બાપુના જન્મસ્થળ નજીક આયોજિત માધવપુર ઘેડ મેળાનું ઉદ્ઘાટન કરવું એ મારું સૌભાગ્ય છે : રામનાથ કોવિંદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra patel) પ્રધાનમંત્રી મોદીના 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ના સંકલ્પને મેળાથી સાકાર કરવાની જે નવી દિશા મળી છે તેનો હર્ષ વ્યક્ત કરી રાષ્ટ્રપતિ અને મેઘાલય તથા સિક્કિમના મુખ્યમંત્રીઓ તેમજ કલાકારોને આવકાર્યા હતા.
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ramnath Kovind) સૌરાષ્ટ્રના પોરબંદર (Porbandar)ખાતે સુવિખ્યાત માધવપુર મેળાનો (Madhavpur Fair) પ્રારંભ કરાવતા આ મેળાને ભારતની પ્રાચીન સાંસ્કૃતિક ધરોહર, અનેકતામાં એકતા અને સમરસતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે તેમ જણાવ્યું હતું. રાષ્ટ્રપતિએ રામ નવમીના પાવન પર્વની શુભકામના પાઠવતાં જણાવ્યું કે, ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિ દ્વારકા અને રુકમણીજીની ભૂમિ ઉત્તરપૂર્વીય ભારતના અનુબંધનને શ્રદ્ધા, આસ્થા અને પ્રેમના પ્રતિક તરીકે ઉજાગર કરતો આ મેળો માનવજીવનમાં એકતાનો જન સંવાદ અને ઉત્સવો તહેવારો સાથે નવા વિચારોની પણ એક આગવી મશાલ બન્યો છે.
રાષ્ટ્રપતિએ આ મેળાના ભવ્ય આયોજન માટે કેન્દ્ર અને ગુજરાત સરકારને બિરદાવ્યા હતા. તેમણે જણાવ્યું કે મહાત્મા ગાંધીએ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના આદર્શો પર આધુનિક ભારતમાં રામ રાજ્યની સ્થાપનાની આશા રાખી હતી. રાષ્ટ્રપતિ કોવિંદે જણાવ્યું કે, શ્રીકૃષ્ણના જીવન સાથે સંકળાયેલા ગામમાં અને બાપુના જન્મસ્થળ એવા પોરબંદર નજીક આયોજિત માધવપુર ઘેડ મેળાનું ઉદ્ઘાટન કરવું એ તેમના માટે સૌભાગ્યની વાત છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra patel) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પને મેળાથી સાકાર કરવાની જે નવી દિશા મળી છે તેનો હર્ષ વ્યક્ત કરી રાષ્ટ્રપતિ અને મેઘાલય તથા સિક્કિમના મુખ્યમંત્રીઓ તેમજ કલાકારોને ગુજરાતની ધરતી પર આવકાર્યા હતા. મુખ્યમંત્રીએ માધવપુરના આ મેળાને હવેથી દર વર્ષે કેન્દ્ર અને ગુજરાત સરકારના સહયોગથી રાષ્ટ્રીયકક્ષાના મેળા તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આપણી સામાજિક એકતા અને આર્થિક ઉન્નતિ માટે આવા મેળાઓનું વ્યાપક ફલક પર આયોજન આઝાદી ના અમૃત વર્ષે દેશને આત્મ નિર્ભરતા તરફ લઈ જશે.
પોરબંદર જિલ્લામાં આવેલુ માધવપુરનુ સ્થળ ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલુ ઐતિહાસિક સ્થળ છે. શ્રીકૃષ્ણ-રૂકમણીના પવિત્ર લગ્ન બંધનનું સાક્ષી રહેલા આ સ્થળે આવતા યાત્રીકો ધન્યતા અનુભવતા હોય છે. શ્રીકૃષ્ણની યાત્રા અને એમના જીવનમાંથી એક ભારતની પ્રેરણા મળે છે. તેમની પ્રેરણા માધવપુરના માંડવે અનુભવાય છે. રૂકમણી સાથે કૃષ્ણનો મિલાપ એ પશ્રિમ અને ઉત્તર-પૂર્વના રાજ્યોને જોડવાનો અનેરો પ્રસંગ છે.
આ પણ વાંચો :Junagadh : રામનવમીએ ભવ્ય શોભાયાત્રાની નીકળી, રામ મંદિરની પ્રતિકૃતિ સાથેનો રથ આકર્ષણનું કેન્દ્ર