Rajkot News: સ્લેબ ધરાશાય કેસમાં શિવ ડેવલોપર્સને અપાઈ નોટિસ, વોંકળા પરના બિલ્ડીંગ મુદ્દે ભાજપ કોંગ્રેસ આમને સામને, જુઓ Video
રાજકોટમાં સર્વેશ્વર ચોકમાં આવેલ શિવમ કોમ્પલેક્ષના સ્લેબ થરાશયી થતા એક મોટી દુર્ધટના ટળી છે. આ ઘટનામાં 13 લોકો ઇજાગ્રસ્ત થયા અને રાજકોટ મહાનગરપાલિકા દ્રારા બિલ્ડરનો નોટિસ આપીને કાર્યવાહી કરવાની શરૂઆત કરી. જો કે ઘટના પાછળ જવાબદાર કોણ તે એક મોટો સવાલ છે. લોકોના જીવ જોખમાય તે રીતે વોંકળા પર ઉભા કરાયેલા મોતના માંચડાઓ અંગે રાજકારણ પણ શરૂ થઇ ગયું છે.

રાજકોટ શહેરમાં રવિવારની રાત દુર્ધટનાની રાત બની. રવિવારની રજા ગાળવા માટે લોકો પરિવાર સાથે સર્વેશ્વર ચોકમાં આવ્યા હતા. આ સ્થળ પર આયોજિત ગણેશ મહોત્સવના દર્શન અને અહીં ચોકમાં આવેલી નાસ્તાની દુકાનમાં નાસ્તાની લિજ્જત માણી રહ્યા હતા અને અચાનક જ સ્લેબ તૂટી પડ્યો. આભ ફાટ્યુ હોય તે રીતે સ્લેબ તૂટતા 23થી વધારે લોકો આ ખાડામાં ગરકાઉ થઇ ગયા હતા. ઘટનામાં 10થી વધારે લોકો ઇજાગ્રસ્ત છે જેમાંથી બે લોકોની હાલત ખુબ જ ગંભીર છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે 30 વર્ષ પહેલા અહીં વોંકળો હતો. નદીની જેમ પાણી અહીંથી વહી રહ્યું હતું જો કે સમયાંતરે અહીં બિલ્ડીંગો ખડકી દેવામાં આવી. ન માત્ર અહીં પરંતુ રાજકોટના 14 જેટલા વોંકળામાં આ રીતે બિલ્ડીંગો ઉભી કરી દેવામાં આવી જેમાં અસ્ટ્રોન ચોક ગરનાળા વિસ્તાર, સદર બજાર નજીકનો વિસ્તાર, યાગ્નિક રોડ વિસ્તાર, આજી નદીની આસપાસનો વિસ્તારનો સમાવેશ થાય છે.
બનાવની ગંભીરતાને જોતા રાજકોટ મહાનગરપાલિકાના સીટી ઇજનેર સહિતના અધિકારીઓ દ્રારા સવારથી જ સ્થળ તપાસ હાથ ધરી હતી.રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે કહ્યું હતું કે આ મુદ્દે શિવ ડેવલોપર્સને નોટિસ આપીને સ્ટ્રકચર સ્ટ્રેબિલીટી રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો છે,સાથે સાથે તંત્ર દ્રારા શહેરના 14 જેટલા વોંકળા પર ઉભા કરવામાં આવેલા બિલ્ડીંગોની ચકાસણી હાથ ધરી છે.
વોંકળા પરના બિલ્ડીંગ મુદ્દે રાજકારણ તેજ
હવે આ બિલ્ડીંગની જમીન રાજાશાહી વખતથી અસ્તિત્વમાં હતી. ઉતરોતર વેચાણ થયા બાદ અંતે વર્ષ 1990માં આ જમીન શિવ બિલ્ડર્સ દ્રારા ખરીદ કરવામાં આવી. વર્ષ 1990માં બિલ્ડીંગનો પ્લાન મુકવામાં આવ્યો, વર્ષ 1991માં આ બિલ્ડીંગનો રિવાઇઝ પ્લાન મૂકવામાં આવ્યો અને વર્ષ 1992માં બિલ્ડીંગમાં બાંધકામની પરવાનગી આપવામાં આવી.
