‘પરિતપ્ત લંકેશ્વરી’ના ગુજરાતીમાં અનુવાદ બદલ સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર-2020 માટે કાશ્યપી મહાની પસંદગી
ગુજરાતી અનુવાદ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ દ્વારા પ્રકાશિત થયો હતો. ‘પરિતપ્ત લંકેશ્વરી’ પુસ્તક સૌરાષ્ટ્ર યુનિ.ના એમ.એ.ના અભ્યાસક્રમમાં પણ સામેલ થયેલું છે.
સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર-2020 ગુજરાતી ભાષા માટે કાશ્યપી મહાને પ્રાપ્ત થયો છે. હિન્દીમાં 2015માં સ્વ. મૃદુલા સિન્હા દ્વારા લખાયેલી લંકાપતિ રાવણની પત્ની સતી મંદોદરીની આત્મકથાનક નવલકથા ‘પરિતપ્ત લંકેશ્વરી’ના 2016માં પ્રકાશિત થયેલા ગુજરાતી અનુવાદ માટે એમને જાહેર થયો છે.
પુરસ્કાર તરીકે રુ. 50000ની રકમ સાથે એક તામ્રપત્ર હવે પછી એક જાહેર સમારંભમાં એનાયત થશે. ગુજરાતી અનુવાદ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ દ્વારા પ્રકાશિત થયો હતો. ‘પરિતપ્ત લંકેશ્વરી’ પુસ્તક સૌરાષ્ટ્ર યુનિ.ના એમ.એ.ના અભ્યાસક્રમમાં પણ સામેલ થયેલું છે.
કાશ્યપી મહાને આ પહેલાં, અનુવાદ સહિતના લેખિકાના તમામ પ્રકારના પુસ્તકોની શ્રેણીમાં વર્ષ 2016-17માં ગુજરાતી સાહિત્ય પરિષદનો અનુવાદ પુરસ્કાર પણ પ્રાપ્ત થઈ ચૂક્યો છે. અંગ્રેજીમાં પોલ બ્રન્ટન દ્વારા લખાયેલા પુસ્તકનો કાશ્યપી મહા દ્વારા ગુજરાતીમાં થયેલા અનુવાદ હિમાલય અને એક તપસ્વી’ને આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
મરાઠી, હિન્દી અને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અત્યાર સુધીમાં 65 ઉપરાંત પુસ્તકોના અનુવાદ આપનારા કાશ્યપી પત્રકારત્વમાં એમ.એ. અને એમ.ફિલ.ની પદવી ધરાવે છે. પત્રકારત્વના વીઝિટિંગ ફેકલ્ટી ઉપરાંત તેઓ વિવિધ ગુજરાતી અખબારો અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા છે.
તા. 18 સપ્ટેમ્બર, 2021ના રોજ રવીન્દ્ર ભવન, નવી દિલ્હી ખાતે સાહિત્ય અકાદેમીના અધ્યક્ષ ડો. ચંદ્રશેખર કંબારની અધ્યક્ષતામાં યોજાયેલી કાર્યકારી મંડળની બેઠકમાં 24 ભારતીય ભાષાઓના પુસ્તકો માટે સાહિત્ય અકાદેમી અનુવાદ પુરસ્કાર-2020નો અંતિમ નિર્ણય કરવામાં આવ્યો હતો. પુરસ્કાર માટેના પુસ્તકોનું ચયન માટે દરેક ભાષાની એક ત્રિસદસ્યીય નિર્ણાયક સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. ગુજરાતી ભાષા માટેની ચયન સમિતિમાં પ્રા. સંજય શ્રીપાદ ભાવે, ડો. વર્ષા દાસ અને શ્રી નિરંજન રાજ્યગુરુએ પોતાની સેવાઓ આપી હતી.
આ પહેલાં, વર્ષ 2020 માટે સાહિત્ય અકાદેમી દ્વારા ગુજરાતી ભાષાના સાહિત્યકારો સર્વશ્રી હરિશ મિનાશ્રુ (મુખ્ય પુરસ્કાર), નટવર પટેલ (બાલ પુરસ્કાર) અને અભિમન્યુ આચાર્ય (યુવા ગૌરવ પુરસ્કાર)ને પણ પુરસ્કાર જાહેર થઈ ચૂક્યા છે.
આ પણ વાંચો : નવરાત્રીની તૈયારી , અમદાવાદમાં લો- ગાર્ડન ચણિયાચોળી બજારમાં લોકોની ખરીદી માટે ભીડ
આ પણ વાંચો : TV9ના અહેવાલની અસર, પાદરા-જંબુસર હાઇવે પરના બિસ્માર માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કર્યુ