ગુજરાતમાં ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસનું મોટું અભિયાન, 362 લોકો ઝડપાયા

ઝડપાયેલા 362 બાંગ્લાદેશી નાગરિકોને ગુજરાતમાં રહેવા માટે કોણે આશરો આપ્યો, તેમને દસ્તાવેજો મેળવવામાં કોણે મદદ કરી અને તેમના પાછળ કોઈ ગોઠવણ તો નહોતી ને તેની દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

ગુજરાતમાં ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસનું મોટું અભિયાન, 362 લોકો ઝડપાયા
| Edited By: | Updated on: Jun 03, 2026 | 6:08 PM

ગુજરાતમાં ગેરકાયદે રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવા માટે ગુજરાત પોલીસ દ્વારા રાજ્યવ્યાપી વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહપ્રધાન હર્ષ સંધવીએ આ અભિયાન અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ટેક્નિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે અત્યાર સુધીમાં 6,200થી વધુ શંકાસ્પદ લોકોનું ચેકિંગ કરવામાં આવ્યું છે, જેમાંથી 362 લોકો ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશથી ગુજરાતમાં રહેતા હોવાનું સામે આવ્યું છે.

ગૃહપ્રધાને જણાવ્યું કે હાલ વધુ 780 લોકોની તપાસ ચાલી રહી છે અને સમગ્ર રાજ્યમાં સ્થાનિક પોલીસ યુનિટો દ્વારા સર્ચ ઓપરેશન સતત ચાલુ છે. રાજ્યભરમાં ગેરકાયદે ઘૂસણખોરોને શોધવા માટે પોલીસ દ્વારા ખાસ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે ઝડપાયેલા 362 બાંગ્લાદેશી નાગરિકોને ગુજરાતમાં રહેવા માટે કોણે આશરો આપ્યો, તેમને દસ્તાવેજો મેળવવામાં કોણે મદદ કરી અને તેમના પાછળ કોઈ ગોઠવણ તો નહોતી ને તેની દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસ હવે તે ઉદ્યોગો અને સંસ્થાઓની પણ તપાસ કરશે, જેમણે આ લોકોને રોજગાર આપ્યો હોવાની શક્યતા છે. જો કોઈ સંસ્થા કે નોકરીદાતાએ પોલીસને જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ કરાવ્યા ન હોય અથવા નિયમોનું પાલન ન કર્યું હોય તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્યવ્યાપી દરોડા દરમિયાન પોલીસ દ્વારા વિશેષ નાકાબંધી પણ ગોઠવવામાં આવી હતી. દરોડાની કાર્યવાહી શરૂ થતાં જ વિવિધ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેના કારણે ભાગવાનો પ્રયાસ કરનારા 18 લોકોને પણ ઝડપી લેવામાં આવ્યા હતા.

તપાસ દરમિયાન એવી માહિતી પણ સામે આવી હોવાનું જણાવાયું છે કે કેટલાક લોકો પશ્ચિમ બંગાળના ગામડાઓમાંથી આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો બનાવડાવી ગુજરાતમાં આવ્યા હતા. આ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.

ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સ્પષ્ટ કર્યું કે, રાજ્યના કોઈપણ ખૂણામાં ગેરકાયદે રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવા માટે અભિયાન ચાલુ રહેશે અને દરેક કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. જોકે અત્યાર સુધીની તપાસમાં કોઈ રાજકીય કનેક્શન સામે આવ્યું નથી.

Breaking News : બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન : 50 ટીમોએ આખી રાત જિલ્લો ધમરોળાયો, જુઓ વિડીયો

Follow Us
Loading...
Unable to load recommendations.