ખેડા (Kheda) માં કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે (Devusinh Chauhan)સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલની નવી ઈમારતનુ ભૂમિપૂજન કર્યુ હતુ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા નિર્મિત રૂ. 2387.50 લાખના ખર્ચે, 8518.92 ચો.મી. વિસ્તારમાં જિલ્લાની જનરલ હોસ્પિટલ, ખેડા ખાતે ઓ.પી.ડી, ઓ.ટી. અને વોર્ડ બિલ્ડિંગના ૩ માળના નવીન મકાનના ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે મંત્રી દેવુસિંહે માતર, વસો અને ખેડા માટે ૩ નવી એમ્બ્યુલન્સને પ્રસ્થાન કરાવ્યું હતું. હોસ્પિટલના નવીન મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વિવિધ વિભાગના 8 ઓ.પી.ડી. રૂમ, ટ્રોમા સેન્ટર, લેબોરેટરી,ગ્રાઉન્ડ ફ્લોર, ગાયનેક વિભાગ, લેબરરૂમ,એક્સ-રે / સોનોગ્રાફી,બાળકોનો વિભાગ, પ્રથમ માળ પર મેલ-ફીમેલ વોર્ડ, આઇ.સી.યુ. વોર્ડ, મેટરનીટી વોર્ડ, આઇસોલેશન વોર્ડ, ડાયાલીસીસ વોર્ડ, સુપ્રીન્ટેન્ડન્ટ ઓફીસ, ઓપરેશન થિયેટર, પ્રી ઓપરેટીવ રૂમ, પોસ્ટ ઓપરેટીવ રૂમ અને બીજા માળ પર મેડીકલ સ્ટોર રૂમ, મલ્ટીપર્પસ હૉલ, મિલ વોર્ડ, નર્સિંગ સ્ટેશન, સ્પેશિયલ રૂમ, સેમી સ્પેશિયલ રૂમનો સમાવેશ થાય છે. ઉપરાંત હોસ્પિટલ (Hospital)ના દરેક માળ પર લિફ્ટ, રેમ્પ, વિશાળ પેસેજ, વેઇટિંગ એરિયા, સ્ત્રી- પુરુષ માટે અલગ ટોઇલેટ બ્લોકની સામાન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
કેન્દ્રિય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે ખેડા ખાતે અદ્યતન સુવધાઓથી સજ્જ હોસ્પિટલના નિર્માણથી ખેડા શહેર સહિત આસપાસના વિસ્તારના તમામ લોકોને વધુ ગુણવત્તાયુક્ત સુવિધાઓ અને ત્વરિત સારવાર મળશે. કોરોનાકાળ પછી ભારતમાં આરોગ્ય અને સ્વાસ્થ્ય ક્ષેત્રે આવેલા સકારાત્મક પરિવર્તનની વાત કરતા દેવુસિંહે જણાવ્યું કે કોરોના રસીકરણ અભિયાન, મફત અનાજ વિતરણ અને લોકડાઉન જેવા મહત્વના નિર્ણયો થકી જન આરોગ્યમાં નોંધપાત્ર સુધારો આવ્યો છે. જન્મથી મૃત્યુ સુધી વિવિધ આરોગ્ય સુવિધાઓ દ્વારા બાળક અને માતાના મૃત્યુદરમાં ઘટાડો આવ્યો છે અને સમગ્ર રીતે લોકોના આયુષ્ય દરમાં વધારો થયો છે. આરોગ્યના સંદર્ભમાં લોક કેળવણીનું મહત્વ સમજાવતાં મંત્રીએ ઉપસ્થીત સૌને મેડિકલ વિભાગ સંલગ્ન તમામ લોકો સાથે આદરભાવ સાથે વર્તન કરવા અપીલ કરી હતી.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે નવીન હોસ્પિટલમાં મળતી સુવીધાઓનો મહત્તમ ઉપયોગ કરવા લોકોને અપીલ કરી હતી અને ખેડાના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ જણાવ્યું કે માતર, વસો અને ખેડા માટે નવી ૩ એમ્બ્યુલન્સથી વધુ ઝડપી મેડિકલ ઈમરજન્સી સર્વિસ મળશે. આ પ્રસંગે ખેડા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અધિક્ષક ડો. ઈમ્તિયાઝ વ્હોરાએ હોસ્પિટલમાં આપવામાં આવતી વિવિધ સુવિધાઓની માહિતી આપી અને હોસ્પિટલ બિલ્ડિંગના નવીન મકાન માટે ગુજરાત સરકારનો આભાર માન્યો હતો.