RAJKOT : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PHD મુદ્દે કુલપતિને NSUIએ આપ્યો નકલી ચલણી નોટનો હાર
કોઇપણ વિધાર્થી પીએચડીની પ્રવેશ પરીક્ષા આપે અને તે તેમાં ઉતીર્ણ થાય ત્યારબાદ ત્રણ વખત તે મેરીટ માન્ય રહે છે અને ત્યારબાદ આ મેરીટ માન્ય રહેતું નથી,તેમાં જો તેને પ્રવેશ ન મળે તો તેને ફરી પરીક્ષા આપવી પડે છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પીએચડીની પ્રવેશ પ્રક્રિયાને લઇને એનએસયુઆઇ દ્રારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.આજે એનએસયુઆઇના કાર્યકરોએ પ્રવેશ પ્રક્રિયાની પરીક્ષામાં ફેરફાર કરવાની માંગ સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો.એનએસયુઆઇની માંગ હતી કે યુનિવર્સિટી દ્રારા પ્રવેશ પરીક્ષાની મુદ્દત આજીવન કરવામાં આવે.યુનિવર્સિટી દ્રારા આ મુદ્દત ત્રણ વખત રાખવાને કારણે પીએચડી કરવા માંગતા વિધાર્થીઓને દર વખતે 500 રૂપિયા ફી ચૂકવવી પડે છે.
રૂપિયાની લાલચ હોવાથી યુનિવર્સિટી આ પ્રકારે વિધાર્થીઓના હિતમાં નિર્ણય લેતી નથી જેથી કુલપતિને નકલી ચલણી નોટનો હાર પહેરવવાનો પ્રયાસ કર્યો હતો જો કે હાર પહેરાવે તે પહેલા પોલીસે એનએસયુઆઇ પાસેથી હાર આંચકી લીધો હતો.
શું છે હાલનો નિયમ
કોઇપણ વિધાર્થી પીએચડીની પ્રવેશ પરીક્ષા આપે અને તે તેમાં ઉતીર્ણ થાય ત્યારબાદ ત્રણ વખત તે મેરીટ માન્ય રહે છે અને ત્યારબાદ આ મેરીટ માન્ય રહેતું નથી,તેમાં જો તેને પ્રવેશ ન મળે તો તેને ફરી પરીક્ષા આપવી પડે છે.વર્ષ 2018 સુધી આ પ્રવેશ પરીક્ષાનું મેરીટ આજીવન માન્ય ગણાતું હતુ પરંતુ વર્ષ 2019 બાદ યુજીસીની ગાઇડલાઇનમાં ફેરફાર આવ્યો અને હવે આ મેરીટ ત્રણ વખત માન્ય રહે છે..
યુજીસીના નિયમમાં ફેરફાર ન થઇ શકે-કુલપતિ
આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નિતીન પેથાણીએ કહ્યું હતુ કે યુજીસીની ગાઇડલાઇનનું પાલન કરવું દરેક યુનિવર્સિટીને ફરજીયાત છે.યુજીસીની ગાઇડ લાઇન પ્રમાણે પીએચડીની પ્રવેશ પરીક્ષા દર વર્ષે કરવું ફરજીયાત છે.જેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ દર વર્ષે વિધાર્થીઓને પીએચડીની પ્રવેશ પરીક્ષા આપવી ફરજીયાત કરી શકાય.
પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્યોએ વિધાર્થીઓના હિતમાં એક મેરીટ ત્રણ વખત ઉપયોગમાં લઇ શકાય તેવો કર્યો છે.એનએસયુઆઇની જે માંગ છે તેને સ્વીકારવા માટે યુનિવર્સિટીએ સિન્ડીકેટ બેઠકમાં નિર્ણય લેવો પડશે અને જો યુજીસીની ગાઇડલાઇનનું પાલન થતું હશે તો જ નિર્ણયમાં ફેરફાર થશે..
નિર્ણયમાં ફેરફાર નહિ થાય તો ઉગ્ર આંદોલન-NSUI
આ અંગે એનએસયુઆઇના પ્રમુખ રોહિતસિંહ રાજપૂતે કહ્યું હતુ કે વિધાર્થી સંગઠનો સામે કુલપતિ નિર્ણયનો ફેરફાર કરવાની વાત કરી રહ્યા છે જ્યારે મિડીયા સામે અલગ વાત કરી રહ્યા છે.રોહિતે આક્ષેપ કર્યો છે કે યુનિવર્સિટીના કુલપતિ સિન્ડીકેટની બેઠક દ્રારા લેવાયેલા નિર્ણયથી ઉપરવટ જઇને ત્રણ વખત મેરીટ માન્ય રહેશે તેવો નિર્ણય લઇ રહ્યા છે જે અયોગ્ય છે આ અંગે ફેરવિચારણા કરીને વિધાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે..