Porbandar: માધવપુરમાં 1 ઇંચ વરસાદમાં જ બજારોમાં ભરાયાં પાણી, જુઓ વીડિયો
પોરબંદરમાં (Heavy rain) ભારે વરસાદને પગલે માધવપુરના બજારોમાં પાણી ભરાયા હતા. જોકે વરસાદને કારણે ઠંડક વ્યાપી જતા લોકોએ રાહત અનુભવી હતી.
પોરબંદર (Porbandar) શહેર સહિત જિલ્લામાં અનેક જગ્યાઓ પર મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. પોરબંદરના ઘેડ અને માધવપુર (Madhavpur)ગામમાં 1 ઈંચથી વધુ વરસાદ (Rain)ખાબકયો છે. માધવપુરની બજારોમાં ભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.માધપુરની બજારોમાં ઘૂંટણસમા પાણી ભરાતા વેપારીઓ અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. માધવપુર સહિત ગરેજ અને ચિકાસામાં પણ વાવણીલાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. તો બાળકોએ વરસાદમાં પલળવાનો આનંદ માણ્યો હતો.
નોંધનીય છે કે ગત રોજ પોરબંદર શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અરબી સમુદ્રના મોજા તોફાની બન્યા હતા તેમજ સમુદ્રમાં કરંટ જોવા મળ્યો હતો. પોરબંદર શહેરના વાતાવરણમાં પલટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જે બાદ સમુદ્રમાં કરંટ જોવા મળ્યો હતો. ભારે વરસાદ અને પવન પછી અરબી સમુદ્રના મોજા તોફાની બન્યા છે. મહત્વનું છે કે, ઉંચા મોજા અને કરંટ સાથે પાણીનો રંગ બદલાયો હતો.
અષાઢી બીજથી રાજ્યભરમાં અને ખાસ તો સૌરાષ્ટ્રમાં મેઘરાજા ભરપૂર વરસી રહ્યા છે. ત્યારે લાંબા સમયના વિરામ બાદ વરસાદ વરસતા પોરબંદરવાસીઓ ખુશ થઈ ગયા હતા.રાજ્યમાં ચોમાસું જામ્યું છે. સમગ્ર રાજ્યમાં સામાન્યથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને મેઘરાજાએ ઘમરોળી દીધું છે. તો હવામાન વિભાગે ( Department of Meteorology) હજુ પણ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. ત્યારે રાજ્યમાં વરસાદી વાતાવરણ વચ્ચે NDRFની તહેનાત કરવામાં આવી છે.મહત્વનું છે કે, અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 4 ઈંચ વરસાદ થયો છે. રાજ્યમાં હજુ પણ 34 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં પણ મોટા ભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.