Breaking News: રાજકોટમાં ₹2,500 કરોડનું મેગા કૌભાંડ ! ખાનગી બેંકોના 3 મોટા અધિકારીઓની ધરપકડ

રાજકોટમાં ₹2,500 કરોડના મોટા સાયબર કૌભાંડનો પર્દાફાશ થયો છે. આમાં ચોંકાવનારી વાત એ છે કે, યસ બેંક, એક્સિસ બેંક અને એચડીએફસી જેવી જાણીતી ખાનગી બેંકોના અધિકારીઓ જ આ છેતરપિંડીમાં જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે.

Breaking News: રાજકોટમાં ₹2,500 કરોડનું મેગા કૌભાંડ ! ખાનગી બેંકોના 3 મોટા અધિકારીઓની ધરપકડ
| Updated on: Apr 21, 2026 | 8:32 PM

બેન્કિંગ સિસ્ટમની સુરક્ષામાં ગાબડું પાડીને કરોડોનો ચૂનો લગાવનારા એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. ગુજરાતના રાજકોટમાં સામે આવેલા ₹2,500 કરોડના આ મેગા સાયબર ફ્રોડમાં અત્યાર સુધીની સૌથી ચોંકાવનારી કાર્યવાહી થઈ છે. પોલીસે ત્રણ દિગ્ગજ ખાનગી બેંક યસ બેંક (Yes Bank), એક્સિસ બેંક (Axis Bank) અને એચડીએફસી બેંક (HDFC Bank) ના અધિકારીઓની ધરપકડ કરી છે. તેમના પર આરોપ છે કે, તેમણે પોતાના પદનો દુરુપયોગ કરીને છેતરપિંડી કરનારાઓ માટે રસ્તો સાફ કર્યો અને કરોડોની હેરાફેરીમાં મદદ કરી. આ હાઈ-પ્રોફાઈલ કેસમાં અત્યાર સુધીમાં કુલ 20 ધરપકડ થઈ ચૂકી છે.

કેવી રીતે બેંકના ‘રક્ષક’ જ બન્યા ‘ભક્ષક’?

રાજકોટ (ગ્રામ્ય) પોલીસ અધિક્ષક વિજય ગુર્જરે સોમવારે જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલા બેંક અધિકારીઓની ઓળખ મૌલિક કમાણી (યસ બેંક), કલ્પેશ ડાંગરિયા (એક્સિસ બેંક) અને અનુરાગ બલધા (એચડીએફસી બેંક) તરીકે થઈ છે. તપાસમાં બહાર આવ્યું છે કે, આ અધિકારીઓ ગેંગના સક્રિય સભ્યોની જેમ કામ કરી રહ્યા હતા.

  • એલર્ટને અવગણ્યા: યસ બેંકના પર્સનલ મેનેજર મૌલિક કમાણી પર આરોપ છે કે, તેણે માત્ર શંકાસ્પદ ખાતા જ નહોતા ખોલાવ્યા પરંતુ જ્યારે હાઈ-વેલ્યુ ટ્રાન્ઝેક્શન પર બેંકની સિસ્ટમે ‘રેડ ફ્લેગ’ અથવા એલર્ટ જાહેર કર્યું, ત્યારે નકલી દસ્તાવેજો રજૂ કરીને તે ખાતા ચાલુ રખાવ્યા હતા.
  • હવાલા અને નકલી દસ્તાવેજો: કલ્પેશ ડાંગરિયાએ નકલી ઓળખપત્રો અને APMC (ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ) ને લગતા બોગસ કાગળો તૈયાર કરાવ્યા હતા, જેથી મોટા વ્યવહારોને વેપારી વ્યવહાર તરીકે દર્શાવી શકાય તેમજ તે તપાસના દાયરામાં ન આવે. બીજી તરફ, અનુરાગ બલધાએ યોગ્ય તપાસ કર્યા વગર નવા ખાતા ખોલવામાં ગેંગને મદદ કરી હતી.

