માનવામાં આવી રહ્યું છે કે પોરબંદરને ડીપ સી પાઈપલાઈન પ્રોજેક્ટથી સૌથી વધુ અસર થઇ શકે છે કારણ કે પ્રદૂષિત પાણી પોરબંદરના દરિયામાં જ ઠાલવવામાં આવશે. જેના કારણે હાલ પોરબંદરના માછીમાર ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોમાં ડર વ્યાપી ગયો છે અને ચિંતા પણ છે. જો દરિયામાં પ્રદૂષણ વધશે તો પછી માછલીઓ મૃત્યુ પામશે અને માછીમારોની આવક ઓછી થઇ જશે. માત્ર માછીમારી જ નહીં પરંતુ માછીમારી ઉદ્યોગની સાથે સાથે ચાલતું આખું અર્થતંત્ર પણ પડી ભાંગશે.
ડીપ સી પાઇપલાઇન પ્રોજેકટનો પોરબંદરમાં સૌથી વધુ વિરોધ થઈ રહ્યો છે. માછીમારોએ ભીતિ વ્યક્ત કરી છે કે સમુદ્રમાં પ્રદૂષિત પાણી ઠલવાશે તો માછીમીર ઉદ્યોગને વ્યાપક પ્રમાણમાં નુકસાન જશે. ડીપ સી પાઈપલાઈન પ્રોજેક્ટથી લાખો માછલાના મોત થઈ શકે છે. જેતપુરમાં હાલ 4500 જેટલા ડાઈંગ ઉદ્યોગો ધમધમે છે. આથી રોજનું 8 લાખ કરોડ લીટર કેમિકલયુક્ત પાણી સમુદ્રમાં છોડવાનો આ પ્રોજેક્ટ છે. જેમા જેતપુરથી પોરબંદરના ઘેડ પંથકના ગામોમાંથી 110 કિમી લાંબી પાઈપલાઈન નાખવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ 7010 કરોડ કરતા વધુનો ખર્ચ થવાનુ અનુમાન છે.
માછીમારો માછલીઓ પકડીને તેમનું ગુજરાન ચલાવે છે. આ મોંઘવારી અને કપરી સ્થિતિમાં પણ આ માછીમારીના ઉદ્યોગથી જ હજારો લોકો પોતાનું પરિવાર ચલાવે છે. જો કે જેતપુરથી જે કેમિકલ યુક્ત પાણી દરિયામાં છોડાશે તો આ લોકોને મોટો ફટકો પડશે. પોરબંદરનું અર્થતંત્ર માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલું છે અને બીજા ઉદ્યોગ પણ માછીમારોના ઉદ્યોગ સાથે જોડાયેલા છે.ત્યારે જો માછીમારી પર સંકટ આવશે તો અન્ય ઉદ્યોગ પણ પડી ભાંગશે.
પોરબંદરના અનેક અગ્રણીઓએ આ પ્રોજેક્ટ સામે વિરોધ વ્યક્ત કર્યો છે. સરકારમાં અનેક રજૂઆત પણ કરી છે. જો કે હજુ સુધી તો સરકાર આ પ્રોજેક્ટ પર મક્કમ છે.સરકારને હાલ તો આ વિરોધ પ્રદર્શનની કોઇ અસર થઇ રહી નથી. સરકાર પોતાના પ્રોજેક્ટ પર જ મક્કમ છે. ત્યારે હવે આગામી દિવસોમાં આ મુદ્દે વિરોધ હજુ પણ આક્રમક થઇ શકે છે.
Input Credit- Hitesh Thakrar- Porbandar
Published On - 8:25 pm, Sun, 29 December 24