રાજકોટ-સુરત વચ્ચે દોડશે ST વિભાગની AC સ્લીપર બસ, જાણો કેટલુ ભાડું રખાયુ
રાજકોટ (Rajkot) એસટી વિભાગ દ્વારા રાજકોટ અને સુરત વચ્ચે એસી સ્લીપર કોચ બસની શરૂઆત કરવામાં આવી છે. તારીખ 16 જાન્યુઆરીના રોજ સાંજે 7 વાગ્યે પ્રથમ ટ્રીપ રાજકોટથી નીકળી હતી. તેમાં 100 ટકા બુકિંગ પ્રથમ દિવસે જ એસટી વિભાગને મળ્યું હતું.
રાજકોટથી સુરત જવા ઇચ્છતા મુસાફરો માટે સારા સમાચાર છે. રાજકોટ એસટી વિભાગ દ્વારા રાજકોટ અને સુરત વચ્ચે એસી સ્લીપર કોચ બસની શરૂઆત કરવામાં આવી છે. તારીખ 16 જાન્યુઆરીના રોજ સાંજે 7 વાગ્યે પ્રથમ ટ્રીપ રાજકોટથી નીકળી હતી. તેમાં 100 ટકા બુકિંગ પ્રથમ દિવસે જ એસટી વિભાગને મળ્યું હતું. સૌરાષ્ટ્રથી મોટા ભાગે લોકો સુરતમાં વસવાટ કરે છે ત્યારે આ વોલ્વો સ્લીપીંગ બસ મુસાફરોની સુવિધામાં વધારો કરશે. આ સુવિધાની શરુઆત થતા મુસાફરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ખાનગી બસ કરતા ખૂબ જ ઓછું ભાડું
આ બસ અંગે માહિતી આપતા ડેપો મેનેજર એન વી ઠુમ્મરે કહ્યું હતું કે, એસી સ્લીપર કોચ બસને કારણે મુસાફરોની સુવિધામાં વધારો થવાનો છે. સામાન્ય રીતે ખાનગી ટ્રાવેલ્સ બસમાં રાજકોટથી સુરતનું ભાડું 1200 થી 1400 રૂપિયા વસુલવામાં આવે છે. જેની સામે એસટીની એસી સ્લીપર કોચમાં ભાડું માત્ર 754 રૂપિયા રાખવામાં આવ્યું છે. હાલમાં આ એક બસ શરૂ કરવામાં આવી છે જે દરરોજ સાંજે 7 કલાકે રાજકોટથી ઉપડશે.આગામી દિવસોમાં મુસાફરોના પ્રતિસાદને આધારે બસમાં વધારો કરવામાં આવશે.
ઇલેકટ્રિક બસમાં પણ કરાયો વધારો
એસટી વિભાગ દ્રારા ઇલેકટ્રિક બસની શરૂઆત કરવામાં આવી જેમાં રાજકોટથી જામનગર,મોરબી અને જુનાગઢ રૂટ માટે કુલ 63 જેટલી ટ્રિપ હાલમાં દૈનિક ઉપડી રહી છે જેમાં પણ મુસાફરોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.આ પ્રતિસાદને જોતા એસટી વિભાગ આમાં પણ વધારો કરે તેવી શક્યતા છે સાથે સાથે ટૂંકા રૂટની જેમ જ હવે લાંબા રૂટમાં પણ ઇલેકટ્રિક બસ શરૂ કરવામાં આવશે તેવો એસટી વિભાગે દાવો કર્યો છે.
એક તરફ રાજકોટમાં AC બસ શરુ કરવામાં આવી છે. ત્યાં બીજી તરફ મહીસાગર જિલ્લામાં ST ડેપો પાસે ડીઝલ ખૂટ્યું છે. લુણાવાડા ST ડેપોમાં ડીઝલના અભાવે મોટા ભાગના રૂટ રદ કરાયા છે.અહીં છેલ્લા 8 દિવસથી પેટ્રોલ પંપના નાણાં નથી ચૂકવાયા. જેથી પેટ્રોલ પંપ સંચાલકોએ એસ.ટી.ડેપોને ડીઝલ આપવાનો ઈનકાર કર્યો છે..ડીઝલ ન મળતા ST બસના પૈડા થંભી ગયા છે. લુણાવાડા ડેપોએ ગામડાના મોટાભાગના રૂટ બંધ કર્યા છે જેથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ-વડોદરા અને ગ્રામ્ય વિસ્તારના મોટાભાગના રૂટ રદ કરાયા છે.લુણાવાડા ડેપો પર મુસાફરોનો ધસારો વધ્યો છે