Rajkot: કોઠારીયા વિસ્તારમાં કમરતોડ રસ્તાઓથી સ્થાનિકો ત્રાહિમામ, અનેક લોકોને કમરના દુઃખાવા, શું છે મહિલાઓની સમસ્યા જાણો
રાજકોટમાં વોર્ડ નંબર 18 કોઠારીયા વિસ્તારના રહીશો રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાના મુદ્દે આંદોલન કરી કરીને થાકી ગયા પરંતુ સત્તાધીશોને જાણે કોઈ ફરક ન પડતો હોય તેવી સ્થિતિ આ વિસ્તારની છે. છેલ્લા 7.5 વર્ષથી કોઠારીયા વિસ્તાર મનપામાં ભેળવવામાં આવ્યો પરંતુ રાજકોટ મહાનગર પાલિકા આ વિસ્તારમાં આટલા વર્ષોમાં સોસાયટીઓમાં તો દૂર વિસ્તારના મુખ્ય રસ્તાઓ પર પણ રોડ નથી બનાવી શકી.

રાજકોટનો કોઠારીયા વિસ્તાર મનપામાં ભળ્યા બાદ મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના સત્તધિશો 3-3 વાર બદલાઈ ગયા. પરંતુ કોઠારીયા વિસ્તારની સુરત ન બદલી. જેને લઇને કોઠારીયા વિસ્તારના લોકો ખૂબ જ પરેશાન છે અને તેમની સમસ્યાનો કોઈ અંત આવી નથી રહ્યો. ગઈકાલે પણ કોઠારીયાના લોકોએ રસ્તા મામલે કોર્પોરેટરને ઘેર્યાં હતા. આ વિસ્તારમાં પાક્કા રસ્તાઓ ન હોવાના કારણે અનેક લોકો અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયાં છે તો કેટલાય લોકોને કમરના દુખાવા થઈ ગયા છે.આ ઉપરાંત લોકોના વાહનોને પણ નુકસાન થાય છે.
અનેક લોકોને કમરના દુઃખાવા થયા તો કેટલાય લોકો બન્યા અકસ્માતનો ભોગ
છેલ્લા 7.5 વર્ષથી કોઠારીયા વિસ્તાર મનપામાં ભળ્યો.જ્યારે 5 વર્ષથી આ વિસ્તારના લોકો પાક્કા રસ્તા માટે સતત આંદોલનો કરી રહ્યા છે, અનેક વખત મનપાના સતાધીશો રજૂઆત કરી, પરંતુ પાક્કા રસ્તાઓ આ વિસ્તારમાં ક્યારે બનશે તે કોઈ કહી શકે તેમ નથી, બારેમાસ કોઠારીયા વિસ્તારમાંથી વાહન લઇને ચાલવું ખૂબ જ પડકારજનક રહે છે. ત્યારે ચોમાસામાં તો થોડો પણ વરસાદ પડે એટલે અહીંયાથી વાહન ચલાવવું અશક્ય થઈ જાય છે.
કોઠારીયા વિસ્તારમાંથી રેગ્યુલર વાહન લઇને નીકળનારા લોકો જણાવે છે કે આ રસ્તાઓના કારણે દર એક બે મહિને વાહનોમાં ખર્ચ આવે છે, અનેક વાર ટાયર પણ બદલાવવા પડે છે. કેટલાક લોકોએ તો આ વિસ્તારમાં વાહન લઇને આવવાનું બંધ કરી દીધું છે. તો એક રીક્ષા ચાલકે જણાવ્યું કે થોડા દિવસ પહેલા જ તેમની રિક્ષાનું આગળનું ટાયર સ્વાતિ પાર્ક પાસે રસ્તા પર ખાડામાં ઘૂસી ગયું. જેના લીધે રિક્ષામાં પાછળ બેસેલા તેમના પતિના હાથમાં ફ્રેકચર આવ્યું. આ ઉપરાંત આ વિસ્તારમાં તેઓ રેગ્યુલર રીક્ષા ચલાવતા હોવાથી તેમને પણ કમરનો દુખાવો થઈ ગયો છે અને તેમને કમરમાં બેલ્ટ પહેરવાની ફરજ પડે છે.
મહિલાઓએ કહ્યું,”અમારા ઘરે સગા-વ્હાલા આવતા બંધ થઈ ગયા”
કોઠારીયા વિસ્તારની મહિલાઓ સાથે જ્યારે ટીવી9એ વાત કરી ત્યારે આ મહિલાઓ ખૂબ જ રોષમાં જોવા મળી અને તેઓએ કેટલીક ચોંકાવનારી વાત કહી,મહિલાઓએ જણાવ્યું કે 5-5 વર્ષથી તેઓએ અનેક આંદોલનો કર્યા પરંતુ તેમની સમસ્યા કોઈ સાંભળતું ન હોય તેવું લાગી રહ્યું છે.તો કેટલીક મહિલાઓએ જે વાત જણાવી તે ખૂબ ચોંકાવનારી હતી. તેમણે જણાવ્યું કે તેમના વિસ્તારમાં આવા ખરાબ રસ્તાઓને કારણે સગા વહાલાઓ તેમના ઘરે આવતા બંધ થઈ ગયા છે.
