Maha Shivrati 2023: હર હર મહાદેવના નાદ સાથે ગરવા ગિરનારની ગોદમાં 24 સાધકોએ લીધી દીક્ષા

ભવનાથ મહાદેવ ભારતભરના સાધુ સમાજના આરાધ્ય દેવ છે તેથી દરેક સંપ્રદાયના સાધુઓ વર્ષમાં એક વાર તો ભવનાથ મહાદેવને શિશ નમાવવા આવે જ છે. ત્યારે આ તીર્થભૂમિમાં દીક્ષાનું પણ વિશેષ મહત્વ છે.

Maha Shivrati 2023: હર હર મહાદેવના નાદ સાથે ગરવા ગિરનારની ગોદમાં 24 સાધકોએ લીધી દીક્ષા
| Edited By: | Updated on: Feb 17, 2023 | 12:15 PM

શિવ પૂજનમાં  શિવરાત્રી, કાળરાત્રી અને મોહરાત્રી પૈકી શિવરાત્રીનું  સૌથી વિશેષ મહત્વ છે.   તેમાંય જ્યારે ગિરનારના  સાનિધ્યમાં શિવરાત્રીનો તહેવાર ઉજવાતો હોય ત્યારે તેનું માહાત્મય  વધી જાય છે.   ગરવો ગિરનાર નવનાથ અને 84 સિધ્ધોનું સ્થાનક  ગણાય છે.

ગિરનારની તળેટીમાં પૌરાણિક ભવનાથ મહાદેવનું મંદિર છે. ભવનાથ મહાદેવ ભારતભરના સાધુ સમાજના આરાધ્ય દેવ છે તેથી દરેક સંપ્રદાયના સાધુઓ વર્ષમાં એક વાર તો ભવનાથ મહાદેવને શિશ નમાવવા આવે જ છે. ત્યારે આ તીર્થભૂમિમાં દીક્ષાનું પણ વિશેષ મહત્વ છે. મહાશિવરાત્રીના મેળા દરમિયાન 24 સાધકો દીક્ષા લઇ સંસાર છોડી સન્યાસમાં જોડાયા છે  અને હવે તેઓ સંન્યાસની ધૂણી ધખાવીને આગળનું જીવન વ્યતિત કરશે.

ભક્તિ, ભજન અને ભોજનનો સમન્વય એવા મહાશિવરાત્રીના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું છે. ભવનાથના મેળામાં અખાડાનું પણ એક આગવુ મહત્વ છે. મેળામાં આવતા લોકો અખાડાની અચૂક મુલાકાત લઇ ત્યાંના સાધુ-સંતોના દર્શનનો લાભ લે છે આ વખતે ભવનાથમાં ચાલી રહેલા આ મેળામાં ઈટાલીના રોમથી આવેલા બે સાધુઓ મુખ્ય આકર્ષણ બન્યા છે. આ બંને સાધુઓએ 4 વર્ષ પહેલા દિલ્હીના વિશ્વંભર ભારતી નામના સંત પાસેથી દીક્ષા લીધી છે. ત્યારબાદ તેઓ નેપાળ, શ્રીલંકા, બાદ ભારતના ધાર્મિક સ્થાનોમાં ભ્રમણમાં નીકળ્યા છે.

દીક્ષા બાદ તેમને શિવાની ભારતી અને અમર ભારતી નામ આપવામાં આવ્યા છે. આ બંને સાધુઓ તેમનુ પીંડદાન કરી પુરેપુરા સનાતની રંગમાં રંગાઈ ગયા છે. ભવનાથમાં હાલ આ બંને સાધુઓ ઓમ નમ: શિવાયનો જાપ જપતા રહે છે. તેમના અગાઉના જીવન વિશે કોઈ પૂછે તો તેઓ વો મર ગયા એવો જવાબ આપે છે. આથી જ તેઓ પોતાનુ જ પિંડદાન કરી ચુક્યા છે એવુ પણ જણાવે છે. જુનાગઢમાં ભવનાથમાં યોજાતા આ મેળાનું અનોખુ મહત્વ છે. આ મેળાને મિનીકુંભ તરીકે પણ જાણીતો છે.

ભજન , ભોજન અને  ભક્તિનો ત્રિવેણી સંગમ

આદ્યાત્મિક શિવરાત્રીના મેળામાં દિવસભર ભક્તિમય માહોલ જોવા મળે છે તો રાત પડતાની સાથે જ ડાયરાની રંગત જામે છે. ગુજરાતના પ્રખ્યાત લોક સાહિત્યકાર અને ગાયકો શિવરાત્રીના મેળામાં યોજાતા ડાયરામાં ભજન કરી શિવભક્તિમાં લીન થઇ જાય છે. ત્યારે લોક સાહિત્યકાર દિવ્યેશ જેઠવા પણ ભવનાથ મંદિરમાં દર્શન કરી શિવ ભક્તિમાં લીન થઇ ગયા છે.

મહાશિવરાત્રીના મહામેળામાં લાખો ભાવિ ભક્તો ઉમટે છે. અનેક સેવાભાવી સંસ્થાઓ અને ઉતારા મંડળ આ લાખો ભક્તોને આશરો અને રોટલો પૂરો પાડે છે. જી હા કહેવાય છે ભક્તો ભંડારામાં ભોજન કરી ભક્તિની સાથે પુણ્યનું ભાથુ પણ બાંધી જાય છે. તળેટીના ભંડારા લાખોની સંખ્યામાં આવતા ભક્તોને માન-સન્માનથી જમાડે છે અને ભક્તો ભંડારાનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવે છે.