Mehsana: રશિયા-યુક્રેન યુદ્ધથી ઉદ્યોગોની દશા બેઠી, કેટલાક ઉદ્યોગોની ઉત્પાદન ક્ષમતા 50 ટકા ઘટી
અગાઉ કોરોના (Corona) મહામારીનો ફટકો ઉદ્યોગોને અસર કરી ગયો, તો બાદમાં રશિયા યુક્રેન યુદ્ધ (Russia-Ukraine war) અને તેના કારણે ઇંધણમાં ભાવ વધારોએ ઉદ્યોગોની દશા બેસાડી. આમ ઉદ્યોગો ઊભા થાય તે પહેલા આ મોંઘવારીએ ઉદ્યોગોની કમર તોડી નાખી છે.
રશિયા અને યુક્રેન યુદ્ધ (Russia-Ukraine war) તેમજ કોરોના મહામારીની (Corona Pandemic) ઉદ્યોગો પર માઠી અસર પડી છે. હાલમાં ઇંધણ ના ભાવો આસમાને પહોંચતા તેની સીધી અસર રાજ્યના ઉદ્યોગો પર જોવા મળી રહી છે. મહેસાણામાં (Mehsana) કેટલાક લઘુ ઉદ્યોગો તો બંધ થયા છે અને જે ચાલુ છે તેમાં કેટલાક ઉદ્યોગો એ પોતાની ઉત્પાદન ક્ષમતા ઘટાડવી પડી છે. ઉદ્યોગોની ઉત્પાદન ક્ષમતા 50 ટકા જેટલી ઘટી ગઇ છે. તો રાજ્યમાં અંદાજે 10 ટકા લઘુ ઉદ્યોગો બંધ થઇ ગયા છે.
દિવસે દિવસે વધતા જતા ઇંધણના ભાવની આગ ઝરતી અસર સામાન્ય માનવીને દઝાડી રહી છે. પહેલા કોરોના મહામારી અને બાદમાં યુક્રેન-રશિયાનું યુદ્ધ તો વળી આસમાને પહોંચેલા ઇંધણના ભાવની માઠી અસર રાજ્યના ઉદ્યોગો ઉપર પડી છે. ઇંધણના ભાવ વધતા ટ્રાન્સપોર્ટના ભાવ વધે છે. ટ્રાન્સપોર્ટના ભાવ વધતા કાચા માલ એટલે કે રો મટીરીયલના ભાવ વધે છે. રો મટીરીયલના ભાવ વધતા ઉત્પાદન કિંમતમાં વધારો થાય છે અને આખરે ખરીદી કરનાર ગ્રાહકને મોંઘવારીનો સામનો કરવો પડે છે.
ઇંધણના વધેલા ભાવોને કારણે રાજ્યમાં અંદાજે 4 લાખ લઘુ ઉદ્યોગો પર સીધી અસર પડી છે. રાજ્યના 4 લાખ લઘુ ઉદ્યોગો પૈકી અંદાજિત 10 ટકા લઘુ ઉદ્યોગો બંધ થયા હોવાનો અંદાજ છે. તો બાકીના ઉદ્યોગોએ પોતાની ઉત્પાદક ક્ષમતા ઘટાડીને 50 ટકા કરવાની ફરજ પડી છે. કાચા માલ તરીકે ઉદાહરણ લઈએ થોડા દિવસો અગાઉ લોખંડ પ્રતિ કિલો 40 રૂપિયા હતું, હાલ તે 85 રૂપિયા પ્રતિ કિલો છે. લોખંડનો ભાવ મૂળ કિંમત કરતા ડબલથી પણ વધુ પહોંચ્યો છે. કાચો માલ જ મોંઘો દાટ થતા ઉદ્યોગકારો પર મોંઘવારીનો માર વધ્યો છે .
આવી જ રીતે કોઈ ઉદ્યોગકાર જ્યારે પ્રોડક્ટ ઉત્પાદન માટે રો મટીરીયલ ખરીદી કરે છે. તેને ટ્રાન્સપોર્ટ કરવાનો ખર્ચ ઇંધણના વધેલા ભાવને કારણે ડબલ થઈ જાય છે. ઘણીવાર રો મટીરીયલ કરતા ટ્રાન્સપોર્ટનો ખર્ચ વધી જતો હોય છે . લોખંડ, પ્લાસ્ટિકના દાણા, ઓઇલ, કેમિકલ, ધાતુ જેવા રો મટીરીયલ ટ્રાન્સપોર્ટ માધ્યમથી ઉદ્યોગ સ્થળ પર લાવતા હોય છે. તેવામાં ટ્રાન્સપોર્ટ જ મોઘું પડશે તો તેની અસર ઉત્પાદન પર પડવાની છે તે સ્વાભાવિક છે.
બીજી તરફ વધતી પ્રોડક્શન કિંમતને કારણે મોંઘવારીનો ફટકો સામાન્ય માનવીને પરેશાન કરી રહ્યો છે. સૌથી મોટી ફિકર રોજગારીને લઈને ઉભી થઈ રહી છે. જ્યાં રો મટીરીયલ નથી ત્યાં કામ વિના કાં તો મજૂરોને બેઠો પગાર આપવાનું માલિકોને પરવડે તેમ નથી. તો બીજી તરફ કામના અભાવે છુટા કરાતા કારીગરો સામે રોજીરોટીનો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે.
અગાઉ કોરોના મહામારીનો ફટકો ઉદ્યોગોને અસર કરી ગયો, તો બાદમાં રશિયા યુક્રેન યુદ્ધ અને તેના કારણે ઇંધણમાં ભાવ વધારોએ ઉદ્યોગોની દશા બેસાડી. આમ ઉદ્યોગો ઊભા થાય તે પહેલા આ મોંઘવારીએ ઉદ્યોગોની કમર તોડી નાખી છે. ત્યારે આ પરિસ્થિતિ જલ્દી નિયંત્રણમાં આવે તે અત્યંત જરૂરી છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો