
વડોદાદરા બાદ હવે રાજકોટમાં પણ મેડિકલ કોલેજમાં રેગિંગનો મામલો સામે આવ્યો છે. રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાં MBBS પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ સાથે રેગિંગની ફરિયાદ મળ્યા બાદ એન્ટી રેગિંગ કમિટીએ તપાસ હાથ ધરી હતી. તપાસ બાદ કોલેજના કુલ 14 વિદ્યાર્થીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે. સૂત્રો અનુસાર, પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ સાથે રેગિંગની ઘટના અંગે ફરિયાદ મળતાં એન્ટી રેગિંગ કમિટીએ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. તપાસમાં રેગિંગમાં સંડોવણી સામે આવતાં બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
કોલેજ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી મુજબ, બીજા અને ત્રીજા વર્ષના સાત વિદ્યાર્થીઓને બે મહિના માટે શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે બીજા વર્ષના બે વિદ્યાર્થીઓને એક મહિના માટે અને અન્ય પાંચ વિદ્યાર્થીઓને બે અઠવાડિયા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મેડિકલ કોલેજોમાં રેગિંગની ઘટનાઓ અગાઉ પણ સામે આવી છે. વર્ષ 2024થી અત્યાર સુધી અલગ-અલગ કોલેજોમાં આવી ઘટનાઓ નોંધાઈ છે. સુરતમાં રેગિંગ અને હેરાનગતિના ગંભીર આક્ષેપો સાથે જોડાયેલી એક ઘટનામાં ડોક્ટરના આપઘાત બાદ પોલીસ ફરિયાદ અને ધરપકડની કાર્યવાહી પણ થઈ હતી.
આવી ઘટનાઓને રોકવા માટે માત્ર ફરિયાદ મળ્યા બાદ કાર્યવાહી કરવી પૂરતી નથી, પરંતુ અગાઉથી જ સાવચેતીનાં પગલાં ભરવાં પણ જરૂરી છે. પ્રથમ વર્ષમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓ માટે જાગૃતિ કાર્યક્રમો યોજવા, એન્ટી રેગિંગ કમિટીને સક્રિય રાખવી અને ફરિયાદ મળતાં તાત્કાલિક તપાસ કરવી જરૂરી છે.
રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તાપી ખાતેથી જણાવ્યું કે રેગિંગ એ અમાનવીય કૃત્ય છે અને તેને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે. રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજના 5 વિદ્યાર્થીઓને 6 મહિના માટે હોસ્ટેલમાંથી રસ્ટિકેટ કરવામાં આવ્યા છે, જ્યારે રાજકોટની PDU મેડિકલ કોલેજના 14 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓની સુરક્ષા અને હિત સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.