Narmada: આ તે કેવી વિવશતા, ઝરવાણીમાં રસ્તાના અભાવે ગર્ભવતી મહિલાને સ્ટ્રેચર પર ઉપાડી પાણીમાંથી લઈ ગયા
આ દ્રશ્યોમાં પીડા છે અને વર્ષો જૂની મુશ્કેલી છે તો સ્થાનિકો મદદની આશા પણ સેવી રહ્યા છે. જે વીડિયો વાયરલ થયો છે તેમાં એક વીડિયોમાં એક ગર્ભવતી મહિલાને પરિવારજનોએ સ્ટ્રેચર પર ઉપાડી રાખી છે

રાજ્યભરમાં વરસાદી હાલાકી વચ્ચે નર્મદાથી (Narmada) ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. નર્મદા જિલ્લાના ડુંગર વિસ્તારના ઝરવાણી (zarvani village) ગામનો વીડિયો વાયરલ થયો છે. આ દ્રશ્યોમાં પીડા છે અને વર્ષો જૂની મુશ્કેલી છે તો સ્થાનિકો મદદની આશા પણ સેવી રહ્યા છે. જે વીડિયો વાયરલ થયો છે તેમાં એક વીડિયોમાં એક ગર્ભવતી મહિલાને પરિવારજનોએ સ્ટ્રેચર પર ઉપાડી રાખી છે પરિવારજનો પાણીના ધસમસતા પ્રવાહમાંથી પસાર થવા મજબૂર છે અને ભારે જહેમત બાદ ગામ પાસે આવેલી આ ખાડી પાર કરવામાં આવે છે.

ગર્ભવતી મહિલાને પરિવારજનોએ સ્ટ્રેચર ઉપર સૂવડાવીને નદી પાર કરાવી
ધસમસતા પાણીના પ્રવાહમાંથી મહિલાને ગરૂડેશ્વર પહોંચાડી
જોકે મુશ્કેલી અહીં સુધી અટકતી નથી. ગ્રામજનોએ 2 કિલોમીટર સુધી પગપાળા ચાલવું પડે છે અને આખરે ગર્ભવતી મહિલાને ગરૂડેશ્વર સરકારી દવાખાને પહોંચાડવા માટે વાહન મળી શકે છે. દર વર્ષે ઝરવાણીમાં ગામના લોકોને આ મુશ્કેલીમાંથી પસાર થવાનો વારો આવે છે જ્યાં 108 એમ્બ્યુલન્સ પણ આ ગામ સુધી પહોંચી શકતી નથી ત્યારે ગર્ભવતી મહિલાઓને કે અન્ય બીમાર લોકોને આ રીતે ઉપાડીને પાણીમાંથી પસાર થવું પડે છે.

દર વર્ષે ઝરવાણીમાં ગામના લોકોને આ મુશ્કેલીમાંથી પસાર થવાનો વારો આવે છે
2500ની વસ્તી ધરાવતા ઝરવાણી ગામની પાસે ખાડી આવેલી છે જે ચોમાસામાં પાણીથી ભરાઈ જતું હોય છે.માટે લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર છે દરવર્ષે ગ્રાજમનો દ્વારા અહીં પુલ બનાવવાની માગ કરવામાં આવે છે પરંતુ તંત્રના પેટનું પાણી હાલતું નથી. ત્યારે સવાલ થઈ રહ્યો છે કે આખરે ક્યારે આ ગામના લોકોને રાહત મળશે?
વર્ષોથી પુલ અને રસ્તાની થઈ રહી છે માંગ
સ્થાનિક ગ્રામિણો કહે છે કે જો કઠીન જગ્યાએ રસ્તા બની શકતા હોય તો અહીં કેમ નહીં? જ્યારે પણ વધારે વરસાદ આવે અને ખાડીના પાણી ભરાય ત્યારે ઝરવાણી ગામના લોકોને આ પ્રકારની મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે. આ ઉપરાતં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ અંતરિયાળ એવા સ્થ ળો છે જ્યાં વિદ્યાર્થીઓ જીવના જોખમે નદી પાર કરીને અભ્યાસ કરવા માટે જતા હોય છે કારણ કે, ત્યાં રસ્તા અને પુલનો અભાવ હોય છે . આ પ્રકારની જગ્યાએ રહેતા સ્થાનિકો ઘણા સમયથી રોડ રસ્તા માટે માંગણી કરતા હોય છે જો કોઈ મોટી દુર્ઘટના બને તો આવા સ્થળે સહાય માટે કેવી રીતે પહોંચવું તે મોટો પ્રશ્ન છે.