સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી અનેક જળાશયો ઓવરફલો, જાણો કયાં ડેમના કેટલા દરવાજા ખોલાયા ?
સૌરાષ્ટ્રના પાલીતાણાનો શેત્રુંજી અને ખારા ડેમ, રાજકોટનો ભાદર-1 અને ભાદર-2 ડેમ, અમરેલીનો ધાતરવડી-2, સુરવો ડેમ, સાકરોળી ડેમ, જામનગરનો ઉંડ-1 ડેમ, જુનાગઢનો ઓઝત-2 ડેમ, ગોંડલનો મોતીસર ડેમ, ઉપલેટાનો વેણુ-મોજ અને જામકંડોરણનો ફોફળ ડેમ હાલ ઓવરફલો થયા છે.
સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાવનગરના પાલીતાણાનો શેત્રુંજી ડેમ છલકાઈ ગયો છે. ડેમ એક અઠવાડિયામાં 6 વખત ઓવરફ્લો થયો છે. પાણીની આવક સતત વધી રહી હોવાના કારણે આજે ડેમના 59 દરવાજા દોઢ ફૂટ ખોલવામાં આવ્યા છે.ડેમમાં હાલ 8 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
પાલીતાણા તાલુકાના ખારા ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે. નીચાણવાળા મોટીપાણીયાળી, ભુતીયા, લાખાવાડ સહિતના ગામડાને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ત્યારે પાલીતાણા તાલુકાના બે ડેમ ઓવરફલો થયા છે.
સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર 1 ડેમના તમામ દરવાજા ખોલાયા છે. ભાદર 1 ડેમના 29 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં 57400 ક્યુસેક આવક સામે 57400 ક્યુસેક પાણીની જાવક છે. ભાદર ડેમની નીચે આવતા 22 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેતપુરમાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની આવક થઇ છે.
ધોરાજીનો ભાદર-2 ડેમ સતત ત્રીજી વખત ઓવરફ્લો થયો છે. ડેમના 10 દરવાજા 8 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં 23 હજાર ક્યુસેક પાણીની આવક સામે એટલી જ જાવક છે. ડેમમાંથી પાણી છોડાતા ભાદર નદી ગાંડીતૂર બની છે. ધોરાજીથી લઈ પોરબંદરના ભાદર કાંઠાના ગામોને સાવચેત કરાયા છે.
ધોરાજી-ઉપલેટા-જામકંડોરણાના તમામ ડેમ ઓવરફલો થતા તંત્ર એલર્ટ મોડ પર છે. ધોરાજીનો ભાદર-2, ઉપલેટાનો વેણુ-મોજ અને જામકંડોરણાનો ફોફળ ડેમ ઓવરફલો થયા છે. ધોરાજીના ચાર ગામ અને ઉપલેટાના 19 ગામોને હાઈ એલર્ટ કરાયા છે.
ગોંડલના પાટિયાળી પાસે આવેલા મોતીસર ડેમના 2 દરવાજા ખોલાયા છે. મોતીસર ડેમના 2 દરવાજા 10 ડીગ્રી ખોલવામાં આવ્યા છે. મોતીસર નીચે આવેલા પાટિયાળી, હડમતાળા અને કોલીથડ ગામને એલર્ટ કરાયા છે.
ખાંભાના રાયડી ડેમના 4 દરવાજા એક-એક ફૂટ ખોલવામાં આવ્યા છે. ખાંભા તેમજ મોટાબારમણ, ભૂંડણી , ત્રાકુડા, ડેડાણ સહિત ગામોમાં મોડીરાતથી અવિરત વરસાદ છે. રાયડી ડેમના 4 દરવાજા ખોલતા ડેમ નીચેના 7 થી 8 ગામોને એલર્ટ કરાયા છે.
અમરેલીના વડિયાના સુરવો ડેમના 3 દરવાજા ખોલાયા છે. ડેમના 3 દરવાજા 3-3 ફૂટ ખોલીને પાણી છોડાઈ રહ્યું છે. સુરવો ડેમમાં 5 હજાર 700 ક્યુસેક પાણીની આવક થઇ છે. વડિયા સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે.
અમરેલીના વડિયા નજીક આવેલ સાકરોળી ડેમ પણ ઓવરફ્લો થયો છે. ચારણ સમઢીયાળા, રેસમ ડીગાલોળ, થાણાગાલોલ, હનુમાન ખીજડિયા ગામોનો પાણીનો પ્રશ્ન હલ થયો.
અમરેલી: રાજુલા પંથકના ધાતરવડી-2 ડેમના એક સાથે 12 દરવાજા ખોલાયા છે. તંત્ર દ્વારા નિચાણવાળા 10 ગામોને એલર્ટ કરાયા છે. ખાખબાઈ, હિંડોરણા, રામપરા, લોઠપુર, વડ સહિત નિચાણવાળા ગામો એલર્ટ પર છે.
જુનાગઢના બાદલપરા ઓઝત-2 ડેમમાંથી 3 દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે. માણાવદર-વંથલી તાલુકાના ગામોને એલર્ટ કરાયા છે. ઓઝત નદી અને ભાદર નદીનું સમગ્ર પાણી ઘેડના ગામોમાં આવે છે. માણાવદર, કેશોદ, વંથલી તાલુકાના 50 જેટલા ગામોમાં પુર જેવી સ્થિતિ સર્જાઇ
જામનગરના ધ્રોલ તાલુકાના ખોખરી ગામ પાસેનો ઉન્ડ-1 ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના 5 દરવાજા 3 ફૂટ ખોલીને પાણી છોડાઈ રહ્યું છે.