Panchmahal: સરકારી ચોપડે “નલ સે જલ ” યોજનાના અનેક જોડાણ, પણ વાસ્તવિકતા કઈંક અલગ, તંત્રએ કહ્યુ કોઇ ફરિયાદ નહીં
પંચમહાલના (Panchmahal) મોરવા હડફનું પરબીયા ગામ જ્યાં માત્ર 1500ની વસ્તી વસે છે અને અહીં સરકાર દ્વારા 69 લાખ જેટલી માતબર રકમ નલસે જલ યોજના માટે ફાળવીને ગામના ઘર સુધી પાણી પહોંચાડવાનું નક્કી કરાયું છે.
સરકારની ઘર ઘર સુધી પાણી નળ દ્વારા પહોંચાડવાની યોજના “નલ સે જલ ” (Nal Se Jal Yojana) સાચા અર્થમાં ગરીબ અને ગામડાઓના લોકો માટે આશીર્વાદ સ્વરૂપ પુરવાર થઇ શકે એમ છે પરંતુ સરકારની યોજનાઓમાંથી કટકી કાઢી ખાવાની ખોટી દાનત ધરાવતા કોન્ટ્રાકટર અને તેઓની સાથે સ્થાનિક નેતાઓની મિલી ભગતને લઇને આ યોજના નિષ્ફળ જાય એમ લાગી રહ્યું છે. જેનો દાખલો પંચમહાલના (Panchmahal) મોરવા હડફ (Morwa Hadaf) તાલુકાના ગામોમાં જોવા મળે છે. સરકારી ચોપડે નલ સે જલ યોજનાના અનેક કનેક્શન નોંધાયેલા છે. પરંતુ તેની વાસ્તવિકતા કઇક અલગ છે.
કોન્ટ્રાક્ટર અને સ્થાનિક નેતાઓની મિલીભગતનો જીવતો જાગતો દાખલો પંચમહાલના મોરવા હડફ તાલુકાના ગામોમાં જોવા મળે છે, મોરવા હડફ તાલુકાની વાત કરીએ તો હાલ મોરવા હડફ તાલુકામાં નલ સે જલ યોજના હેઠળ 45000 કુટુંબોને નળ કનેક્શન આપવાના છે. જે પૈકી સરકારી ચોપડે 23ગામોમાં કામો પૂર્ણ થયેલુ છે અને 14022 કુટુંબોને નળ કનેકશન મળી ગયા છે, 32 ગામોમાં હજુ કામગીરી ચાલી રહી છે.
મોરવા હડફનું પરબીયા ગામ જ્યાં માત્ર 1500ની વસ્તી વસે છે અને અહીં સરકાર દ્વારા 69 લાખ જેટલી માતબર રકમ નલસે જલ યોજના માટે ફાળવીને ગામના ઘર સુધી પાણી પહોંચાડવાનું નક્કી કરાયું છે. આ બાબતનો કોન્ટ્રાકટ કોઈ ઉત્તર ગુજરાતના વ્યક્તિને આપી દેવાયો છે, જોકે ગામના સરપંચ મહિલા છે અને વહીવટ તેઓના પતિ કરે છે. આ જ વાતનો લાભ કોન્ટ્રાકટર્સે ઉઠાવ્યો છે. કોન્ટ્રાકટર્સ સરપંચના પતિ કશુ જાણતા નથી એમ કહી છટકવાની રાહમાં છે.
સ્થળ પર જયારે જોતા અહીં ઠેર ઠેર ખાડા ખોદેલા છે પણ ક્યાંક પાઇપ નાખેલી નથી, તો ક્યાંક પાઇપ દબાવ્યા વગર ખાડા પુરી દેવાયા છે. ગામ લોકો કહી રહ્યા છે કે કાળ ઝાળ ઉનાળાની ગરમીમાં નદી નાળા અને કુંવાઓ અને હેન્ડ પમ્પ સૂકાઈ ચુક્યા છે. ત્યારે આવા સમયે નલ સે જલ યોજના આશીર્વાદ રૂપ થઇ શકે એમ હતી પણ કટકી બાજ કોન્ટ્રાકટરોના લીધે અને સ્થાનિક નેતાઓની કમિશન ખોરીના કારણે ગામડામાં નલ સે જલનું પાણી પહોંચે એવી સ્થિતિ રહી નથી.
આ મામલે મોરવા હડફના ટીડીઓ આર. કે રાઠવા બધું બરાબર હોવાની વાત કરે છે અને કામમાં કોઈ ફરિયાદ ઓફિસ સુધી આવી નથી એમ કહી રહ્યા છે. ત્યારે જો વાડ જ ચીભડાં ગળે તો ફરિયાદ કોને કરવી એવો ઘાટ થયો છે અને મોરવા હડફના અંતરીયાળ ગામોમાં આ યોજના સુચારુ રૂપે લાગુ થાય એ માટે કોઈ મોટી તપાસ ઉચ્ચ સ્તરે થાય એ જરૂરી થઇ ગયું છે.