RAJKOT : કથિત માટી કૌંભાડના ચુકાદા પહેલા ભાજપના નેતાએ કોંગ્રેસનું ષડયંત્ર ગણાવ્યું, ક્લીનચીટની તૈયારી?
Saurashtra University Soil Scam : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટી કૌંભાડમાં ચુકાદો આવે તે પહેલા જ ભાજપના નેતા અને સિન્ડીકેટ સભ્ય નેહલ શુક્લએ પૂર્વ રજીસ્ટ્રાર જતીન સોનીને ક્લીનચીટ આપી દીધી હોય તેવો ઘાટ જોવા મળ્યો.
RAJKOT : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આવતીકાલની મળનાર સિન્ડીકેટની બેઠકમાં કથિત માટી કૌંભાડને લઇને ચુકાદો આવશે.આવતીકાલે 25 ઓગષ્ટે યુનિવર્સિટીના કુલપતિ ડો.નિતીન પેથાણી માટી કૌંભાડને તપાસ કમિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા બે અલગ અલગ રિપોર્ટ રજૂ કરવામાં આવશે અને સિન્ડીકેટ સભ્યો આ અંગે બહુમતીથી પોતાનો ચુકાદો સંભળાવશે.
ચુકાદા પહેલા કલીનચીટ? જો કે ચુકાદો આવે તે પહેલા જ ભાજપના નેતા અને સિન્ડીકેટ સભ્ય નેહલ શુક્લએ પૂર્વ રજીસ્ટ્રાર જતીન સોનીને ક્લીનચીટ આપી દીધી હોય તેવો ઘાટ જોવા મળ્યો. નેહલ શુક્લએ પોતાના નિવેદનમાં કહ્યું હતુ કે યુનિવર્સિટીનું માટી કામ માત્ર 1 લાખ 98 હજાર રૂપિયાનું થયું છે અને કોંગ્રેસે રાજકીય કિન્નાખોરી રાખીને આ કામમાં કૌંભાડ થયું હોવાનો મુદ્દો બનાવ્યો છે. વાસ્તવમાં કૌંભાડ લાગતું નથી આ અંગે તપાસ સમિતીનો જે રિપોર્ટ આવશે તેના આધારે આવતીકાલે નિર્ણય લેવામાં આવશે.
કાર નંબર અને ફેરાના રેકોર્ડમાં વિસંગતતા માનવીય ભૂલ-નેહલ શુક્લ નેહલ શુક્લએ વધુમાં કહ્યું હતુ કે યુનિવર્સિટીમાં માટીનું જેટલું કામ થયું છે તેમાં સીધી રીતે કૌંભાડની કોઇ શંકા જતી નથી. તેમણે ટ્રેકટરના નંબરની જગ્યાએ કારના નંબર અને ફેરામાં આવેલી વિસંગતતા માત્ર માનવીય ભુલ હોવાનો દાવો કર્યો હતો. નેહલ શુક્લ એ કહ્યું કે આ અંગે યોગ્ય તપાસ થાય તે માટે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે અને પાંચ સભ્યોની ટીમનો જે ચુકાદો હશે તે બહુમતીથી સ્વીકારવામાં આવશે અને ત્યારબાદ સિન્ડીકેટ આ અંગે નિર્ણય લેશે.
કમિટીના સભ્ય હરદેવસિંહે અલગ રિપોર્ટ રજૂ કર્યો છે કથિત માટી કૌંભાડમાં પાંચ સભ્યોની તપાસ કમિટીમાં સિન્ડીકેટ સભ્ય હરદેવસિંહ જાડેજા પણ હતા. તપાસ સમિતીનો રિપોર્ટ તૈયાર કરવા માટે મળેલી બેઠકમાં ગેરહાજર હોવા છતા તપાસ કમિટીના સભ્ય ભાવિન કોઠારીની સહી અગાઉથી જ હતી જેથી હરદેવસિંહે આક્ષેપ કર્યો હતો કે રિપોર્ટ પહેલાથી જ નક્કી કરાયેલો હતો જેથી હરદેવસિંહ જાડેજાએ પોતાનો અલગ રિપોર્ટ રજૂ કર્યો છે.ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ કહ્યું હતુ કે આ રિપોર્ટ પણ સિન્ડીકેટની બેઠકમાં રજૂ કરવામાં આવશે.
જતીન સોનીને મળશે ક્લીનચીટ? તપાસ સમિતી દ્વારા જે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે તેમાં જતીન સોનીને ક્લીનચીટ મળે તેવી પૂરેપુરી શક્યતા છે. જો કે તપાસ કમિટીનો રિપોર્ટ આવે તે પહેલા જતીન સોનીએ રજીસ્ટ્રાર પદનો ચાર્જ છોડાવીને યુનિવર્સિટીના સત્તાધીશો દ્રારા ડેમેજ કન્ટ્રોલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.આવતીકાલે જે રિપોર્ટ આવે તેની રાહ જોવાઇ રહી છે ત્યારે શું રિપોર્ટ આવે છે તેના પર સૌની નજર રહેલી છે.
આ પણ વાંચો : RAJKOT : ફરાળી પેટીશના નામે થઇ રહ્યા છે લોકોની આસ્થા સાથે ચેડા,આ લોટનો થતો હતો ઉપયોગ