Rajkot : રાજકોટમાં વહીવટી તંત્રની દબાણ દૂર કરવાની નોટિસને પગલે રહીશોનો વિરોધ
ઉલ્લેખનીય છે કે ગેરકાયદે જમીન પર વસતા લોકોને સરકારી વિભાગોએ જ વીજળી અને પાણીના જોડાણો આપ્યા હતા. ત્યારે અહીં સવાલ એ સર્જાય કે જો લોકો ગેરકાયદે જ વસવાટ કરતા હતા તો કેમ વીજળી-પાણીનો જોડાણ અપાયા. અગાઉ હાઇકોર્ટે મકાન માલિકો પાસે માલિકી હકના પુરાવા તંત્રને રજૂ કરવા આદેશ કર્યો હતો.
રાજકોટ જિલ્લાના પારડીમાં ગ્રામજનોને મકાન તોટી પાડવાની નોટિસ ફટકારતા ગ્રામજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. જીવનભરની કમાણીથી ખરીદેલુ મકાન તોડી પાડવાની જો તંત્રની નોટિસ મળે તો? ઘર બનાવવા માટે અતિશય સંઘર્ષ કર્યો હોય ત્યારે કોઈ મકાન માલિક માટે આ સમસ્યા કોઇ આફતથી કમ ન કહેવાય. કંઇક આવી જ આફત આવી પડી છે. રાજકોટના પારડી ગામના 227 પરિવારો માથે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્રએ પારડી ગામના 227 મકાનો તોડી પાડવાની નોટિસ ફટકારી છે. નોટિસમાં ઉલ્લેખ છે કે પારડીના મકાનો ગૌચરની જમીન પર ગેરકાયદે બાંધવામાં આવ્યા છે.
સપનાનું ઘર તૂટવાની નોટિસથી લોકો બન્યા લાચાર
પોતાના સપનાનું ઘર તૂટવાની વાત આવતા જ મહિલાઓ સહિત પારડીના ગ્રામજનોના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. મકાન બચવવા મોટી સંખ્યામાં મહિલાઓ કલેક્ટર કચેરી પહોંચી હતી. આ નોટિસ બાદ લોકોએ બિલ્ડરો અને સરપંચ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પારડીના હીશોનો આરોપ છે કે ખોટા દસ્તાવેજના આધારે સરપંચ સહિત કેટલાંક બિલ્ડરોએ તેમને જમીન પધરાવી દીધી હતી અને ખોટા સ્ટેમ્પ દ્વારા પ્લોટની ફાળવણી કરી હતી. રહીશોની માગ છે કે તેઓનું ઘર તોડવાનો નિર્ણય પડતો મુકવામાં આવે
એક મહિલાએ પોતાનું દર્દ અને પીડા વ્યક્ત કરતા કહ્યું હતું કે તેમણે પોતાના ઘરેણા અને જીવનભર કરેલી કમાણીની મૂડી સહિતની કિંમતી ચીજવસ્તુઓ વેચીને મકાન ખરીદ્યું હતું તો આ પરિસ્થિતિમાં તેઓ ક્યાં રહેવા જશે. આ મહિલાની માગ છે કે 5 વર્ષથી તેઓ રહે છે તો હવે સરકાર તેમને અહીંથી ન હટાવે.
ઉલ્લેખનીય છે કે ગેરકાયદે જમીન પર વસતા લોકોને સરકારી વિભાગો દ્વારા જ વીજળી અને પાણીના જોડાણો આપવામાં આવ્યા હતા. ત્યારે હવે અહીં સવાલ એ સર્જાય કે જો લોકો ગેરકાયદે જ વસવાટ કરતા હતા તો પછી તેમને એ સમયે વીજળી-પાણીના જોડાણ અપાયા. જોડાણ આપ્યા બાદ હવે અચાનક આ મકાનો તોડી પાડવાની નોટિસ શા માટે આપવામાં આવી છે.? આ ઘટનામાં હાઇકોર્ટે મકાન માલિકો પાસે માલિકી હકના પુરાવા તંત્રને રજૂ કરવા આદેશ કર્યો હતો. જેમાં બિલ્ડરોએ જમીનના 7 લાખના દસ્તાવેજો કર્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે જમીન ખરીદનાર સાથે થયેલી છેતરપિંડી મુદ્દે શું તંત્ર ગુનો નોંધશે કે કેમ તે એક સવાલ છે.