વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમા લાઈટ હાઉસ પ્રોજેક્ટની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. રાજકોટમાં 1144 જેટલા ફ્લેટની ઈમારતના પોપડા ખરવા લાગ્યા હોવાની રાવ ઉઠી છે. નિર્માણના 2 જ વર્ષમાં ઈમારતને નુકસાન થતા નબળી ગુણવત્તાની કામગીરી થઈ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. નિર્માણ થયાના બે જ વર્ષમાં 1100 થી વધુ ફ્લેટની ઈમારતના પોપડા ખરવા લાગ્યા છે, દિવાલોમાંથી ભેજ આવવાની ફરિયાદો ઉઠી છે અને ધાબા પરથી પાણી ટપક્તુ હોવાની પણ ફરિયાદો સામે આવી છે. જેને પગલે હવે માલાણી કન્સ્ટ્રક્શન સામે ઉઠ્યા છે.
હાલ સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બાથરૂમની ગટરો ઉભરાય છે, કોઈક ફ્લેટમાંથી બારીમાંથી ભેજ આવે છે, કોઈકને બાથરૂમની દિવાલમાં પાણીમાં ભરાવો થાય છે તો કોઈક ફ્લેટની આખી ગેલેરી હલે છે ત્યારે માલાણી કન્સ્ટ્રક્શન કંપનીએ આ તે કેવી પ્રકારનું બાંધકામ કર્યુ તેવો સવાલ હાલ સ્થાનિકો કરી રહ્યા છે. રાજકોટમાં 118 કરોડના ખર્ચે 1144 ફ્લેટ લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરાયા છે. તો આવુ નબળુ બાંધકામ કરી કોન્ટ્રાક્ટરે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે.
એક તરફ સરકાર ગરીબ અને મધ્યમ વર્ગને ઘરનું ઘર મળે તે માટેના પ્રયાસ કરી રહી છે બીજી તરફ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોના પાપે આ ફ્લેટ ધારકો હાલાકી વેઠવા લાચાર બન્યા છે. હવે સ્થિતિ એ છે કે અનેક રજૂઆતો કરવા છતા નિંભર બની ગયેલા કોન્ટ્રાક્ટરો સ્થાનિકોના ફોન પણ ઉપાડતા નથી. પાંચ વર્ષ સુધી ફ્લેટના મેઈન્ટેનન્સની જવાબદારી માલાણી કન્સ્ટ્રક્શનની છે પરંતુ અવારનવાર રજૂઆત કરવા છતા સમસ્યાનુ કોઈ નિરાકરણ આવ્યુ નથી. જર્મન ટેકનોલોજીથી બાંધકામ કરવામાં આવ્યુ હોવાના દાવા તો કરાયા છે પરંતુ બે જ વર્ષમાં મોટાભાગના ફ્લેટના કાંગરા ખરવા લાગ્યા છે, જે સાબિતી આપે છે કે બાંધકામમાં નર્યો ભ્રષ્ટાચાર થયો અને તદ્દન નબળી ગુણવત્તાનું મટિરિયલ વપરાયુ છે. જ્યા ગટરો ઉભરાતી હોય, વગર વરસાતે છતમાંથી પાણી પડતુ હોય, દિવાલોમાં પાણી મરતુ હોય ત્યા રહેવું કેવી રીતે તેવો સવાલ દરેક સ્થાનિકને હાલ તો સતાવી રહ્યો છે.
આ તરફ જ્યારે આ અંગે ધારાસભ્ય ડૉ દર્શિતા શાહને સવાલ કરાયો તો તેમણે જણાવ્યુ કે લાઇટ હાઉસની કામગીરી બાબતે મને કોઈ રજૂઆત આવી નથી. આ આખોય પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર હસ્તકનો છે અને કેન્દ્ર સરકારના માધ્યમથી જ મેઈન્ટેનન્સની કામગીરી થતી હોય છે. છતા કોઈ રજૂઆત આવશે તો હું અધિકારીઓનું ધ્યાન દોરીશ.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો