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
પ્રેસ્ટીઝ ગોલ્ફ રખાયું છે કારનું નામ
રાજકોટના પિતા પુત્રની જોડીએ તૈયાર કરેલી આ કારમાં માર્કેટમાં આસાનીથી મળી શકે તેવા મારૂતિ સુઝૂકી અને રોયલ ઇન્ફિલ્ડ જેવી કંપનીના પાર્ટસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને પ્રેસ્ટીઝ ગોલ્ફ નામ આપવામાં આવ્યું છે. ભાવિક ચૌહાણ અને તેના પિતાએ તૈયાર કરેલી કાર અંગે તેઓ જણાવે છે કે બજારમાં મોંઘીદાટ કાર પણ સામાન્ય થઇ ગઇ છે, ત્યારે જો વિન્ટેજ કાર હોય તો લોકોના આકર્ષણનું કેન્દ્ર બને માટે તેની ડિઝાઇન વિન્ટેજ કાર જેવી બનાવી છે.
5 યુનિટમાં 80 કિ.મી ચાલે છે અને RTO પાસિંગની જરૂર નથી
આ પેટ્રોલ ડીઝલથી નહિ પરંતુ ઇલેકટ્રીકથી ચાર્જિંગથી ચાલતી કાર છે. જેમા ચાર્જીંગ કરવાથી 5 યુનિટમાં 80 કિલોમીટર જેટલું અંતર કાપે છે. આ કારની સ્પીડ લીમીટ 45 છે. જેથી આરટીઓના નિયમ પ્રમાણે પાર્સિંગની કોઇ જરૂરિયાત નથી. લગ્નસરાની સિઝન દરમિયાન લોકો પોતાના પ્રસંગોમાં પણ લઈ જાય છે.
3 લાખ રૂપિયાના ખર્ચે આ કાર તૈયાર થઇ
ભાવિક ચૌહાણ જણાવે છે કે મારા પિતાનું 20 વર્ષથી કાર બનાવવાનું એક સ્વપ્ન હતું, પરંતુ નાણાકીય ભીડના કારણે આ શક્ય ન હતું. અનોખી આ ઈ-કાર તૈયાર કરવા પાછળ 3 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. તેને હાઇવે પર પણ ચલાવી શકાય છે.