ગુજરાતમાં (Gujarat) છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસમાં (Corona case) વધારો થઇ રહ્યો છે. છેલ્લા પાંચ દિવસના આંકડાઓ પર નજર કરીએ તો કોરોનાના કેસ વધી રહ્યા છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. છેલ્લા પાંચ દિવસોમાં કોરોનાના કેસમાં ધીમી ગતીથી થતો વધારો ચિંતાનું કારણ છે. બીજી તરફ અલગ અલગ જિલ્લાનું તંત્ર પણ કોરોનાને પગલે એલર્ટ મોડ પર આવી ગયુ છે. પંચમહાલ (Panchmahal) જિલ્લામાં આમ તો હાલમાં કોઇ કોરોના કેસ નથી પરંતુ વર્તમાન સમયમાં ગુજરાતમાં વધતા કોરોના કેસને ધ્યાને લઇને ગોધરા તાલુકામાં મંગળવારે કોરોના વેક્સીનેશન (Corona vaccination) માટે એક કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં 250 જેટલા લોકોએ કોરોના વેક્સીનનો પહેલો અને બીજો ડોઝ લીધો હતો.
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કાંકણપુરમાં રસીકરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સર્વોદય ચેરીટેબલ સંચાલિત જે.એલ.કોટેચા આર્ટસ અને એસ.એચ.ગાર્ડી કોમર્સ કોલેજમાં એન.એસ.એસ યુનિટ અને સી.ડબલ્યુ ડી.સી તેમજ રોટરી ક્લબના સહયોગથી કોવીડ રસીકરણ શિબિરનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં નંદીસર આરોગ્ય કેન્દ્રના ડો. હેમરાજની ટીમ હાજર રહીને આસપાસના ગ્રામજનોને પહેલા અને બીજા ડોઝનુ રસીકરણ કરવામા આવ્યુ હતુ. જેમા 250 જેટલા લોકોને રસી મુકવામા આવી હતી.
કોલેજ દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કાકણપુર,શિવપુરી, ટુવા, રામપુરા,મોર્યા,પઢીયાર, લાકોડના મુવાડા, વેગનપુર અને આજુબાજુના ગામલોકોએ રસીકરણ કેમ્પનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં રોટરી ક્લબના પ્રમુખ અપૂર્વ પાઠક, આસિ ગર્વનર ઉદય વેંદાતી, અરવિંદસિંહ બારીયા, સમીર પરીખ લાયબ્રેરીયન જે.પી બારીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના એન.એસ.એસ વિભાગના કો.ઓર્ડીનેટર ડો.એન.એચ.પટેલે માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ. સી ડબલ્યુસીના ડો. ઉષાબેન પટેલ એન.એસ.એસ પોગ્રામ ઓફીસર ડો.મહેશ રાઠવા કોલેજના આચાર્ય જે.એન.શાસ્ત્રી હાજર રહ્યા હતા. રસી મુકાવનારાઓને પ્રોત્સાહક ઈનામ આપવામા આવ્યા હતા. કોલેજતંત્ર દ્વારા આરોગ્ય ટીમનો પણ આભાર માનવામા આવ્યો હતો.
ગુજરાતના કોરોનાના કેસ પર નજર કરીએ તો 07 જૂન 2022ના રોજ કોરોનાના નવા 72 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 44 ,સુરત 07, વડોદરા 07, રાજકોટ 04, ગાંધીનગરમાં 01, અરવલ્લી 01,વલસાડ 02, આણંદ 01, બનાસકાંઠા 01, ગીર સોમનાથ 01, મહેસાણા 01, સાબરકાંઠા 01 કેસ નોંધાયો છે. જયારે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 363 થવા પામી છે. તેમજ કોરોના રિકવરી રેટ 99.09 ટકા થયો છે. જ્યારે 53 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.