કોંગ્રેસનું મિશન 2022-રાજકોટમાં ડિજીટલ સભ્ય નોંધણી ઝુંબેશ શરૂ કરાવતા પરેશ ધાનાણી
પરેશ ધાનાણી અને હીરા જોટવાએ કાર્યકર્તાઓને સંબોધન કરતા કહ્યું હતું કે લોકો મોંઘવારી,બેરોજગારી,પેટ્રોલ ડિઝલના ભાવ,ખાદ્યતેલના ભાવ, સીએનજીના ભાવ,બેરોજગારી અને ખેડૂતોને ખેતીમાં પડતી મુશ્કેલી સહિતના પ્રશ્ને ત્રાહિમામ છે.
Rajkot: વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટીઓ દ્વારા વિધાનસભાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજકોટની નાગર બોર્ડિંગ ખાતે વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણી (PARESH DHANANI) અને હીરા જોટવાની આગેવાનીમાં રાજકોટ શહેર અને જિલ્લાના કાર્યકર્તાઓની એક બેઠક મળી હતી. જેમાં કાર્યકર્તાઓને બુથ લેવલ અને પેઇજ લેવલ સુધી ડીજીટલ સભ્ય નોંધણી ઝુંબેશ શરૂ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને આ કામગીરી ઝડપથી અને પુરજોશમાં પુરી કરવા માટેની સૂચના આપવામાં આવી હતી.
મોંઘવારી,બેરોજગારી અને ખેતીના પ્રશ્નોથી લોકો ત્રાહિમામ છે-કોંગ્રેસ
આ અંગે પ્રદેશ કક્ષાએથી આવેલા વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણી અને હીરા જોટવાએ કાર્યકર્તાઓને સંબોધન કરતા કહ્યું હતું કે લોકો મોંઘવારી,બેરોજગારી,પેટ્રોલ ડિઝલના ભાવ,ખાદ્યતેલના ભાવ, સીએનજીના ભાવ,બેરોજગારી અને ખેડૂતોને ખેતીમાં પડતી મુશ્કેલી સહિતના પ્રશ્ને ત્રાહિમામ છે. ત્યારે કોંગ્રેસના (CONGRESS) કાર્યકરોએ આવા લોકોના પ્રશ્નને વાચા આપવાની છે. અને આ માટે ઘરે ઘરે જઇને તેઓને કોંગ્રેસ પક્ષમાં જોડીને ડીજીટલ નોંધણી કરાવવા સૂચના આપી છે. કોંગ્રેસના કાર્યકરોએ મતદાર યાદીના બુથ અને પેઇજ પ્રમાણે સભ્ય નોંધણી કરવાની સૂચના આપી હતી.
શહેર અને જિલ્લાના કાર્યકર્તાઓ રહ્યા ઉપસ્થિત
આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર,કાર્યકારી પ્રમુખ પ્રદિપ ત્રિવેદી,મહેશ રાજપૂત,હેમાંગ વસાવડા,વિરોધ પક્ષના નેતા ભાનુ સોરાણી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા સહિત ગત વિધાનસભાની ચૂંટણી લડેલા ઉમેદવારો,જિલ્લા અને તાલુકા પંચાયતના ચાલુ અને પૂર્વ સદસ્યો,કોર્પોરેટરો અને પૂર્વ કોર્પોરેટરો તથા વિવિધ વોર્ડના પ્રમુખ,મહામંત્રીઓ તથા વિવિધ મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અને ડીજીટલ સભ્ય નોંધણી ઝુંબેશ વેગવંતી કરવા માટેની સૂચના આપી હતી.