રાજકોટ: ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં વકીલોના જનરલ બોર્ડમાં છુટ્ટા હાથની મારામારી, વકીલોના ટેબલ માટે મળેલી બેઠક સ્થગિત
નવી કોર્ટમાં સિનીયર અને જુનિયર વકિલોની બેઠક વ્યવસ્થા અંગે વિવાદ ચાલી રહ્યો છે. બાર એસોસિએશન સાથે જોડાયેલા વકીલ પૈકી એક વકીલ ભાષણ કરી રહ્યા હતા, ત્યારે તે વકીલ દ્વારા જાતિ આધારીત ટિપ્પણી કરવામાં આવી હતી. જેના કારણે બોર્ડ તોફાની બન્યું હતું. કેટલાક લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને ભાષણ આપતા વકીલનો વિરોધ કર્યો હતો.

રાજકોટના ઘંટેશ્વર નજીક થોડા દિવસ પહેલા નવી ડિસ્ટ્રીક્ટ કોર્ટનું ઉદ્ધાટન થયું છે. આ કોર્ટમાં વકીલોની બેઠક વ્યવસ્થા અને ટેબલની ગોઠવણ અંગે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદને ઉકેલવા માટે આજે નવી કોર્ટમાં વકીલોનું જનરલ બોર્ડ મળ્યું હતું જે તોફાની બન્યું હતું. એટલું જ નહીં વકીલો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થતાં જનરલ બોર્ડ સ્થગિત કરી દેવું પડ્યું હતું.
સ્પીચ દરમિયાન એક વકીલે ટિપ્પણી કરતા મામલો બિચક્યો
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે નવી કોર્ટમાં સિનીયર અને જુનિયર વકિલોની બેઠક વ્યવસ્થા અંગે વિવાદ ચાલી રહ્યો છે. બાર એસોસિએશન સાથે જોડાયેલા વકીલ પૈકી એક વકીલ ભાષણ કરી રહ્યા હતા, ત્યારે તે વકીલ દ્વારા જાતિ આધારીત ટિપ્પણી કરવામાં આવી હતી. જેના કારણે બોર્ડ તોફાની બન્યું હતું. કેટલાક લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને ભાષણ આપતા વકીલનો વિરોધ કર્યો હતો.
જે બાદ છુટ્ટા હાથની મારામારી થઇ હતી અને ખુરશીઓના ઘા થયા હતા. મામલો વધુ બિચકે તે પહેલા સિનીયર વકીલોએ મધ્યસ્થી કરી હતી અને જનરલ બોર્ડ સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. જો કે, જે વકીલો વચ્ચે વિવાદ થયો હતો તેમાં સિનીયર વકીલોએ સમાધાન કરાવ્યું હતું.
વકીલોની બેઠક વ્યવસ્થા માટે વધારાની જગ્યાની માંગણી કરવામાં આવી
બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણીએ દાવો કર્યો હતો કે દરેક વકીલને ટેબલ મળશે. બકુલ રાજાણીએ કહ્યું હતું તે જજ, સિનીયર વકીલોની જે કમિટી મળી છે તે નિર્ણય લેશે જે બધાને માન્ય રહેશે. આ ઉપરાંત વકીલોના ટેબલ માટે વધારાની જગ્યાની પણ માંગણી કરી છે.
આ પણ વાંચો રાજકોટ : ગોંડલમાં આધારકાર્ડની ઢીલી કામગીરીથી સ્થાનિકોને હાલાકી, જુઓ વીડિયો