Viral video: પાકિસ્તાનની જેલમાં કેદ ગુજરાતી માછીમારોએ કર્યાં ગરબા, માછીમારોના ગરબાનો વીડિયો થયો વાયરલ
અનેક હાડમારીઓ વચ્ચે કેદી જીવન વિતાવતા માછીમારોએ આ થોડાક હળવાશના સમયમાં ગરબા રમીને જીવનની થોડી પળો માણી હોય તેવી હળવાશ અને આનંદ તેમના ચહેરા પર જોવા મળતો હતો.

કહેવાય છે કે ગુજરાતી ગમે ત્યાં જાય તે પોતાનું લોકનૃત્ય ગરબા નથી ભૂલતો. તેમાંય જો ઘરમાં કે બહાર ખુશીનો પ્રસંગ હોય તો ગુજરાતીઓ અચૂક ગરબા કરવાનો આનંદ માણી લે છે. જોકે હાલમાં જે વીડિયો વાયરલ થયો છે તેમાં પાકિસ્તાનની જેલમાં કેદ ગુજરાતી માછીમારો પણ જેલના કોઈ કાર્યક્રમમાં ગરબા કરતા હોય તેવો વીડિયો જોવા મળ્યો હતો.
પાકિસ્તાન જેલમાં ગુજરાતીઓના ગરબા
આમ તો માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધક હોય છે તો તેવી પરિસ્થિતિમાં આમ તો તેમનું જીવન મહામુશ્કેલીથી પસાર થતા હોય છે. જોકે આવી કપરી પરિસ્થિતિ વચ્ચે જેલના કોઈ કાર્યક્રમમાં માછીમારી યુવકોએ ગરબા કર્યાં હતા અને તેઓ ખુશખુશાલ જોવા મળતા હતા. આ કાર્યક્રમને જોવા પાકિસ્તાનની જેલના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. વીડિયોમાં અન્ય કેદીઓ પણ જોવા મળી રહ્યા છે જેઓ આ ગરબાને જોઈ રહ્યા છે.
કેદી માછીમારોએ હોશે હોશે ગરબા કર્યાં
વીડિયોમાં જોવા મળી રહ્યું છે તે અનેક હાડમારીઓ વચ્ચે કેદી જીવન વિતાવતા માછીમારોએ આ થોડાક હળવાશના સમયમાં ગરબા રમીને જીવનની થોડી પળો માણી હોય તેવી હળવાશ અને આનંદ તેમના ચહેરા પર જોવા મળતો હતો. તેઓ આનંદિત થઈને ગુજરાતી લોક ગાયિકાના ગાયેલા ગીત સાથે ગરબા રમી રહ્યા હતા.
ગુજરાતના 560 માછીમારો જેલમાં કેદ
બે વર્ષમાં પાકિસ્તાને ગુજરાતના કુલ 274 માછીમારોની ધરપકડ કરી છે. માછીમારી કરવા માટે દરિયામાં જતા માછીમારો જળસીમામાં પાકિસ્તાનની બોર્ડર તરફ જતા રહેતા હોય છે ત્યારે પાકિસ્તાન દ્વારા આ માછીમારોને બંધક બનાવી લેવામાં આવે છે.
પાકિસ્તાન જેલમાં બંધક ગુજરાતી માછીમારો ગરબા રમતા મોબાઈલ કેમેરામાં કેદ, ખુશ જોવા મળ્યા #Garba #pakistanjail #TV9News #fishermen pic.twitter.com/LilWEcg2gY
— Tv9 Gujarati (@tv9gujarati) March 17, 2023
હાલ ગાંધીનગર ખાતે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે વિધાનસભા ગૃહમાં વિવિધ પ્રશ્નોની ચર્ચા ની સાથે સાથે માછીમારો અંગે ચર્ચા થઈ હતી. જેમાં સરકારે સ્વીકાર કર્યો હતો કે રાજ્યના 560 માછીમારો પાકિસ્તાન જેલમાં બંધક છે. પાકિસ્તાનના કબ્જામાં આજે પણ 1200 બોટ છે. તથા છેલ્લા બે વર્ષના આંકડા ઉપર નજર કરીએ તો પાકિસ્તાને વર્ષ 2021માં કુલ 193 માછીમારોની ધરપકડ કરી હતી.
વર્ષ 2022માં કુલ 81 માછીમારોની ધરપકડ કરી હતી. બે વર્ષમાં પાકિસ્તાને ગુજરાતના કુલ 274 માછીમારોની ધરપકડ કરી છે. માછીમારી કરવા માટે દરિયામાં જતા માછીમારો જળસીમામાં પાકિસ્તાનની બોર્ડર તરફ જતા રહેતા હોય છે ત્યારે પાકિસ્તાન દ્વારા આ માછીમારોને બંધક બનાવી લેવામાં આવે છે અને ગોંધી રાખવામાં આવે છે.
પાકિસ્તાન જળસીમામાંથી જ્યારે માછીમારોને પકડી લેવામાં આવે છે ત્યારે તેઓની બોટ પણ જપ્ત થઈ જતા માછીમારોને આર્થિક નુકસાન પણ પહોંચે છે અને વર્ષો સુધી તેમને છોડવામાં ન આવતા માછીમારો અને તેમના પરિવારનું જીવન બરબાદ થઈ જાય છે.