ખેડાના વડતાલમાં નવા અક્ષરભુવનમાં ઉજવાશે કાર્તિકી પૂનમનો સમૈયો અને 198મો પાટોત્સવ
Kheda: વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં આગામી કારતક સુદ નોમ બીજી નવેમ્બરથી કારતક સુદ પૂનમ 8મી નવેમ્બર દરમિયાન 198મો વાર્ષિક પાટોત્સવ ઉજવાશે. નવા અક્ષરભુવનમાં કાર્તિકી સમૈયો ખૂબ ધામધુમથી ઉજવાશે.

ખેડામાં વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં કાર્તિકી પૂનમની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના ભાગરૂપે તા. 2જી નવેમ્બરથી કારતક સુદ પૂનમ 8 નવેમ્બર દરમિયાન 198મો વાર્ષિક પાટોત્સવ અને નવા અક્ષરભુવન મ્યુઝિયમમાં કાર્તિક સમૈયોની ધામધૂમપૂર્વ ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે સંપ્રદાયના વિદ્વાન કથાકાર પૂ. જ્ઞાનજીવનદાસ સ્વામી કુંડળધામના વક્તાપદે શ્રીજી પ્રસાદી માહાત્મ્ય કથાનું આયોજન કરવામાં આવ્યુ હોવાનું મંદિરના કોઠારી ડૉ. સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યુ હતુ.
ભગવાન શ્રીહરિએ વડતાલધામમાં કાર્તિકી (પ્રબોધિની) અને ચૈત્રી સમૈયામાં પોતાના આશ્રિતોને વણતેડે વડતાલ આવવાની આજ્ઞા કરી છે. વડતાલ મંદિરમાં બિરાજતા લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ સહિત આદિ દેવોનો 198મા પાટોત્સવની દબદબાભેર ઉજવણી કરવામાં આવશે. વડતાલ પીઠાધીપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની ઉપસ્થિતિમાં ઉજવાનારા આ કાર્તિકી સમૈયાની રૂપરેખા જોઈએ તો તા. 2જી નવેમ્બરને બુધવારના રોજથી મહોત્સવનો પ્રારંભ થશે.
સવારે 8:00 કલાકે ગોમતીજી વાજતે ગાજતે પોથીયાત્રા નીકળી નીજ મંદિર પહોંચશે. સવારે 9.15 કલાકે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા સંપ્રદાયના વડીલ સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય થશે. 9.30 કલાકે સંતોના મંગલ પ્રવચન સાથે શ્રીજી પ્રસાદી માહાત્મ્ય કથાનો શુભારંભ થશે. કથાનો સમય દરરોજ સવારે 8.30થી 11.30 અને બપોરે 3.30થી 6.30નો રાખેલ છે. તા.4 નવેમ્બર શુક્રવાર પ્રબોધિની એકાદશીના શુભદિને સવારે 7.00: થી 10.00 કલાક દરમ્યાન પાર્ષદોને ભાગવતી દીક્ષા આપવામાં આવશે. સવારે 11 કલાકે એકાદશી ઉદ્યાપન, હાટડી ઉત્સવ તથા સાંજના 5.00 વાગે ગોમતીજીથી જળયાત્રાનો વરઘોડો નીકળી નીજ મંદિર આવશે. સાંજે 6.30 કલાકે ધર્મદેવનો પ્રાગટ્યદિન ઉજવાશે. તા.5મીને શનિવારના રોજ સવારે 6.30 થી 7.30 198 મો પાર્ટોત્સવ, મંદિરમાં બિરાજતા દેવોનો અભિષેક થશે.
બપોરે 11.00 કલાકે પાટોત્સવ અન્નકુટ આરતી યોજાશે. તા. 8મીને મંગળવારના રોજ ચાતુર્માસ પૂનમ ઉદ્યાપન તથા બપોરે 12.00 કલાકે મહોત્સવની પુર્ણાહુતિ થશે. સાંજે 6.30 કલાકે ભક્તિમાતાનો પ્રાગટ્ય દિન ઉજવાશે. આ કાર્તિકી સમૈયામાં ચરોતર સહિત કાનમ, વાકળ, કાઠિયાવાડ, સુરત-મુંબઈ તથા અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી કથા –દર્શનનો લાભ લેવા વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્વામીએ હાર્દિક આમંત્રણ પાઠવેલ છે.