Kutch: ધસમસતા પાણીમાંથી પોલીસ જવાનોએ બચાવ્યો યુવકને, જુઓ દિલધડક વીડિયો
માંડવીની રૂકમાવતી નદીના ધસમસતા પાણીમાં એક યુવક ફસાઈ ગયો હતો. આ યુવકને ભારે જહેમતથી માંડવી પોલીસ (Mandvi Police) જવાનોએ બચાવ્યો હતો તો લખપતમાં કોઝ વે તૂટતા દૂધ ભરી જતી ગાડી કોઝ વે ઉપર પલટી મારી ગઈ હતી. જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી.
એક સમયે સૂકો પ્રદેશ ગણાતા કચ્છ (Kutch) ઉપર મેઘરાજા મહેરબાન છે અને કચ્છમાં સરસ વરસાદ થઈ રહ્યો છે, ત્યારે વરસાદને પગલે જિલ્લાના 7 ડેમ છલકાઈ ઉઠ્યા હતા અને વરસાદને પગલે સર્વત્ર ઠંડક વ્યાપી ગઈ હતી. કચ્છ જિલ્લાના અબડાસા, (Abdasa) લખપતમાં ધોધમાર વરસાદથી જિલ્લાની જીવાદોરી સમાન ગોધાતડ અને સાનધ્રો ડેમ ઓવરફ્લો થયા છે તો માંડવીનો ડોણ ડેમ પણ ઓવરફ્લો થયો છે. ઉપરાંત જંગડિયા, કંકાવટી, બેરાચીયા, મીઠી ડેમમાં નવા નીરની આવક થઈ છે. ત્યારે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે તેમજ TDO સમગ્ર જિલ્લામાં વરસાદની પરિસ્થિતિ પર નજર રાખીને તેની સમીક્ષા કરી રહ્યા છે.
પોલીસ જવાનોએ બચાવ્યો યુવકને
દરમિયાન માંડવીની રૂકમાવતી નદીના ધસમસતા પાણીમાં એક યુવક ફસાઈ ગયો હતો. આ યુવકને ભારે જહેમતથી માંડવી પોલીસ (Mandvi Police) જવાનોએ બચાવ્યો હતો. માંડવીમાં ભારે વરસાદને પગલે રૂકમાવતી નદી બે કાંઠે વહી ઉઠી હતી અને તેમાં આ યુવક ફસાઈ ગયો હતો. જોકે પોલીસ જવાનોએ તેને જહેમત પૂર્વક બચાવી લીધો હતો.
લખપતમાં તૂટ્યો કોઝવે
ભારે વરસાદને પગલે કચ્છના લખપત તાલુકાના બાલાપર ગામ પાસેનો કોઝવે તૂટ્યો છે. સતત વરસાદને કારણે ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતા કોઝવે તૂટ્યો હતો અને કોઝવે તૂટી જતા અકસ્માત પણ સર્જાયો છે. કોઝ વે તૂટતા દૂધ ભરી જતી ગાડી કોઝ વે ઉપર પલટી મારી ગઈ હતી.જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. કચ્છમાં મેઘરાજાની ધૂંઆધાર બેટિંગને પગલે જિલ્લાના 7 ડેમ છલકાઈ ગયા છે. અબડાસા, લખપતમાં ધોધમાર વરસાદથી જિલ્લાની જીવાદોરી સમાન ગોધાતડ અને પગલે સાનધ્રો ડેમ પણ છલકાઉ ઉઠ્યો છે.
ભૂજના મોચીરાઈ રસ્તા પર કાર ડૂબી
ભૂજ શહેરમાં પણ ભારે વરસાદને કારણે રેલ્વે અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા. જેમાં કાર ચાલકે અંડરબ્રિજમાંથી પસાર થવા માટે કાર આગળ ધપાવી હતી, પરંતુ કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જોકે કારમાં સવાર લોકોનો આ ઘટનામાં આબાદ બચાવ થયો હતો.