રાજકોટ નજીક ડુમિયાણા ટોલ પ્લાઝા પર છેલ્લા ત્રણ દિવસથી ટોલ સંચાલકો અને વાહનચાલકો વચ્ચે ઘર્ષણ યથાવત
Rajkot: ઉપલેટા અને ડુમિયાણીથી પસાર થતા વાહનચાલકો અને ટોલ સંચાલકો વચ્ચે છેલ્લા 3 દિવસથી ઘર્ષણ યથાવત છે. બમણો ટોલ ટેક્સ વસુલાતા વાહનચાલકોમાં રોષ છે અને ટોલ ભર્યા વિના બેરિકેડિંગ તોડી આગળ વધી રહ્યા છે.
રાજકોટ પાસેના ડુમિયાણી ટોલ પ્લાઝા પર સતત ત્રણ દિવસથી વાહનચાલકો અને ટોલ નાકા સંચાલકો વચ્ચે જબરજસ્ત ઘર્ષણ થઈ રહ્યું છે. કોઈ એકાદ વાહન હોય તો બરાબર પરંતુ આ તો અલગ અલગ વાહનો અને વાહનચાલકો આ વિરોધ કરી રહ્યા છે. એવું નથી કે તેમનો ટોલટેક્સ નથી ભરવો પણ એમને વાંધો બીજો છે.ઉપલેટા તાલુકાના ડુમિયાણી નજીક આવેલા TOT કંપની સંચાલિત ટોલ બુથ પર સતત ત્રણ દિવસથી ઘર્ષણ યથાવત છે.
ઉપલેટા અને ડુમિયાણીથી પસાર થતાં વાહન ચાલકો પર બમણો ટોલ ટેક્સ ઠોકી બેસાડવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે લોકો સતત આક્રમક જોવા મળી રહ્યા છે અને આ વિરોધ સતત 3 દિવસથી છે. ત્રીજા એટલે કે નવા વર્ષના પહેલાં દિવસે પણ ભારે વાહન ચાલકો બેફામ બન્યા હતા અને બેરીકેટ અને એંગલ તોડી અહીંથી પસાર થઈ રહ્યા હોવાના દ્ર્શ્યો સામે આવ્યા છે.
સતત આ પ્રકારના વાહનચાલકોના વલણથી ટોલ નાકા પર તૈનાત કર્મચારીઓ પણ ભયભીત છે. ટોલનાકાના કર્મચારીઓનું કહેવું છે કે અહીંયા અમુક વાહનચાલકો ટોલ ટેક્ષ ભર્યા વગર પસાર થવું હોય છે જેને કારણે તેઓ બેફામ રીતે ટોલનાકા પરથી બેરિકેડ તોડીને આગળ વધી રહ્યા છે.
આ તરફ TOT કંપની સંચાલિત ટોલ નાકાના મેનેજરનો આક્ષેપ છે કે અહીંયા કોઈ પણ જાતનો ટોલટેક્ષમાં ભાવ વધારો ઝીંકાયો નથી અને અમુક ટ્રાન્સપોર્ટ સંચાલકો એમના ટ્રકને ટોલટેક્સ ભર્યા વગર જવા દેવા માટે દબાણ કરે છે. ત્રણ દિવસ અગાઉ ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડેલીયાએ પણ ટોલનાકાની મુલાકાત લીધી હતી અને તેમના ભડકાઉ ભાષણને કારણે વાહન ચાલકો બેફામ બન્યા છે અને તોડ ફોડ કરી રહ્યા છે.
ટોલનાકા પર ચાલી રહેલી બબાલ દિવસેને દિવસે ઉગ્ર બની રહી છે. વાહન ચાલકો અને ટોલનાકા સંચાલકો વચ્ચે ઘર્ષણ પણ વધતું જઈ રહ્યું છે. ત્યારે ટોલનાકા પર કાયમી ધોરણે ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવવાની સંચાલકો માગ કરી રહ્યા છે. ટોલનાકા સંચાલકો અને વાહન ચાલકો એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે ત્યારે આમાં કોઈ રાજકીય નેતા દરમિયાનગીરી કરે તો મામલો શાંત પડે એવું સ્થાનિકો અને વાહનચાલકોનું માનવું છે. ઈનપુટ ક્રેડિટ- હુસેન કુરેશી- ધોરાજી