Gujarat weather : ઉતરાયણમાં શિયાળાએ કરી જમાવટ, નલિયા 1.2 ડિગ્રી સાથે ઠંડુગાર, તો ડીસામાં 8.2 ડિગ્રી સાથે જામ્યો બરફ
ઉતરાયણના તહેવારમાં ઠંડીનું (cold) પ્રમાણ પણ વધ્યું હતું અને સાંજ થતા જ ભારે પવન અને ઠંડીનો અનુભવ થયો હતો. નલિયામાં સિઝનનું સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું તો, બીજી તરફ આબુમાં માઇનસ 7 ડિગ્રી તાપમાન થઈ જતા સહેલાણીઓએ આ વાતાવરણની મજા માણી હતી.
ગુજરાતમાં એક તરફ ઉતરાયણનો માહોલ જામેલો છે ત્યારે બીજી તરફ ઠંડીએ પણ જમાવટ કરી છે અને તાપમાનનો પારો ગગડીને નીચો ગયો છે રાજ્યમાં ગત રાત્રિએ કચ્છના નલિયામાં સિઝનનું સૌછી ઓછું તાપમાન નોંધાયું હતું. નલિયા 1.2 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર રહ્યું હતું. તો બનાસકાંઠા જિલ્લાના ડીસામાં 8.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને બનાસકાંઠાના લાખણીમાં ઠંડીના કારણે બરફનું પાતળું સ્તર જામી ગયું હતું. તો અન્ય શહેરોના તાપમાન જોઈએ તો ભાવનગર 10.2 ડિગ્રી, ભુજ 7.6 ડિગ્રી, ડીસા 8.2 ડિગ્રી, દ્વારકા 12 ડિગ્રી, ગાંધીનગર 8.3 ડિગ્રી, જૂનાગઢ 9.8 ડિગ્રી, નલિયા 1.4 ડિગ્રી, અમદાવાદ 10 ડિગ્રી, ઓખા 16.8, પાટણ 6.7 તથા રાજકોટ 8.4, સુરત 12. 2 અને વેરાવળ 12. 2 ડિગ્રી સાથે ઠંડા રહ્યા હતા.
આ વર્ષે 5 જાન્યુઆરીના રોજ પણ ડીસાના કાંટ ગામમાં કાર પર બરફની ચાદર છવાયેલી જોવા મળી હતી. ડીસા શહેરનું લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી જેટલું નીચું ગયું હતું ત્યારે બનાસકાંઠા જિલ્લાના લાખણી અને ડીસામાં બરફ પથરાયેલો જોવા મળ્યો હતો. વાહનો ઉપર તેમજ જમીન પર બરફનું પાતળું સ્તર જોવા મળ્યું હતું. જયાં જ્યાં બરફ હતો ત્યાં શહેરીજનોએ આ ઘટનાને કેમેરામાં કેદ કરી હતી અને વાતાવરણ ઠંડુ થઈ જતા લોકોએ કાશ્મીર અને શિમલામાં હોય તેવો અનુભવ કર્યો હતો.
આબુમાં માઇનસ 7 ડિગ્રી તાપમાન
રાજ્યમાં જે રીતે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે તેને કારણે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો હતો. તો રાજસ્થાનમાં આવેલા આબુમાં પણ માઇનસ 7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો. ગુજરાતમાં ઉતરાયણની સાંજે ઠંડો પવન ફૂંકાયો હતો.
દિલ્લી , પંજાબ અને હરિયાણામાં શીતલહેરની આગાહી
આ તરફ હવામાન વિભાગે પણ આજથી તીવ્ર ઠંડીની વધુ એક ઈનિંગ શરૂ થાય તેવી આગાહી કરી છે. જમ્મુ કાશ્મીર અને લેહ જેવા બરફ આચ્છાદિત વિસ્તારમાં 24 કલાકથી હિમવર્ષા થઈ રહી છે. કાશ્મીરના બાંદીપોરામાં બરફનું તોફાન ફરી વળ્યું છે. જેના લીધે ઉત્તર ભારતના વાતાવરણમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. હિમવર્ષાથી વૈષ્ણોદેવીની હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ છે. તો 3 રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 194 રસ્તાઓ બંધ કરાયા છે. આ સાથે રાજધાની દિલ્લીમાં ન્યુનત્તમ તાપમાન નોંધાઈ તેવી શક્યતા છે. પંજાબ, હરિયાણા, દિલ્હી અને યુપીમાં શીતલહેરની સાથે હળવા વરસાદની પણ આગાહી કરાઈ છે. આજથી 19 જાન્યુઆરી સુધી તીવ્ર ઠંડી સાથે ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે.