Rajkot: 28 વર્ષિય CA નૈતિક જાજલ બ્રેઈન ડેડ થતા પરિવારે તમામ અંગોનું કર્યું દાન, અંગદાન થકી અનેક લોકોને મળ્યું નવજીવન
Rajkot: 28 વર્ષિય CA નૈતિક જાજલને અકસ્માત નડતા તેમને બ્રેઈનડેડ જાહેર કરાયા હતા. વ્હાલસોયાને ગુમાવનાર જાજલ પરિવારે આ ઉંડા આઘાત વચ્ચે પણ અન્યોને મદદરૂપ થવાનુ ઉમદા ઉદાહરણ પુરુ પાડ્યુ અને બ્રેઈનડેડ નૈતિકના તમામ અંગોનુ દાન કરવાનો નિર્ણય કર્યો હતો.
રાજકોટના 28 વર્ષીય CA યુવક નૈતિક જાજલ અકસ્માતમાં બ્રેઈનડેડ થતાં પરિવારે યુવકના અંગોનું દાન કરવાનું નક્કી કર્યું. યુવકના બંને ફેફસાં, હૃદય, બંને કિડની અને બંને આંખોનું દાન કરવામાં આવ્યુ. જેના થકી અનેક લોકોને નવજીવન મળ્યું. સાથે જ રાજકોટ શહેરનું આ 105મુ અંગદાન હતું અને તમામ અંગોનું દાન કરાયુ હોય તેવી આ માત્ર બીજી ઘટના હતી.
અકસ્માત થતાં નૈતિક જાજલનું થયું હતું બ્રેઈન ડેડ
29 માર્ચે રાત્રે નૈતિક અને તેના મિત્ર અને તેના પરિવારજનો ફરવા માટે ટુ વ્હીલર પર નીકળ્યા હતા. જામનગર રોડ પર ગ્રાન્ડ મુરલીધર હોટેલ નજીક કોઈ અજાણ્યા કાર ચાલકે ઠોકર મારતાં ફંગોળાયા હતા અને નૈતિકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યાંથી તેમને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. હાલત વધુ ગંભીર હોવાથી કુવાડવા રોડ પર આવેલી ગોકુળ હોસ્પિટલમાંમાં ખસેડવામાં આવ્યા હતા.
તબીબોએ ઘણી મહેનત કરી છતા સફળતા મળી ન હતી અને નૈતિક જાજલ બ્રેઈનડેડ થયા હતા. જો કે તેમના અન્ય અંગે સ્વસ્થ હોવાથી પરિવાર દ્વારા તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય કરાયો હતો. વ્હાલસોયાને ગુમાવવાના આઘાતમાં પણ પરિવારે અન્યને મદદરૂપ થવાની ખેલદિલિ બતાવી એક ઉમદા ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ.
ગ્રીન કોરિડોર દ્વારા લઈ જવામાં આવ્યા અંગો
કુવાડવા રોડ પર આવેલી ગોકુલ હોસ્પિટલથી ગ્રીન કોરિડોર બનાવી એરપોર્ટ સુધી નૈતિકના અંગો લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી ચેન્નઈ અને અમદાવાદ અલગ અલગ ચાર્ટર પ્લેન મારફતે અંગો લઈ જવામાં આવ્યા હતા. આ અંગે TV9 સાથે વાત કરતા ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ડૉ. દિવ્યેશ વિરોજાએ જણાવ્યું હતું કે માત્ર 4 મિનિટમાં કુવાડવા રોડ પરથી એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર બનાવી આ અંગો મોકલવામાં આવ્યા હતા. જેમાં ટ્રાફિક વિભાગનો પણ ખૂબ જ સહયોગ રહ્યો હતો અને ઍરપોર્ટ પહોંચ્યા બાદ એરપોર્ટ ઓથોરિટીનો પણ ખૂબ સારો સહયોગ રહ્યો હતો. આ પુણ્યના કાર્યમાં જોડાયેલા તમામ લોકોનો ડૉ. વિરોજાએ આભાર માન્યો હતો.
ફેફસાં ચેન્નઈ, કિડની, લીવર અને હૃદય અમદાવાદ મોકલવામાં આવ્યા
ગ્રીન કોરિડોર દ્વારા એરપોર્ટ સુધી અંગો પહોચાડ્યા બાદ ચાર્ટર પ્લેન મારફતે અમદાવાદ અને ચેન્નઈ આ અંગો પહોંચાડવામાં આવ્યા હતા. હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું. ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ ચેન્નાઇની એમ.જી.એમ. હોસ્પિટલ અને લીવર તથા કીડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની કિડની હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.
આ અંગોના દાન દ્વારા અનેક લોકોને નવજીવન મળ્યું છે. મૃતકના માતા માયાબેને બહુ માર્મિક વાત કરી હતી કે શરીરને બાળીને રાખ કરીને વહાવી દેવા કરતા તેના લીધે 5 થી 7 લોકોને નવજીવન મળી શકે છે. જેથી અમે આ અંગદાનની રજા આપી હતી. આ ઉપરાંત અન્ય લોકોને પણ અંગદાન કરવાની અપીલ કરી હતી.
અંગદાન સમયે સર્જાયા ભાવુક દૃશ્યો, અહીં જુઓ Video
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…