કારણ કે ચોમાસામાં તો આ વિસ્તારમાં વાહન ચલાવવું લગભગ અશક્ય હોય છે.એક મહિલાએ જણાવ્યું કે આ ખાડાઓના કારણે તેમનો અકસ્માત થયો હતો અને 3 મહિનાનો ખાટલો તેમને આવ્યો હતો,અન્ય પણ અનેક લોકોના અકસ્માત થયા હોવાનું આ વિસ્તારની મહિલાઓએ જણાવ્યું,તેમને કહ્યું કે નેતાઓ ચૂંટણી સમયે આવીને ભજીયા પાર્ટી કરીને જતા રહે છે,ચૂંટણી બાદ કોઈ દેખાતું નથી.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનએ વહેલી તકે ઉકેલનો કર્યો દાવો
જ્યારે આ અંગે હાલમાં જ નવા નિયુક્ત કરાયેલા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરને Tv9એ સવાલ કર્યો તો તેમણે જણાવ્યું કે કોઠારીયા વિસ્તાર 7.5 વર્ષથી મનપામાં ભળ્યો એ વાત સાચી છે પરંતુ આ વિસ્તાર 19 કિલોમીટરમાં ફેલાયેલો છે એટલે કે એક નાના શહેર જેવડો વોર્ડ નંબર 18 છે.જેથી આખા વિસ્તારમાં પાક્કા રસ્તાઓ બનતા થોડો સમય લાગે.
જયમીન ઠાકરના દાવા મુજબ જોઈએ તો સોસાયટીઓની અંદર પાક્કા રસ્તાઓ બનતા વર્ષો વિતી જાય એ વાત માની લઈએ પરંતુ આ વિસ્તારના મુખ્ય રસ્તાઓ જેમકે સાઈબાબા સર્કલ, સ્વાતિપાર્ક મેઈન રોડ,માલધારી ફાટક નજીકનો રોડ,સાઈબાબા સર્કલથી કોઠારીયા સોલવન્ટ જતો રસ્તો,કોઠારીયા ગામના ગેટ નજીકનો રસ્તો. આ તમામ કોઠારીયા વિસ્તારના મુખ્ય રસ્તાઓ છે. ત્યાં તો પાક્કા રસ્તા 7.5 વર્ષમાં બની જવા જોઈએને?
આ સવાલમાં જયમીન ઠાકરએ જવાબ આપ્યો કે જ્યાં સુધી અંડરગ્રાઉન્ડ કામો જેમ કે ડ્રેનેજ લાઈન,પાણીની લાઈન જેવા કામો પૂરા ન થાય ત્યાં સુધી રોડ ન બની શકે.કારણ કે જો આ કામો થયા વગર રોડ બની જાય તો ડ્રેનેજ અને પાણીની લાઈન માટે ફરી રોડ ખોદવા પડે. જયમીન ઠાકરના આ જવાબ પરથી સ્પષ્ટ થાય છે કે 7.5 વર્ષમાં કોઠારીયા વિસ્તારમાં મુખ્ય રસ્તાઓ પર પણ ડ્રેનેજની લાઇનના કામ હજુ નથી થયા. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે તેઓ કોઠારીયા વિસ્તારની જનતાને ખાતરી આપે છે કે તેમની રસ્તાની સમસ્યાનું જલદીમાં જલદી નિરાકરણ આવે તેવા તેમના પ્રયાસ રહેશે.
પરંતુ જયમીન ઠાકર એક પ્રશ્નનો જવાબ ન આપ્યો અને ગોળગોળ જવાબ આપ્યો.તેમને ટીવી9 દ્વારા પૂછવામાં આવ્યું કે તમારી અઢી વર્ષની ટર્મ પૂરી થાય ત્યાં સુધીમાં કોઠારીયા વિસ્તારના મુખ્ય રસ્તાઓ પર પાક્કા રોડ હશે? તો તેઓએ ગોળગોળ જવાબ આપ્યો.પરંતુ અઢી વર્ષ જેટલા સમયમાં પણ મુખ્ય રસ્તાઓ પર પાક્કા રોડ બનાવવાનું વચન તેઓ ન આપી શક્યા.
આ પણ વાંચો : રાજકોટમાં એક મહિલાના ત્રાસથી પાડોશીઓ પરેશાન, સ્થાનિક મહિલાઓએ પોલીસમાં કરી રજૂઆત, જુઓ Video
“ગતટર્મમાં કોંગ્રેસના કોર્પોરેટરો હતા એટલે આ વિસ્તારને વિકાસથી વંચિત રખાયો”:મહેશ રાજપૂત
તો બીજી તરફ કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે ભાજપ પર મોટો આક્ષેપ કરતા કહ્યું હતું કે આ વિસ્તારમાં આ ટર્મ પહેલા કોંગ્રેસના કોર્પોરેટરો હતા જેથી રસ્તાઓ અન પ્રાથમિક સુવિધાઓ અંગેની તેમની દરખાસ્તો અંગે સત્તાધીશો દ્વારા ધ્યાન આપવામાં નહોતુ આપવામાં આવતું અને ઢીલી નીતિ રાખવામાં આવતી હતી.જેના લીધે લોકોને એમ થાય કે કોંગ્રેસના કોર્પોરેટર આપણા વિસ્તારના કામ નથી કરતા.મહેશ રાજપૂતે જણાવ્યું કે હવે તો અઢી વર્ષથી આ ટર્મમાં ચારેય કોર્પોરેટર તમારા ભાજપના છે.હવે તો આ વિસ્તારના લોકોના કામ કરો.મહેશ રાજપૂતે જણાવ્યું કે આ વિસ્તારમાં ભાજપના કોર્પોરેટર ચૂંટાય તે માટે આ વિસ્તારને વર્ષો સુધી વિકાસથી વંચિત રાખવામાં આવ્યો. હવે જોવાનું રહેશે કે કોઠારીયા વિસ્તારના લોકોને ક્યાં સુધી પાક્કા રસ્તાની સુવિધા મળે છે.