રાજકોટમાં પાંજરાપોળમાં ગાયોના મોત મામલે ગરમાઈ રાજનીતિ, ગાયને માતા કહી મત માગતા શાસકો ગાયોના મોત મામલે મૌન

|

Sep 24, 2024 | 3:55 PM

રાજકોટમાં પાંજરાપોળમાં ગાયોના મોત મામલે રાજનીત ગરમાઈ છે. ત્રણ મહિનામાં 756 પશુના મોત થતા માલધારી સમાજે કોર્પોરેશનની કામગીરી સામે સવાલ ઉઠાવી ગંભીર આક્ષેપ કર્યા છે.

રાજકોટમાં પાંજરાપોળમાં ત્રણ મહિનામાં 756 જેટલી પશુના મોત થયા છે. મોટી સંખ્યામાં ગૌવંશના મોત બાદ તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. આ મામલે રાજનીતિ પણ ગરમાઈ છે. કોંગ્રેસના માલધારી સેલે કોર્પેરેશન અને સામાજિક સંસ્થાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. માલધારી સમાજે આક્ષેપ કર્યો છે કે ગાયને માતા કહી મત માગતા શાસકો ગાયોના મોત મામલે મૌન છે. તેમણે પ્રહાર કર્યો કે અધિકારીઓ જાડી ચામડીના થઈ ગયા છે. તેમણે આરોપ લગાવ્યો કે રાજકોટ મહાનગરપાલિકા પાસે જ્યારે ઢોર ડબ્બો હતો ત્યારે પણ ગૌવંશની દયનિય હાલત હતી અને હાલ તેના કરતા પણ વધુ દયનિય હાલત છે.

સ્ટે. ચેરમેન એ ગાયોના મોત પાછળ ભાદરવા મહિનાને બનાવ્યો વિલન

આ તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે લુલો બચાવ કર્યો કે ભાદરવા મહિનામાં માંદી ગાયોના વધુ પ્રમાણમાં મોત થયા છે. કોર્પોરેશન પણ આ માંદી ગાયોની જ સેવા કરી રહ્યુ છે. રાજકોટમાં ઢોર ડબ્બાઓમાં ગાયોની દયનિય હાલત છે. વધુમાં તેમણે જણાવ્યુ કે હાલ જે ટ્રસ્ટને ચલાવવા આપ્યુ છે તેની કામગીરીની પણ સમીક્ષા કરાશે.

3 મહિનામાં પાંજરાપોળમાં 756 પશુના મોત

છેલ્લા 3 મહિનામાં 108 ગાયના મોત મળી કુલ 756 પશુઓના મોત થયાનું કોર્પોરેશને સ્વીકાર્યુ છે. ત્યારે ભાદરવા મહિના પર દોષનો ટોપલો ઢોળતા ચેરમેન સાહેબને એ જાણ હોવી જોઈએ કે હજુ ભાદરવો મહિનો શરૂ થયો તેને માત્ર 10 દિવસ થયા છે અને ગાયો એ પહેલા મોતને ભેટી છે. રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત પાંજરાપોળમાં ગાયોની સ્થિતિ અત્યંત દયનિય હોવાનુ સામે આવ્યુ છે. જેને લઈને માલધારી સમાજમાં પણ રોષની લાગણી ફેલાઈ છે.

ડિસેમ્બરમાં શનિ સહિત આ 7 ગ્રહોની બદલાશે ચાલ,3 રાશિઓની વધશે મુશ્કેલીઓ
બોલિવુડ અભિનેત્રીએ કાશીમાં ઉજવ્યો જન્મદિવસ, જુઓ ફોટો
Amla Benifits : આમળાને આ વસ્તુ સાથે ખાવાથી થશે અગણિત લાભ, જાણો
Radish Benefits : શિયાળાનું શાકભાજી મૂળામાં ક્યાં વિટામીન હોય છે? જાણો તેના ફાયદાઓ
શિયાળામાં રોજ એક મુઠ્ઠી સીંગદાણા ખાવાથી થાય છે આ 6 ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 01-12-2024

મનપાના જનરલ બોર્ડમાં ગાયોના મોતના ચોંકાવનારા આંકડા સામે આવ્યા

બે દિવસ પહેલા રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળ્યુ હતુ. જેમા વોર્ડ નંબર 15ના કોર્પોરેટર દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. જેમા આ ચોંકવનારા આંકડા સામે આવ્યા છે. કોર્પોરેશન દ્વારા વિપક્ષના સવાલ પર જવાબ આપવામાં આવ્યો કે, મોટા પશુઓ ઘોડા, ગાય, બળદ-ખૂંટને દરરોજ 20 કિલો અને નાના પશુ બકરી, વાછરડી, પાડીને 10 કિલો દૈનિક ઘાસચારો આપવામાં આવતો હોય છે. ત્યારે સવાલ એ થાય કે માત્ર 3 મહિનામાં આટલાં બધાં પશુઓ મૃત્યુ કેવી રીતે પામે? મનપા દ્વારા મોટા પશુના નિભાવ માટે જીવદયા ટ્રસ્ટને પ્રતિ ઢોરદીઠ પ્રતિ દિવસ 50 અને નાના ઢોર માટે પ્રતિઢોર દીઠ પ્રતિ દિવસ 35 રૂપિયા ગ્રાન્ટ ચૂકવવામાં આવે છે. છતાં પણ કેમ મોત થયા તે સવાલ ચોક્કસ ઉઠી રહ્યો છે.

ગાયોના નામે મત માગતા સત્તાધિશો, મોત મામલે કેમ મૌન- વિપક્ષ

હાલ આ સમગ્ર મામલે એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. તેમા પાંજરાપોળના સંચાલકોને બોલાવવામાં આવશે અને મનપાના અધિકારીઓને સાથે રાખી બેઠકમાં ગાયોના મોત પાછળના કારણો મામલે સમીક્ષા કરવામાં આવશે.મનપા સંચાલિત આ પાંજરાપોળમાં શહેરભરના તમામ બિનવારસી અને રખડતા ઢોરને પકડીને રાખવામાં આવે છે.આ પાંજરાપોળના નિભાવ માટે 17.86 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા. અહીં તેમને રાખવા સહિત ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કરાય છે અને બીમાર પશુની સારવાર પણ કરવામાં આવે છે. આ દરમિયાન કેટલાક બીમાર ઢોરના મોત થતા હોય છે પરંતુ જે આંકડાઓ સામે આવ્યા છે તે અત્યંત ચોંકાવનારા છે. આ મામલે હવે રાજનીતિ પણ શરૂ થઈ છે અને વિપક્ષે આક્ષેપ કર્યો છે કે ગાયના નામે મત માગનારા સત્તાધિશો ગાયોના મોત મામલે ભેદી મૌન સેવી રહ્યા છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:59 pm, Mon, 23 September 24

Next Article