Breaking News: રાજકોટના જ્વેલર્સને ત્યાં IT વિભાગનો સપાટો, 1300 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
Rajkot: રાજકોટ અને જુનાગઢના જ્વેલર્સને ત્યાં છેલ્લા 6 દિવસોથી IT વિભાગના દરોડા ચાલી રહ્યા છે. આ દરોડાની કાર્યવાહી દરમિયાન કરોડોના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે. જેમા આઈટી વિભાગને 1300 કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે
Rajkot: રાજકોટ માં રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સ (Jewelers) સહિતની પેઢીઓમાં આઇટી દ્રારા કરવામાં આવેલી તપાસમાં 1300 કરોડ રૂપિયાના બિનહિસાબી વ્યવહારો નીકળ્યા છે. IT વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે 6 દિવસ ચાલેલી તપાસ રવિવારે રાત સુધીમાં પૂર્ણ થઇ ગઇ હતી અને આ તપાસ દરમિયાન અલગ અલગ જ્વેલર્સમાંથી બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા હતા. આ ઉપરાંત 12 કરોડ રૂપિયાના રોકડ અને સોનાના દાગીના મળી આવ્યા હતા. IT વિભાગની તપાસમાં અનેક મિલકત સબંધી વ્યવહારો પણ મળી આવ્યા છે. ઇન્કમ ટેક્સ વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે ઇન્કમ ટેક્સ વિભાગનો સર્વે પાંચ વર્ષમાં સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે. ઇન્કમ ટેક્સ વિભાગ દ્રારા આ અંગેનો રિપોર્ટ અમદાવાદ ખાતે ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવ્યો છે.
પાંચ વર્ષની સૌથી મોટી કાર્યવાહી
IT વિભાગના કહેવા પ્રમાણે પાંચ વર્ષમાં આ સૌથી મોટી કાર્યવાહી છે. ઇન્કમ ટેક્સ વિભાગને અમદાવાદ હાઇવે પર એક મોટા જમીન સોદાની ટીપ મળી હતી. જેના આધારે આ જ્વેલર્સ સર્વેલન્સમાં હતા અને એકસાથે 6 દિવસમાં 32 જેટલા સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. પ્રથમ બે દિવસમાં જ આઇટી વિભાગને 5 કરોડ રૂપિયાની રોકડ મળી હતી. ત્યારબાદ આઇટી વિભાગ દ્રારા જ્વેલર્સને ત્યાંથી મળેલા સોનાના દાગીનાની વેલ્યુઅરની મદદ લઇને આકારણી કરવામાં આવી હતી. જ્વેલર્સની સાથે લેન્ડ ડેવલોપર્સને ત્યાં પણ આઇટી વિભાગ દ્રારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેના કારણે અનેક ડિજીટલ વ્યવહારો પણ મળી આવ્યા છે. જેને લઇને પણ તપાસ હાથ ધરવામાં આવી છે. કેટલાક મિલકત સબંધી દસ્તાવેજો પણ મળી આવ્યા છે. જેની પણ તપાસ હાથ ધરવામાં આવે છે.
વિશ્વાસુ કર્મચારીઓને ત્યાં પણ તપાસ
આ તપાસ જે તે જ્વેલર્સ અને લેન્ડ ડેવલપર પુરતી મર્યાદિત ન રહેતા જે તે પેઢીના વિશ્વાસુ કર્મચારીઓને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે, IT વિભાગ દ્રારા આવા કર્મચારીઓના એકાઉન્ટ અને તેની મિલકત વિશે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. જેને લઇને પણ મહત્વના ખુલાસાઓ થઇ શકે છે.
આટલા જગ્યાએ કરાઇ હતી તપાસ
- રાઘિકા જ્વેલર્સ-પેલેસ રોડ અને કાલાવડ રોડ શોરૂમ,અશોક ઝીંઝુવાડિયા અને હરેશ ઝીંઝુવાડિયાના નિવાસસ્થાને તપાસ
- શિલ્પા જ્વેલર્સ-કોઠારિયા નાકા,150 ફુટ રિંગરોડ,અક્ષર માર્ગના શોરૂમ તથા પેઢીના માલિકો પ્રભુદાસ પારેખ,ભાસ્કર અને હરેનના નિવાસસ્થાને અને કોલકત્તા ખાતેના યુનિટમાં પણ તપાસ
- જે.પી.જ્વેલર્સમાં પણ હાથ ધરાઇ તપાસ તેના રાજકોટ અને અમદાવાદ ખાતેના યુનિટમાં તપાસ
- જુનાગઢના સીવીએમ જ્વેલર્સમાં પણ કાર્યવાહી
- જ્વેલર્સ સાથે સંકળાયેલા ફાયનાન્સર-બિલ્ડર વિમલ પાદરીયા,કેતન પટેલ અને મિલન મહેતાના ઘરે અને તેની ઓફિસોમાં પણ ITની તપાસ
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો