
અમેરિકાનું સુકાન સંભળતા જ અમેરિકામાં વસવાટ કરતા ગેરકાયદેસર લોકો સામે લાલ આંખ કરી છે. જેના ભાગ રૂપે અમેરિકાએ આવા લોકોને પોતાના દેશમાં પાછા મોકલવાનું શરુ કર્યું છે. જે અંતગર્ત અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયો પરત ફર્યા છે. જેમાં 33 ગુજરાતીઓ પણ અમેરિકાથી પરત ફર્યા છે. આજે બપોરે ભારતીયો અમૃતસર પહોંચ્યા છે.
પરત આવનાર લોકોમાંથી મહેસાણા અને ગાંધીનગરના સૌથી વધુ લોકો છે. મહેસાણા અને ગાંધીનગરમાંથી 12 લોકો ગુજરાત પરત આવશે. સુરતમાંથી 4, અમદાવાદમાંથી 2 લોકો ગુજરાત પરત ફરશે. વડોદરા, ખેડા અને પાટણમાંથી એક-એક વ્યક્તિ પરત ફરશે.
અમેરિકાથી પરત ફરનારા ગુજરાતીઓમાં વડોદરાની મહિલાનો પણ સમાવેશ છે. પાદરાના લુણા ગામની મહિલા અમેરિકાથી વતન પરત ફરી છે. એક વર્ષ પહેલાં ખુશ્બુ પટેલ નામની મહિલાના લગ્ન થયા હતા. મહિલાનો પતિ અને પરિવાર 15 વર્ષથી અમેરિકામાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એક વર્ષ પહેલાં જ મહિલાએ અમેરિકા માટે ફાઈલ મુકી હતી. મહિલા હાલ ક્યાં છે તે અંગે પિયરમાં કોઈ જ માહિતી નહીં. છેલ્લા 15 દિવસથી પરિવારજનોનો સાથે સંપર્ક થયો નથી.
ખેડાના નડિયાદના રહેવાસીને અમેરિકાથી પરત મોકલાયા છે. અમેરિકામાં ગેરકાયદે રહેતા સ્મિતકુમાર પટેલને પરત મોકલાયા છે. સ્મિતકુમારે જણાવેલા સરનામા પટેલ પાર્ક ખાતે કોઇ મળ્યું નહીં.જે સરનામું દર્શાવ્યું તેઓ મકાન વેચીને અન્ય જગ્યા પર રહેવા જતા રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.
મહેસાણામાં ગેરકાયદે અમેરિકા ગયેલા ગુજરાતીઓને પણ ડિપોર્ટ કરાયા છે. ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓમાં એક યુવતી ખેરવાની હોવાનું સામે આવ્યું છે. યુવતીને ડિપોર્ટ કરાઈ હોવાની વાતથી પરિવાર અજાણ હોવાનો દાવો કર્યો છે. પરિવાર યુવતી સાથે થોડા દિવસ પહેલા સંપર્ક થયો હોવાની વાત કરી છે. 7 મહિના પહેલા અમેરિકા જવા રવાના થઈ હોવાની માહિતી આપી છે. પરિવાર અને યુવતી વચ્ચે એજન્ટ દ્વારા વાતચીત થતી હોવાની માહિતી આપવામાં આવી છે.
Published On - 2:37 pm, Wed, 5 February 25