ગોંડલના ઘોઘાવદર ચોકથી પાંજરાપોળ અને હોસ્પિટલ ચોકથી મોંઘીબા સ્કૂલ પાસે આવેલા બ્રિજને લઈને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ગોંડલના જર્જરિત હેરિટેજ બ્રિજ (Gondal Heritage Bridge) મામલે મહત્વનો ખુલાસો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ગોંડલ શહેરમાં આવેલા 2 બ્રિજની હાલતને લઈને ગુજરાત હાઇકોર્ટમાં થયેલી અરજી પર સુનાવણી હાથ ધરાઇ હતી. આ દરમિયાન ઐતિહાસિક બ્રિજની હાલત ખરાબ હોવાની રાજ્ય સરકારે કરી કબૂલાત હાઈકોર્ટ સમક્ષ કરી હતી.
રાજ્ય સરકારે મંગાવેલા એક્સપર્ટ ઓપિનિયન મામલે પણ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા. ઓવરબ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ લગાવવા પણ દરખાસ્ત કરવામાં આવી હતી. જ્યારે બ્રિજ પર થી માત્ર ટુ વ્હીલર માટે બ્રિજ ખુલ્લો રાખવામાં આવે એવી ભલામણ કમિટિએ રજૂ કરી હતી.
હેરિટેજ બ્રિજને તાત્કાલિક ધોરણે સંપૂર્ણ સમારકામની જરૂર હોવાનો એક્સપર્ટ ઓપીનીયન રિપોર્ટ હોવાનુ પણ સામે આવ્યુ હતુ. જે મુજબ સમારકામ બાદ પણ દર 15 દિવસે સમયાંતરે બ્રિજનું ચેકિંગ કરવા પણ કમિટીનો અભિપ્રાય રજૂ કરવામાં આવ્યો હતો. અગાઉ ગુજરાત હાઇકોર્ટે બ્રિજ મામલે રાજ્ય સરકાર પાસે એક્સપર્ટ ઓપિનિયન મંગાવ્યો હતો. ભગવત સિંહજીનાં સમયમાં બંધાયેલ 100 થી 125 વર્ષ જૂના બ્રિજને લઈને હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
અનેક રજૂઆત કર્યા બાદ પણ બ્રિજનું સમારકામ થયુ નહીં હોવાની રજૂઆત અરજદારે કરી હતી. તેઓએ કોર્ટને રજૂઆત કરી હતી કે તાત્કાલિક ધોરણે બ્રિજનું સમારકામ નહી થાય તો મોરબી જેવી ઘટનાનું પુનરાવર્તન થઈ શકે છે. તેમણે કહ્યુ હતુ કે આસપાસ આવેલા વિસ્તાર જેવાકે મોવિયા,આટકોટ,ઘોઘાવદર અને જસદણનાં લોકો મોટા પ્રમાણમાં બ્રિજનો ઉપયોગ કરે છે. આ બ્રિજ વર્ષો જૂના અને બિસ્માર સ્થિતિમાં હોવા છતાં તેનો ઉપયોગ વાહનવ્યવહાર માટે થઈ રહ્યો છે.
Published On - 9:14 pm, Wed, 28 June 23