Winter 2023 : કાતિલ ઠંડીમાં ઠૂઠવાયું ગુજરાત, નલિયા 2 ડિગ્રીએ તો અમદાવાદ10 ડિગ્રીએ ઠર્યું
ઠંડા પવનોને કારણે નોકરિયાત વર્ગ સિવાય રસ્તા ઉપર અવરજવર ઓછી જોવા મળી હતી. તો ગ્રામિણ વિસ્તારોમાં તો સમી સાંજથી ઠંડક વળી જતા લોકોએ ઘર બહાર નીકળવાનું ટાળ્યું હતું
રાજ્યમાં જે રીતે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે તેને કારણે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો હતો. કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન 02 ડિગ્રી થઈ ગયું હતું જે સામાન્ય કરતાં 8 ડિગ્રી ઓછું હતું. તો અમદાવાદમાં પણ જાણે શીત લહેરનો અનુભવ થતો હોય તેમ તાપમાનનો પારો 10 ડિગ્રીએ પહોંચ્યો હતો જે સામાન્ય કરતાં 2 ડિગ્રી ઓછું હતું.
મોડી સાંજથી ઠંડા પવનો (Cold wave) ફૂંકાવાની શરૂઆત થતા કેટલાક શહેરોમાં રાત્રિના તાપમાનનો પારો અતિશય નીચો જતો રહે છે. પહાડી વિસ્તારોમાં બરફ વર્ષાને કારણે ઠંડી વધવાની વકી છે. તારીખ 4 જાન્યુઆરીની રાત્રે મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો નીચો ઉતર્યો હતો. તેમજ દરેક શહેરોમાં સામાન્ય કરતા તાપમાનમાં 7થી 8 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.
રસ્તા બન્યા સૂમસામ
ઠંડા પવનોને કારણે નોકરિયાત વર્ગ સિવાય રસ્તા ઉપર અવરજવર ઓછી જોવા મળી હતી. ખાસ કરીને નાના બાળકો સાથે લોકોએ ખુલ્લામાં જવાનું ટાળ્યું હતું. તો ગ્રામિણ વિસ્તારોમાં તો સમી સાંજથી ઠંડક વળી જતા લોકોએ ઘર બહાર નીકળવાનું ટાળ્યું હતું અને તાપણાં કર્યા હતા. ખાસ કરીને જયાં નદી વિસ્તાર કે જંગલ વિસ્તાર નજીક હોય તેવા જિલ્લાઓ જેમ કે દાહોદ, પંચમહાલ, નર્મદા , ધારી, તાલાળા, વલસાડ, અમલસાડ જેવા ગ્રામ્ય અને વાડી વિસ્તારોમાં અતિશય ઠંડીનો અનુભવ થયો હતો. જોકે હવામાન વિભાગે આગામી દિવસોમાં શહેરમાં ઠંડીનું જોર ઘટવાની આગાહી કરી છે.
05-01-23ના રોજ વિવિધ શહેરોનું તાપમાન
- નલિયા 2 ડિગ્રી
- અમદાવાદ 10 ડિગ્રી
- ભૂજ 09 ડિગ્રી
- ડીસા 6.9 ડિગ્રી
- વડોદરા 11. 6 ડિગ્રી
- અમરેલી 11.6 ડિગ્રી
- પોરબંદર 13.4 ડિગ્રી
- રાજકોટ 10.7 ડિગ્રી
- ઓખા 17.7 ડિગ્રી
- વેરાવળ 14. 9 ડિગ્રી
- સુરત 15. 2 ડિગ્રી
- કંડલા 12. ડિગ્રી
- દ્વારકા 15. 2 ડિગ્રી
- ગાંધીનગર 11 ડિગ્રી
- રાજકોટમાં 10 ડિગ્રી
- મોડાસા 11.5 ડિગ્રી
મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં વરસાદની આગાહી
દિલ્લી અને ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ગાત્રો થીજવતી ઠંડીને કારણે લોકો ઠુંઠવાયા છે.. ત્યારે હજી પણ લોકોને ઠંડીથી રાહત નહીં મળે. દેશમાં ઠંડીને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ દિલ્લી અને ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી જોર પકડશે. ઉત્તર ભારતમાં કોલ્ડવેવ રહેશે. આગામી પાંચ દિવસ પંજાબ, હરિયાણા અને દિલ્લીમાં કોલ્ડવેવ રહેશે.જ્યારે ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં કાતિલ ઠંડી પડશે. તો આગામી પાંચ દિવસ ઉત્તરપ્રદેશમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે..તો બીજી તરફ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.