રાજકોટ જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વર્ષ 2022-23માં રૂ.1250 કરોડના વિકાસ કામોની જોગવાઈ કરાઇ
મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વિકાસના કામો માટે કટિબદ્ધ છે. સૌનો સાથ સૌનો વિકાસ અને સમતોલ વિકાસ હેઠળ ગ્રામીણ વિસ્તારમાં વિકાસ કામો માટે રાજ્ય સરકારનું આયોજન છે.
રાજકોટ (Rajkot) જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના (Jitu Waghani) અધ્યક્ષ સ્થાને આયોજન મંડળની(Planning Board) બેઠક (Meeting) મળી, વર્ષ 2022-23માં રૂ.1250 કરોડના વિકાસ કામોની જોગવાઈ કરાઇ, મંત્રીએ નગરપાલિકા (Municipality)તાલુકા પંચાયત વિસ્તારમાં વિકાસ માટે કરાયેલા આયોજનની સમીક્ષા કરી. રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી અને શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ આજે રાજકોટ કલેકટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળ સાથે સંકળાયેલા વિવિધ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક કરી વિકાસના હાથ ધરાયેલા કામોની સમીક્ષા કરી હતી.
રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે વિવેકાધીન અને પ્રોત્સાહક યોજના હેઠળ રૂપિયા 1250 કરોડના કામોની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત ચાલુ વર્ષમાં જે કામો હાથ પર લેવાના છે તે અંગે આયોજન સમિતિઓની બેઠક થઈ ગયા અંગે સમીક્ષા કરી જે તાલુકામાં આયોજન અંગે દરખાસ્ત બાકી હોય તેની વહેલાસર મંગાવી આગળની કાર્યવાહી કરવા અમલીકરણ અધિકારીઓને મંત્રીએ સૂચના આપી છે.
પાછલા વર્ષના હાથ પર લેવાયેલા કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા મંત્રીએ તાકીદ કરી હતી. મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વિકાસના કામો માટે કટિબદ્ધ છે. સૌનો સાથ સૌનો વિકાસ અને સમતોલ વિકાસ હેઠળ ગ્રામીણ વિસ્તારમાં વિકાસ કામો માટે રાજ્ય સરકારનું આયોજન છે.
જિલ્લા કલેકટર (District Collector)અરુણ મહેશ બાબુએ(Arun Mahesh Babu) જિલ્લા આયોજન મંડળની બેઠકની પૂર્વભૂમિકા અને જુદીજુદી સમિતિઓમાંથી આવેલી દરખાસ્તો અને ઝડપથી કામગીરી થાય તે માટેની રૂપરેખા આપી હતી. બેઠક નું સંકલન જિલ્લા આયોજન અધિકારી ટોપરાણીએ કર્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર, મેયર ડો.પ્રદીપભાઈ ડવ, ધારાસભ્ય લલીતભાઈ કગથરા, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, નિવાસી અધિક કલેકટર કે.બી. ઠક્કર , નાયબ મ્યુનિસિપલ કમિશનર તેમજ જિલ્લાની તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.