Rajkot : કાકાના મિત્રએ જ સગીરા પર નજર બગાડી આચર્યુ દુષ્કર્મ, પકડાઈ જવાના ડરથી 13 વર્ષની કિશોરીની કરી નાખી હત્યા
Rajkot: રાજકોટમાં ચર્ચાસ્પદ બનેલા સગીરાની હત્યાનો પોલીસે આખરે ભેદ ઉકેલ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ એક યુવકે 13 વર્ષની કિશોરીને ફોસલાવી તેના પર પહેલા દુષ્કર્મ આચર્યુ અને ત્યારબાદ પકડાઈ જવાના ડરથી હત્યા કરી નાખી હતી.
રાજકોટના ચર્ચાસ્પદ કિશોરીની હત્યાનો ભેદ ઉકેલાયો છે. 27 જૂને દીકરી ગુમ થઈ હતી અને 29 જૂને તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં ત્રણ દિવસની સઘન તપાસ બાદ પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સે સગીરાને ફોસલાવી તેના પર પહેલા દુષ્કર્મ આચર્યુ અને ત્યારબાદ પકડાઈ જવાના ડરથી તેને મોતને ઘાટ ઉતારી હતી. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે સગીરાની હત્યા કરનાર આ શાતિર શખ્સ તેના પરિવારજનો સાથે તેની શોધખોળ કરવા પણ નીકળ્યો હતો. જયદીપ ઉર્ફે જયુ પરમાર નામના આ નરાધમને પોલીસે બાતમીને આધારે દબોચી લીધો છે.
હત્યા કરનાર નરાધમ પરિવારજનો સાથે સગીરાની શોધખોળમાં નીકળ્યો- પોલીસ
પોલીસના જણાવ્યા મુજબ 27 જૂને આજીડેમ પોલીસ સ્ટેશનમાં પરિવારે તેમની 13 વર્ષની દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ એ દિશામાં તપાસ કરી રહી હતી. આ દરમિયાન 29 જૂનના રોજ રાત્રિના સમયે અમૂલ ઈન્ડસ્ટ્રીઝના વિસ્તારમાંથી આ દીકરીનો મૃતદેહ મળી આવ્યો હતો. જે જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કિશોરી પર દુષ્કર્મ અને હત્યાના કેસને ઉકેલવા માટે પોલીસ કમિશનરે SITની રચના કરી હતી. જેમા પ્રાથમિક પૂછપરછ દરમિયાન સગીરા ગુમ થઈ ત્યારથી પોલીસ ફરિયાદ કરવા સુધી સગીરાના પરિવારજનો સાથે રહેલો જયદીપ ઉર્ફે જયુ કે જે સગીરાના કાકાનો મિત્ર હતો. તે ગાયબ હતો. જેના કારણે આ હત્યા પાછળ જયદીપ જવાબદાર હોવાનું પોલીસના ધ્યાને આવ્યુ અને તપાસ શરૂ થઈ હતી.
હત્યારાને પકડવા પોલીસે રીક્ષાચાલકનો વેશ પલટો કર્યો
પોલીસને સગીરાના કકાના મિત્ર પર શંકા ગઇ હતી. પોલીસ મોબાઇલ લોકેશન અને બાતમીદારોનું નેટવર્ક ઉભું કર્યુ અને રીક્ષાચાલક જયદિપને પકડવા માટે રીક્ષાચાલકનો વેશધારણ કરીને જયદિપને પકડી પાડ્યો હતો.પોલીસે જયદિપને પકડતા હત્યાનો આખા કેસનો પર્દાફાશ થયો અને પોતે હત્યાની કબુલાત આપતા પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી.
કઇ રીતે આપ્યો ગુનાને અંજામ
પોલીસના કહેવા પ્રમાણે હત્યારો જયદિપ ઉર્ફે જયુ રીક્ષાચાલક છે અને રખડતું ભટકતું જીવન ગુજારતો હતો. સગીરાના કાકા સાથે ઓળખાણ હોવાને કારણે તે સગીરાના ઘરે આવતો જતો હતો. સગીરાના પરિવારજનો સાથે પરિચય હોવાને કારણે જયદિપ એ વાતથી વાકેફ હતો કે સગીરા દરરોજ સાંજના સમયે અવાવરૂ જગ્યાએ લાકડાં કાપવા માટે જાય છે જેનો લાભ લઇને ગત 27 મી તારીખે સગીરાનો પીછો કર્યો હતો અને તેને ફોસલાવીને અમૂલ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં બંધ ફેક્ટરીમાં લઇ ગયો. જ્યાં તેને ફોસલાવીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું.જ્યારે સગીરાએ દુષ્કર્મ કર્યા બાદ તેનો પ્રતિકાર કર્યો અને તેની સાથે બનેલી ઘટના પરિવારજનોને કહી દેશે તેવી વાત કરતા આ શખ્સે તેની બોથડ પદાર્થના ઘા ઝીંકીને હત્યા નીપજાવી દીધી હતી. હત્યા કર્યા બાદ લાશને ત્યાં મૂકીને જ જતો રહ્યો અને બાદમાં પારિવારીક મિત્ર બનીને આ સગીરાની શોધખોળ પણ કરવા લાગ્યો હતો. જો કે તેને પોતાનો મોબાઇલ ફોન સ્વીચઓફ કરતા આ ગુનાનો પર્દાફાશ થઇ ગયો.
જલદી ચાર્જશીટ રજૂ કરશે પોલીસ
હાલ પોલીસે આ શખ્સની વધુ પુછપરછ શરૂ કરી છે. પારિવારીક મિત્રતાનો લાભ લઇને આ શખ્સે એક સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી અને મોતને ઘાટ ઉતારી દીધી. પોલીસના કહેવા પ્રમાણે આ શખ્સ અગાઉ ચોરી અને ખીસ્સાકાતરૂ સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. આરોપીને કડક સજા થાય તે માટે પોલીસ આરોપી વિરુદ્ધ પુરાવાઓ એકત્ર કરી રહી છે.આ કેસમાં જલદી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો