Junagadh : CM ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓને લોકસભાની ચૂંટણીમાં 26માંથી 26 બેઠક જીતવાનો આપ્યો લક્ષ્યાંક
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel), કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ દિપ પ્રાગટ્ય કરીને આ પ્રશિક્ષણ વર્ગનો શુભારંભ કરાવ્યો હતો.
જુનાગઢના મેંદરડામાં ખાનગી રિસોર્ટમાં ભાજપનો ત્રણ દિવસીય પ્રશિક્ષણ વર્ગની શરૂઆત થઇ હતી. આજે પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ દિપ પ્રાગટ્ય કરીને આ પ્રશિક્ષણ વર્ગનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રશિક્ષણ વર્ગમાં ભાજપના 8 મહાનગરો અને જિલ્લા પ્રમુખો મળીને કુલ 181 જેટલા અપેક્ષિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યકરોને અપાયો 26માંથી 26 બેઠક જીતવા માટેનો લક્ષ્યાંક
ત્રણ દિવસ ચાલનાર આ પ્રશિક્ષણ વર્ગમાં અંતિમ દિવસે સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ ઉપસ્થિત રહીને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે. લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આ માર્ગદર્શન આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓને 26માંથી 26 બેઠક જીતવા માટેનો લક્ષ્યાંક આપ્યો હતો.
પ્રાયોરિટી, પોલીસી અને પરફોમન્સના આધારે ગુજરાતનો સર્વાંગી વિકાસ-ધનસુખ ભંડેરી
ધનસુખ ભંડેરીએ કહ્યું હતું કે, પ્રશિક્ષણ વર્ગમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું હતું, જેમાં તેઓએ છેલ્લા બે દાયકામાં ગુજરાતના સર્વાંગી વિકાસની યાત્રા વર્ણવી હતી. ગુજરાત એગ્રીકલ્ચર ક્ષેત્રે, ઔધોગિક ક્ષેત્રે, રોજગારીના ક્ષેત્રે, શહેરી વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા વિકાસના કામોને આધારે લોકોની વચ્ચે જવાનું સૂચન કર્યું હતું. આગામી લોકસભાની ચૂંટણીમાં 26 માંથી 26 બેઠકો જીતવાનો લક્ષ્યાંક આપ્યો હતો.
વિપક્ષની ડિપોઝીટ ડૂલ થાય તે પ્રકારનું આયોજન-ધનસુખ ભંડેરી
ધનસુખ ભંડેરીએ વધુમાં કહ્યું હતું કે ભાજપ સરકાર પ્રત્યે લોકોનો વિશ્વાસ અતૂટ છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં વિકાસના મુદ્દે ભાજપે કરેલા કામના આધારે લોકોની વચ્ચે જવામાં આવશે. આ વખતે નરેન્દ્ર મોદી પર લોકોનો વિશ્વાસ અતૂટ છે ત્યારે 26 માંથી 26 બેઠકની સાથે દરેક બેઠક પર વિપક્ષની ડિપોઝીટ ડૂલ થાય તે રીતે વિજય મેળવવામાં આવશે.
ત્રણ દિવસમાં 17 સત્ર થશે, સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ
ત્રણ દિવસ ચાલનાર આ પ્રશિક્ષણ વર્ગમાં 17, 18 અને 19 એમ ત્રણ દિવસ સુધી 17 જેટલા સત્રો ચાલશે. જેમાં સંગઠન અને સરકારની કામગીરીની સમીક્ષા, આગામી આયોજનો વિશે પ્રશિક્ષણ આપવામાં આવશે. આ પ્રશિક્ષણ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, સી.આર. પાટીલ સહિતના પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાઓ ઉપસ્થિત રહેશે. અંતિમ દિવસે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ ઉપસ્થિત રહેશે. ત્રણ દિવસ સુધી કાર્યકર્તાઓ મેંદરડા ખાતે જ રહેશે અને દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.