85 ખાતા અને 535 ફરિયાદ

પીટીઆઈના અહેવાલ મુજબ, પોલીસ તપાસમાં અત્યાર સુધીમાં 85 શંકાસ્પદ બેંક ખાતાઓ મળી આવ્યા છે, જેના દ્વારા ₹2,500 કરોડનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું. શરૂઆતી તપાસમાં આ આંકડો ₹1,500 કરોડ હોવાનો અંદાજ હતો પરંતુ જેમ જેમ તપાસ આગળ વધી તેમ તેમ કૌભાંડની પોલ ખુલતી ગઈ. સાયબર ક્રાઈમ પોર્ટલ પર આ ગેંગ વિરુદ્ધ અત્યાર સુધીમાં 535 ફરિયાદ નોંધાઈ ચૂકી છે.

નામ હોદ્દો અને બેંક મુખ્ય આરોપો
મૌલિક કામાણી પર્સનલ મેનેજર, યસ બેંક (પડધરી) શંકાસ્પદ ખાતાઓનું સંચાલન, બેંકિંગ એલર્ટ બાયપાસ કરવા અને હવાલા વ્યવહાર
કલ્પેશ ડાંગરિયા મેનેજર, એક્સિસ બેંક (જામનગર) નકલી ઓળખપત્ર અને APMC દસ્તાવેજો દ્વારા ખાતા ખોલાવવા
અનુરાગ બલધા પર્સનલ બેંકર, HDFC બેંક (રાજકોટ) યોગ્ય ચકાસણી વગર ગેંગ માટે નવા ખાતા ખોલવા અને પ્રમાણિત કરવા

હવાલા કનેક્શનની તપાસ ચાલુ

પોલીસના જણાવ્યા અનુસાર, આ આખી રમતમાં ઉપાડવામાં આવેલી રોકડ ‘હવાલા’ મારફતે સગેવગે કરવામાં આવી છે. પોલીસને ધરપકડ કરાયેલા અધિકારીઓના મોબાઈલ ફોનમાંથી ઘણા ડિજિટલ પુરાવા મળ્યા છે, જે સીધી રીતે આ કૌભાંડમાં તેમની સંડોવણીની પુષ્ટિ કરે છે. હાલમાં આ ત્રણેય પોલીસ કસ્ટડીમાં છે, જ્યારે ગેંગના અન્ય 17 સભ્ય ન્યાયિક કસ્ટડી (જેલ) માં મોકલી દેવામાં આવ્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, શું આ રેકેટના તાર અન્ય રાજ્યો કે આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે પણ જોડાયેલા છે કે કેમ?

શું તમારા પૈસા સુરક્ષિત છે?

આ ઘટનાને જોતાં જ લાગે છે કે, જ્યારે બેંકોની અંદર બેઠેલા જવાબદાર અધિકારીઓ જ સિસ્ટમમાં ગાબડું પાડવા લાગે, ત્યારે સામાન્ય માણસની ચિંતા વધવી સ્વાભાવિક છે. આ કૌભાંડે બેન્કિંગ સેક્ટરના ‘ઇન્ટરનલ કંટ્રોલ’ અને ‘કેવાયસી (KYC)’ સુરક્ષા ચક્રની પોલ ખોલી દીધી છે. સામાન્ય રીતે બેંકો નાના ટ્રાન્ઝેક્શન પર પણ ગ્રાહકોને સવાલ પૂછે છે પરંતુ અહીં અધિકારીઓએ પોતે જ નકલી દસ્તાવેજોને પ્રમાણિત કરીને સિસ્ટમને અંધારામાં રાખી હતી.

નિષ્ણાતોનું માનવું છે કે, જ્યાં સુધી બેંકોની અંદર ‘ઇનસાઇડર થ્રેટ’ (અંદરનો ખતરો) રોકવા માટે કડક ઓડિટ નહીં થાય, ત્યાં સુધી ગ્રાહકોનો ભરોસો અને મહેનતની કમાણી બંને જોખમમાં રહેશે. આ કિસ્સો એક ચેતવણી છે કે, હવે માત્ર સાયબર ઠગથી જ નહીં પરંતુ સિસ્ટમની અંદર છુપાયેલા મદદગારોથી પણ સાવધ રહેવાની જરૂર છે.

યુદ્ધના નામે ખેલાતી અબજો ડોલરની રમત ! તેલનો ભાવ વધે છે, ત્યારે કોણ પોતાની તિજોરી ભરે છે?

Follow Us