રાજકોટની આ પ્રથમ બિલ્ડીંગ છે જેને રાજકોટ મહાનગરપાલિકા દ્રારા જનરલ બોર્ડમાં ઠરાવ કરીને વોંકળા પર બાંધકામની મંજૂરી આપી હતી અને તેમાં શરત રાખવામાં આવી હતી કે પાણીનો નિકાલ થઇ શકે તે રીતે બિલ્ડીંગ તૈયાર કરવા.
કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતનો દાવો છે કે જ્યારે આ બિલ્ડીંગ માટે વોંકળા પર બાંધકામની મંજૂરી આપવામાં આવી ત્યારે જે તે સમયનાં વિપક્ષ કોંગ્રેસના નેતા સુધીર જોષી દ્રારા વિરોધ કરવામાં આવ્યો હતો જો કે ભાજપે બિલ્ડરોને લાભ કરવા આ જગ્યાની લ્હાણી કરી આપી.
બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને દાવો કર્યો હતો કે રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે રાજ્યની મહાનગરપાલિકામાં વોંકળા પર બાંધકામની મંજૂરી આપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો જેથી આ કોંગ્રેસનું પાપ છે. જો કે સવાલ એ વાતનો છે કે આ સ્લેબ આ રીતે અચાનક પડ્યો કઇ રીતે. કોની બેદરકારીથી આ બ્રિજ ધરાશયી થયો,
અમે આપની સમક્ષ કેટલાક મુદ્દાઓ મૂકી રહ્યા છીએ.
શક્યતા નંબર 1
લાંબા સમયમાં આ વોંકળાની સાફસફાઇ થઇ ન હતી જેના કારણે અંદરનો સ્લેબ જર્જરિત બન્યો હતો જેથી આ ઘટના બની,ખાનગી માલિકીની જગ્યા હોવાથી મહાનગરપાલિકા પણ આવા વોંકળા સાફ કરતા નથી પરિણામે બિલ્ડીંગને નુકસાન પહોંચે છે.
શક્યતા નંબર 2
આ કોમ્પલેક્ષમાં જ એક દુકાનમાં લાદી કાઢવાનું કામ ચાલી રહ્યું હતું અને હેવી મશીનરીનો ઉપયોગ કર્યો જેથી બિલ્ડીંગના સ્ટ્રકચરને અસર પહોંચી હતી.
શક્યતા નંબર 3
વોંકળો બંધ હોવાને કારણે ગેસ ગળતર થયું અને તેના કારણે આ બિલ્ડીંગની ક્ષમતા ઘટી ગઇ જેથી અચાનક આ સ્લેબ તૂટી પડ્યો.
આ પણ વાંચો : વોકળાનો સ્લેબ તૂટવાની ઘટનામાં મોટો ખુલાસો, ભારે મશીનરી મુકવાને પગલે સ્લેબ તૂટ્યો હોવાનું અનુમાન, જુઓ Video
શક્યતાઓ અનેક છે જો કે સાચું કારણ શું છે તે આવનારા દિવસોમાં રાજકોટ મહાનગરપાલિકાની તપાસમાં બહાર આવશે. અત્યારે તો તંત્રના પાપે નિર્દોષ લોકો હોસ્પિટલના બિછાને છે. રાજકીય પક્ષો આ મુદ્દે રાજકારણ કરી રહ્યા છે પરંતુ આખરે તો જનતાએ ભોગવવાનો વારો આવ્યો છે. ભુલ કોઇપણ વ્યક્તિની હોય પરંતુ સજા નિર્દોષ લોકો ભોગવી રહ્યા છે. જોવાનું રહેશે તંત્ર આ ઘટનામાંથી ક્યારે બોધ લે છે અને ક્યારે આવી મોતની ઇમારતો સામે જરૂરી કાર્યવાહી કરે છે.