Dharoi Dam: ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ, ધરોઈ, ગુહાઈ, વાત્રક, હાથમતીમાં પાણીની નવી આવકો નોંધાઈ
Monsoon 2023: ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ દરમિયાન સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ડેમ અને જળાશયોમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં રવિવાર રાત્રીથી સોમવારે બપોર સુધી ધોધમાર વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા, મહેસાણા અને રાજસ્થાનમાં પણ વરસાદ વરસવાને લઈ સાબરકાંઠા અને અરવલ્લીના જળાશયોમાં પાણીની નવી આવકો નોંધાઈ છે. ધરોઈ જળાશયમાં બપોરે બે કલાક 23 હજાર ક્યુસેક કરતા વધારે આવક નોંધાઈ હતી. જેને લઈ ધરોઈની સપાટીમાં આશિંક વધારો નોંધાયો હતો. ગુહાઈ અને વાત્રક જળાશયમાં પણ નવી આવક થઈ હતી.
ધરોઈ ડેમમાં છેલ્લા પાંચ દિવસથી પાણીની આવક થઈ રહી છે. સાબરમતી નદીમાં થઈ રહેલી નવી આવકને લઈ ધરોઈ બંધમાં સતત પાણીની આવક થઈ રહી છે અને જળ જથ્થો ઉમેરાઈ રહ્યો છે. હાલમાં જળ જથ્થો 65.12 ટકા એ પહોંચ્યો છે. હજુ પણ આવક સતત ચાલુ હોવાને લઈ જળ સપાટીમાં પણ વધારો થયો છે.
ધરોઈની સપાટી 612 ફુટએ પહોંચી
સતત નવી આવકોને લઈ ધરોઈ બંધની સપાટી હવે 612 ફુટને વટાવી ચુકી છે. સાંજે 4 વાગ્યાના દરમિયાન 612.16 ફુટે ધરોઈ બંધની જળ સપાટી નોંધાઈ છે. સાંજે પાંચ કલાકે 15833 કયુસેક પાણીની આવક થઈ રહી છે. બપોરે 1 કલાકે પાણીની આવક 23,611 ક્યુસેક નોંધાઈ હતી. જે 2 કલાકે પણ એટલી જ જળવાઈ રહી હતી. પાણીની આવકમાં વધારો સવારે 9 વાગ્યે થવા પામી હતી. 3888 ક્યુસેક આવક નોંધાયા બાદ 11 કલાકે 11805 ક્યુસેક નોંધાઈ હતી.
ગુહાઈ જળાશય
હિંમતનગરના મહત્વના જળાશય ગુહાઈમાં નવી આવક નોંધાઈ છે. ગુહાઈ ડેમમાં બપોરે 2 કલાકથી નવી આવક શરુ થઈ હતી. જે વધીને ત્રણ વાગે 2184 ક્યુસેક અને પાંચ વાગ્યે 3700 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. ગુહાઈમાં જળ જથ્થો 47.21 ટકા નોંધાયો છે.
વાત્રક જળાશય
સોમવારે સવારે 9 કલાકથી પાણીની આવક નોંધાઈ હતી. શરુઆતમાં 640 ક્યુસેક આવક થઈ હતી. જે વધીને 10 કલાકે 2770 ક્યુસેક, 11 કલાકે 3855 ક્યુસેક, 12 કલાકે 5140 ક્યુસેક અને 2 વાગ્યાથી 6425 ક્યુસેક આવક શરુ થઈ હતી. સાંજે પાંચ કલાકે આટલી જ આવક નોંધાઈ હતી.
માઝમ જળાશય
મોડાસા નજીક આવેલ માઝમ જળશયમાં સવારે 8 કલાકે 500 ક્યુસેક આવક નોંધાઈ હતી. જે 10 કલાકે 1750 ક્યુસેક થઈ હતી.જે સાંજે 4 કલાકે 1000 ક્યુસેક નોંધાઈ હતી. માઝમમાં જળ જથ્થો 22 ટકા જેટલો છે.
હાથમતી જળાશય
હિંમતનગર નજીક આવેલ હાથમતી જળાશયમાં 700 ક્યુસેકની આવક નોંધાઈ છે. ભિલોડા અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદને લઈ હાથમતી નદીમાં પાણની નવી આવક થઈ છે.